શાસક પક્ષ વર્સસ વિરોધ પક્ષ: લોકશાહી માટે બન્ને મહત્વના, બન્ને અદકેરા છે

22 May, 2019 02:44 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

શાસક પક્ષ વર્સસ વિરોધ પક્ષ: લોકશાહી માટે બન્ને મહત્વના, બન્ને અદકેરા છે

હા, આ સાચું છે. લોકશાહીનો અર્થ તો જ સરે છે જો એમાં સક્ષમ વિરોધ પક્ષ હોય; જેમાં વિવેકબુદ્ધિ હોય, જે વિચક્ષણ હોય, સારી વાતને આવકારી શકતા હોય અને નકારાત્મક કે અયોગ્ય વાતોનો, નિર્ણયોનો જડબાતોડ જવાબ પણ આપી શકતા હોય. મારું કહેવું છે કે શાસક પક્ષમાં બેસનારા પક્ષ કે પછી સંસદસભ્યએ રાજી થવાની જરૂર નથી અને વિરોધ પક્ષમાં બેસનારાઓએ દુખી થવાની જરૂર નથી. શાસક પક્ષ અને વિરોધ પક્ષ બન્ને લોકશાહી માટે અત્યંત મહત્વના છે. શાસક પક્ષ સ્વાભાવિક રીતે નિર્ણયકારી પક્ષ છે એટલે તો મહત્વનો છે જ પણ આ શાસક પક્ષ પર ધ્યાન રાખવાનું કામ બીજું કોઈ કરે કે ન કરે, આ કામ વિરોધ પક્ષ પહેલાં કરે છે. જે દેશનો વિરોધ પક્ષ મજબૂત હોય છે એ દેશનો શાસક પક્ષ હંમેશાં શ્રેષ્ઠ કામ કરવા માટે કટિબદ્ધ રહેતો હોય છે. હું કહીશ કે શ્રેષ્ઠ વિરોધ પક્ષના બધા ગુણો બીજેપીમાં છે, એનડીએમાં છે, પણ આ ગુણની બાબતમાં કૉન્ગ્રેસ હજી પણ નબળું પડી રહ્યું છે. આવું થવાનાં પણ અનેક કારણો છે અને એ કારણોમાંથી સૌથી મહત્વનું તથા અગત્યનું કારણ એ છે કે કૉન્ગ્રેસ ક્યારેય વિરોધ પક્ષમાં બેઠો જ નથી, વિરોધ પક્ષની જવાબદારી એણે નિભાવી જ નથી.

વિરોધ પક્ષમાં રહેવું એ પણ મારી દૃષ્ટિએ મહત્વની અને ગંભીર બાબત છે. વિરોધ પક્ષ સતત આંખો ખુલ્લી રાખીને જીવતો હોવો જોઈએ. વિરોધ પક્ષ પાસે શાસક પક્ષની તમામ કામગીરીની રૂપરેખા હોવી જોઈએ, પણ એ હોવાની સાથોસાથ એ સમજણ તેમનામાં હોવી જોઈએ કે શાસક પક્ષ જે કામ ખોટી રીતે કરી રહ્યું છે એ કામ કરવાની સાચી રીત કઈ અને કેવી હોવી જોઈએ. વિરોધ પક્ષ મતલબ વિરોધ એવો નથી જ નથી. તમામ બાબતમાં આડા ચાલવું એ પણ વિરોધ પક્ષની કામગીરીનો ભાગ નથી. સારા કામને બિરદાવવાની જવાબદારી પણ વિરોધ પક્ષની છે અને શાસક પક્ષની પીઠ થાબડવાની જવાબદારી પણ વિરોધ પક્ષની છે.

વિરોધ પક્ષ બહુ મહત્વનો પક્ષ છે, પણ કૉન્ગ્રેસ આ જવાબદારીમાં હંમેશાં પાછી પડી છે. વિરોધ પક્ષમાં બેસવાની ક્ષમતા એનામાં રહી જ નથી, કહો કે આવી જ નથી. તમે પ્રશ્ન પૂછો અને સામેવાળાએ જવાબ આપવો પડે એ આદર પણ કમાવવો પડે અને તમે પ્રશ્ન પૂછશો તો શું જવાબ આપવો એનો ડર પણ શાસક પક્ષમાં હોવો જોઈએ. હું કહીશ કે આ દેશને શ્રેષ્ઠ વિરોધ પક્ષ નેતા મળ્યા હોય તો એ અટલ બિહારી વાજપેયી હતા.

વાજપેયીએ તેમના વિરોધ પક્ષના નેતા તરીકેના કાર્યકાળને ઉમદા અને શ્રેષ્ઠ રીતે નિભાવ્યા છે. એ સમયની તમે કામગીરી જોશો તો તમને પણ દેખાશે, સમજાશે કે વાજપેયીએ સારા કામને કોઈ પણ જાતના સંકોચ અને ખચકાટ વિના વધાવ્યા પણ છે અને ખોટા કે ખરાબ કામ માટે તેમણે યોદ્ધા બનીને લડાયક મૂડ પણ દેખાડ્યો છે. આવતી કાલે લોકસભાની મતગણતરી થવાની છે. આશા રાખીએ કે આ મતગણતરી દરમ્યાન સારો શાસક પક્ષ તો મળે જ મળે, પણ આ દેશને એક સારો વિરોધ પક્ષ પણ મળે.

manoj joshi columnists