યાદેં :ટ્રાફિક-કૉન્સ્ટેબલનું એઠું પાણી પીવાની હિંમત કોઈ PM કરી શકે ખરા?

23 March, 2019 12:35 PM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

યાદેં :ટ્રાફિક-કૉન્સ્ટેબલનું એઠું પાણી પીવાની હિંમત કોઈ PM કરી શકે ખરા?

મનોહર પર્રિકર

પર્રિકરના પર્સનલ સ્ટાફમાં જોડાવા કોઈ રાજી નહોતું. એનું કારણ જાણવા જેવું છે. પર્રિકર પોતે અઢાર કલાક કામ કરતા અને પોતાના સાથીઓ પાસે પણ તે એટલું જ કામ લેતા હતા. કામ કરવાની તેમની ક્ષમતાની સાથે તાલ મિલાવવાનું કામ અઘરું હતું અને એટલે જ પર્રિકરના પર્સનલ સ્ટાફના લોકો ટ્રાન્સફર કરાવવા માટે તલપાપડ રહેતા. તમને તેમના જ સચિવનો એક કિસ્સો કહું. કર્મઠ વ્યક્તિની ક્ષમતા કેવી હોય અને તેની સાથે કામ કરવાની ભાવના હોય તો તૈયારી પણ કેવી હોય એનું જ્વલંત ઉદાહરણ તમને મળશે.

રાતના સાડાબાર વાગ્યા સુધી પર્રિકર અને તેમના સચિવ બન્ને કામ કરતા રહ્યા. રાતે એક્ઝૅક્ટ ૧૨.૫૫ વાગ્યે બન્ને નીકYયા એટલે પર્રિકરને પેલા સચિવભાઈએ ધીમા અવાજે કહ્યું, ‘સર, કાલે કદાચ આવતાં થોડું મોડું થાય તો ચાલશે?’

પર્રિકરે જવાબ આપ્યો, ‘હા, વાંધો નહીં. સવારે સાડાછ સુધીમાં આવી જજો.’

સચિવને તો એમ હતું કે આ સાહેબ હેરાન કરવા માટે કરે છે અને તે એકલો ઑફિસમાં પહોંચશે. એમ છતાં સાહેબ હતા ચીફ મિનિસ્ટર એટલે સવારે સચિવ સાડાછ વાગ્યે હાજર થઈ ગયો, પણ તે દરવાજે પહોંચ્યો ત્યાં સિક્યૉરિટી ગાર્ડે કહ્યું કે સર તો સવારના પાંચ વાગ્યામાં આવી ગયા છે અને કામે લાગી ગયા છે. આ પર્રિકરની ક્ષમતા હતી અને પર્રિકરની આ તૈયારી હતી.

લીડરશિપના ગુણ આને કહેવાય. તમે જે અપેક્ષા રાખો છો એ પહેલાં લીડર પૂરી કરે, સતત પૂરી કરીને દેખાડે અને પછી તે પોતાની ટીમ પાસેથી એ કામની અપેક્ષા રાખે. પર્રિકરને હું દિલ્હીમાં પણ મળ્યો છું અને ગોવાનો કાર્યભાર તેમણે સંભાળ્યો ત્યાર પછી પણ અનેક વખત મળ્યો છું. ગોવામાં ફિલ્મ-ફેસ્ટિવલ થાય છે એની વાત કરું હું તમને.

ફિલ્મ-ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમયે ત્યાં પહોંચેલા તમામ મહેમાનો દંગ રહી ગયા જ્યારે તેમણે જોયું કે ટ્રાફિક-પોલીસની સાથે સિવિલ ડ્રેસમાં સજ્જ મનોહર પર્રિકર પણ ટ્રાફિક મૅનેજ કરાવતા હતા. આંખોમાં અચરજ તો ત્યારે વધી ગયું જ્યારે એ જ પર્રિકરે ટ્રાફિક-કૉન્સ્ટેબલની પાણીની એંઠી બૉટલમાંથી પાણી પીધું ને પછી પાછું વધેલું પાણી પેલા કૉન્સ્ટેબલને આપ્યું પણ ખરું. પર્રિકર બિલકુલ જમીનના માણસ હતા. તેમને એક જ કામ કરવું હતું - લોકોનાં કામો. આ સિવાય તેમનું બીજું કોઈ પ્રાધાન્ય નહોતું.

આ પણ વાંચો : યાદેં: સર્જિકલ સ્ટ્રાઇક પછી મનોહર પર્રિકરના એ શબ્દો ક્યારેય ભુલાશે નહીં

કૅન્સર. કૅન્સર જાહેર થયા પછી પર્રિકરને મળવાનું બન્યું ત્યારે તેમને આરામ કરવા વિશે મેં કહ્યું હતું; પણ પર્રિકરજીએ કહ્યું હતું કે એવો આરામ કરવો મને નહીં પોસાય, મારે તો કામ કરવું છે અને કામ જ મારું પ્રોટીન છે. સાહેબ, આવી વાત કોણ કરી શકે? વાત કરવાની તો બાજુ પર રહી, તેમણે એ કરીને પણ દેખાડ્યું. નાકમાં નળી હોય અને જાત સ્ટ્રેચર પર હોય અને એ અવસ્થામાં પોતે ઑફિસમાં હાજર હોય. મીટિંગ પણ લે અને ફાઇલ રિજેક્ટ કરીને એના પર ઇન્ક્વાયરી પણ બેસાડે.

સિમ્પલી હૅટ્સ ઑફ.

manoj joshi manohar parrikar columnists