સમય બદલાય: અયોગ્ય સમયે લીધેલો સાચો નિર્ણય પણ અયોગ્ય પુરવાર થતો હોય છે

29 June, 2019 02:52 PM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

સમય બદલાય: અયોગ્ય સમયે લીધેલો સાચો નિર્ણય પણ અયોગ્ય પુરવાર થતો હોય છે

લાલુપ્રસાદ યાદવ યાદ છે?

હમણાં બિહાર જવાનું બન્યું ત્યારે લાલુપ્રસાદ યાદવની બહુ યાદ આવી. મને તેમની યાદ આવે છે એના કરતાં પણ તેના પરિવારને અને તેમની પાર્ટીને તેમની યાદી ખૂબ આવે છે. લાલુની ગેરહાજરીના કારણે બિહારમાં તેની પાર્ટી રીતસર ધોવાઈ ગઈ છે. ધોવાઈ ગયેલી આ પાર્ટીને હવે કોઈ બચાવી શકવાનું નથી, પણ એનાથી પણ મહત્વની વાત એ છે કે હવે લાલુ ક્યારેય તમને બહાર જોવા મળવાના નથી. આનું કારણ આપણામાંથી ઓછા લોકોને યાદ હશે. લાલુભાઈ અત્યારે જેલમાં છે. ભ્રષ્ટાચારના આરોપમાં લાલુ જ નહીં, દેશના અનેક નેતાઓ જેલના ‌સળિયા પાછળ ધકેલાઈ ગયેલા છે અને સજા ભોગવી રહ્યા છે. અમુક તો તેમાંથી કેન્દ્ર સરકારના પ્રધાનો પણ રહી ચૂક્યા છે. આમ તો આ રાજનીતિ છે, પરંતુ જીવનનીતિ હોય, વ્યવસાયનીતિ હોય કે પછી સંબંધનીતિ હોય; યાદ રાખજો કે જીવનમાં ઉતારચડાવ સતત આવતા રહેવાના છે. એ જ સમયની પ્રકૃતિ છે. સમય બદલાય છે અને બદલાતો રહેવાનો છે. સારા સમયે કરેલાં સારાં કામ ખરાબ સમયમાં કામ લાગશે અને સારા સમયમાં કરેલાં ખરાબ કર્મો ખરાબ સમયમાં વધુ બદતર હાલત કરશે. નિર્ણય તમારો કે તમારે તમારી આજ પાસે શું કરાવવું છે.

ગઈ કાલે ઘણા સમય પછી મિયાન અઝીઝની પેલી જાણીતી કવ્વાલી કાને પડી. આજ જવાની પર ઇતરાને વાલે કલ પછતાએગા, ચડતા સૂરજ ધીરે-ધીરે ઢલતા હૈં ઢલ જાયેગા...

સૂરજ ઢળે એ સહજ છે, એનો સ્વભાવ છે, પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિનો પણ અને જીવનનો પણ, પરંતુ નક્કી તમારે કરવાનું છે કઈ અવસ્થામાં તમારે એને ઢળવા દેવો છે. ઢળતો સૂરજ પણ સમીસાંજ બનીને ઉત્સવનું રૂપ લઈ શકે છે અને ઢળતો સૂરજ તમારી નિષ્ફળતાઓનું અને નાલેશીનું નજરાણું બનીને તમને વેરણછેરણ પણ કરી શકે છે. શાહ-સૌદાગર હોય કે પછી શાસ્ત્રોક્ત પંડિત હોય, સફાઈ કામદાર હોય કે પછી ભલે તે સામાન્ય મજૂર હોય, આ હકીકત બધાને લાગુ પડે છે કે સમય ક્યારેય સમાન રહેવાનો નથી. નિર્ણય તમારો, વ્યવહાર તમારો અને એ પછી જે આવે પરિણામ પણ તમારું. તમારી આજની વર્તણૂક આવતી કાલ પર ઓછાયો બનીને મંડરાશે. તમારા આવનારા સમયનો આધાર તમારી આજ પર, આજનાં કાર્ય અને નિર્ણયો પર અવલંબિત છે. એટલે જ કહું છું કે જાત સાથે પ્રામાણિક રહીને તમારી આજને જીવો.

આ પણ વાંચો : સસ્તું એટલું સોનું: આ માનસિકતાએ જ દેશની હાલત ખરાબ કરવાનું કામ કર્યું છે

આજે કદાચ તમારો નબળો સમય પણ ચાલતો હોય તો પણ ગભરાયા વિના આ સમયમાં યોગ્ય નિર્ણય લેવાનું ચુકાય નહીં એટલી સજાગતા કેળવશો તો જ્યારે આ સમય બદલાશે ત્યારે આવનારા સમયને બહેતર બનાવવામાં સરળતા રહેશે. સરળતા પણ રહેશે અને અંગત જીવન માટે પણ સુસંગત રહેશે.

manoj joshi columnists