પર્યાવરણ: કોઈ એક ક્યારેય ન બચાવી શકે એવું આ મિશન છે, એવું આ અભિયાન છે

20 July, 2019 01:07 PM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

પર્યાવરણ: કોઈ એક ક્યારેય ન બચાવી શકે એવું આ મિશન છે, એવું આ અભિયાન છે

કુલભૂષણ જાધવ પછી હવે આપણે ફરી વાત કરીએ પર્યાવરણ અને પૉલ્યુશનની. એક વાત યાદ રાખજો કે પર્યાવરણ બચાવવાનું એક એવું કામ છે કે એ ક્યારેય કોઈ એક બચાવી નથી શકવાનો. સુપરમૅન પણ આ કામ ન કરી શકે અને આયર્નમૅન પણ ક્યારેય એકલા હાથે આ અભિયાનને આગળ વધારી ન શકે. આ કામ સંયુક્ત રીતે અને સામૂહિક રીતે જ થઈ શકે. આની પાછળ એક કારણ પણ છે. પૉલ્યુશન ફેલાવવાનું કામ હવે સામૂહિક રીતે થઈ રહ્યું છે. જ્યારે દરિયો આખો ઠલવાઈ રહ્યો હોય ત્યારે એ દરિયાનું પાણી કાઢવા માટે ટમ્બલર કોઈ હિસાબે કામ ન લાગે. એવા સમયે તમારે બધા દરવાજા જ ખોલવા પડે અને પાણીને માર્ગ આપવો પડે.

આ વાત પૉલ્યુશનના હેતુથી પણ aઓકે છે. માણસનો પરિવાર એક છે, પરિવારમાં સભ્યો ત્રણ છે અને વાહન ચાર છે. આમાં કેવી રીતે કીડી બિચારી કોષનો ડામ સહન કરી શકવાની અને ક્યાંથી એ શક્ય પણ બને. સૌકોઈએ આ જવાબદારીને અંગત જવાબદારી ગણીને સામૂહિક રીતે આ કામમાં લાગવું પડશે અને પર્યાવરણ માટે જાગ્રત થવું પડશે. પ્લાસ્ટિકનો પ્રશ્ન પ્રમાણમાં હવે હલ થયો છે, પણ એનો ફાયદો કોઈ હિસાબે આવતાં ત્રણચાર વર્ષમાં દેખાવાનો નથી. એને માટે રાહ જોવી પડશે. જો એવું તમે માનતા હો કે એટલી રાહ જોઈ શકાય એમ નથી તો મારે પૂછવું છે કે આ પૃથ્વીને ખતમ કરવાનું જે કાર્ય તમે દસકાઓથી કરો છો એ પૃથ્વીને સારી થવા માટે, તંદુરસ્ત દેખાડવા માટે તમારે સમય તો આપવો જ પડશે. પ્લાસ્ટિક પછીના બીજા ક્રમે આવે છે ક્રૂડનો ધુમાડો. સાહેબ, માણસોનાં ગળાં બગડી ગયાં છે. બોલે ત્યારે છોકરો બોલે છે કે છોકરી એની પણ ખબર નથી પડતી. ઉંમરમાં પણ ફરક આવી ગયો છે. કેટલાક અકાળે બુઢ્ઢા થવા માંડ્યા છે અને કેટલાક કારણ વિના બાળકો રહી ગયાં છે. દરેક વખતે કુપોષણ જ વાંકમાં નથી હોતું. તમારી હવા પણ આને માટે કારણભૂત છે. જઈને જુઓ પૉલ્યુશન-ફ્રી હોય એવા દેશોમાં. તમને ખબર પડશે કે તંદુરસ્તી શું હોય છે. ગાલની બન્ને બાજુએ ટમેટાં ભરાવીને રાખ્યાં હોય એવા ગલગોટા જેવા ગાલ સાથેના માણસોની તંદુરસ્તી તમને એ દેશની વાહવાહી કરવાનું મન કરાવી દેશે પણ સાહેબ, એને માટે એ લોકોએ ભોગ પણ આપ્યો છે.

સુવિધાની પાછળ ભાગવાનું ગાંડપણ તેઓ દેખાડતા નથી અને સાહ્યબી પાછળ દોટ મૂકવાનું કારસ્તાન તેઓ કરતા નથી. બહુ દૂર જવાની જરૂર નથી. એક વખત જઈને થાઇલૅન્ડનો કે દુબઈનો દરિયો જોઈ આવો, તમને જુહુ બીચના દરિયાથી ભારોભાર નફરત થઈ જશે. આ નફરત હકીકતમાં તો તમને તમારા માટે થવી જોઈએ. તમારા દ્વારા ઊભી થનારી ગંદકી માટે થવી જોઈએ. જે દિવસે તમે તમને પોતાને વાંકમાં જોશો એ દિવસે તમને સમજાશે કે પૃથ્વી અને ખાસ તો આપણો આ દેશ જીવવાલાયક શું કામ નથી રહ્યો? ક્યાં તમારો વાંક છે અને ક્યાં તમારો દોષ છે?

દોષને ઓળખો અને પર્યાવરણની દિશામાં આગળ વધો. યાદ રાખજો, તમારા એકલાથી પણ કશું નહીં થાય એટલે બધાને સાથે લઈને આ દિશામાં આગળ વધવાનું છે.

manoj joshi columnists