જમ્મુ-કાશ્મીર: બોલવું એનો અર્થ એ નથી કે જાણકારીનો દુરુપયોગ કરવો

11 August, 2019 02:48 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

જમ્મુ-કાશ્મીર: બોલવું એનો અર્થ એ નથી કે જાણકારીનો દુરુપયોગ કરવો

જમ્મુ-કાશ્મીર

હા, આ વાત એ દરેક ભાઈઓ અને બહેનોને લાગુ પડે છે જે સોશ્યલ મીડિયા પર બાદશાહી ભોગવે છે અને બાંગબહાદુરનો ખિતાબ મેળવવા તત્પર છે. જાણવું એનો અર્થ એ નથી કે બોલવાની આઝાદી મળી ગઈ અને બોલવાની આઝાદી મળી ગઈ એનો અર્થ એ નથી કે જેકોઈ જાણકારી છે એનો દુરુપયોગ કરવો અને ગમે એ જગ્યાએ એને પીરસવા માંડવી.

છેલ્લા બે દિવસ દરમ્યાન એક પ્રકારના મેસેજ બહુ આવ્યા કે જમ્મુ-કાશ્મીરમાં તમે જમીન નહોતા લઈ શકતા, એવું નથી. આજે પણ અમુક રાજ્યો એવાં છે જ્યાં દેશનાં બીજાં રાજ્યનો ભારતીય જમીન નથી લઈ શકતો. પહેલી વાત, આ વાત કોઈએ છુપાવી નથી અને કોઈએ સંતાડી પણ નથી. નાગાલૅન્ડમાં તમે જમીન નથી લઈ શકતા, તમે સિક્કિમ અને આસામમાં પણ પ્રૉપર્ટી નથી લઈ શકતા. ઉત્તરાંચલ અને હિમાચલ પ્રદેશમાં પણ તમને જમીન લેવાની છૂટ નથી. હકીકત છે આ, પણ આ હકીકતને કારણે જમ્મુ-કાશ્મીરમાં જે નિર્ણય લેવામાં આવ્યો એને ધુત્કારી દેવાની કે હીન કક્ષાનો ગણવાની જરૂર નથી. જમ્મુ-કાશ્મીરમાં જમીન લઈ નહીં શકવાનો કોઈ રંજ કોઈ ભારતીયને હતો જ નહીં. ઉપર કહ્યું એવા મેસેજ ફૉર્વર્ડ કરનારાઓએ કેટલા રાજ્યમાં જઈને જમીન ખરીદી એ ખરેખર તેમને પૂછવું જોઈએ.

પોતાની ગલીના ખૂણે સસ્તામાં મળતો ફ્લૅટ લેવાની ક્ષમતા તેમનામાં હોતી નથી. ઘરમાં કઈ રસોઈ બનાવવી એમાં પણ તેના મતને કોઈ મહત્ત્વ મળતું નથી એવા લોકો આ પ્રકારની લવારી કરીને જમ્મુ-કાશ્મીરના પ્રશ્નની ગંભીરતા સમજતા નથી અને એ ગંભીરતા અન્ય કોઈના મનમાં પણ ઊતરવા નથી દેતા. જમ્મુ-કાશ્મીરના પાડોશીના પેટમાં રહેલું પાપ આપણે જોતા રહેવાનું હતું. પાકિસ્તાનની મેલી મુરાદને પારખવાની હતી. એ ૫૦-૧૦૦ કિલોમીટરના અંતર પર જે આતંકવાદની ફૅક્ટરી ચલાવે છે એ ફૅક્ટરીઓને બંધ કરવા તમારા દેશના જ એક હિસ્સા એવા જમ્મુ-કાશ્મીરની બમણી નાગરિકતાની માનસિકતા કાઢવાની હતી. તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આ બમણી નાગરિકતાનો સીધો લાભ આતંકવાદીઓ લઈ રહ્યા હતા અને એ બમણી નાગરિકતાને કારણે આતંકવાદીઓ પોતાની ઓળખ પણ છુપાવી શકતા હતા.

આતંકવાદના પાપને જ કાઢવાનું હતું અને એ પાપને કાઢવા માટે જમ્મુ-કાશ્મીર સાથે આકરા બનવું જરૂરી હતું. આકરા જ શું કામ, તેમને પણ આ સમજદારી આપવી જરૂરી હતી કે પાકિસ્તાન માસી માત્ર છે, એ લાડ લડાવવાના નામે બગાડવાનું કામ કરે છે. મિત્રો, ભારતે માતાના રોલમાં આવવાનું હતું. કડક થવાનું હતું, કડવાણી પીવડાવવાની હતી અને કાશ્મીરના પેટમાં રહેલા કૃમિઓને દૂર કરવાના હતા.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર અને લદાખઃ હજી કોઈને શંકા હોય એ PMની ગઈ કાલની 40મિનિટની સ્પીચ સાંભળી લે

કૃમિઓ દૂર કરવા માટે કડક થવું બહુ જરૂરી છે. જો તમે જિંદગીભર બાળકને લાડ જ લડાવતાં રહો તો બાળક ક્યારેય સુધરે જ નહીં. જરૂર પડ્યે બાળકની ચોક્કસ જગ્યાએ લાત પણ મારવી પડે અને જરૂર પડે ત્યારે બાળકના પછવાડે ચંપલ પણ ઠોકવું પડે. હજી ઠોકાયું નથી, પણ જો જમ્મુ-કાશ્મીરમાં આ સ્ટેપ ન લેવાયું હોત તો વાત એ સ્તરને વળોટી ગઈ હોત એ નક્કી હતું.

manoj joshi columnists