ચૂંટણીપ્રચાર : મુદ્દો રાષ્ટ્રીયતાનો નહીં, મુદ્દો ગરિમાનો અને સ્વાભિમાનન

15 April, 2019 05:15 PM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ચૂંટણીપ્રચાર : મુદ્દો રાષ્ટ્રીયતાનો નહીં, મુદ્દો ગરિમાનો અને સ્વાભિમાનન

ઇલેક્શન કૅમ્પેન પુરજોશમાં છે અને પુરજોશમાં આચારસહિંતાના ભંગની ફરિયાદો પણ આવી રહી છે. શબ્દો હવે માઝા મૂકે છે અને રાષ્ટ્રીયતાના નામે એવા-એવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે જેમાં ગરિમા અને સ્વાભિમાન બન્ને જોખમાય છે. કોઈ એક પાર્ટીની વાત નથી ચાલી રહી આ, કોઈ એક ઉમેદવાર કે સ્ટાર પ્રચારકની પણ ચર્ચા નથી આ. વાત છે સામૂહિક ઉત્તરદાયિત્વની. નાગરિક તરીકે તમારી ફરજ છે, જાગ્રત નાગરિક તરીકે તમારી કેટલીક જવાબદારીઓ છે અને કોઈ પૉલિટિકલ પાર્ટીના ઉમેદવાર બનો તો તમારી ફરજમાં નવો ઉમેરો થાય છે એ પણ તમારે સમજવાની જરૂર છે. રાજકીય ઇલેક્શન આજે છે અને આવતી કાલે નહીં હોય. સત્તા આજે છે અને આવતી કાલે હાથમાંથી સરકી જશે, પણ એ બધા વચ્ચે તમારે એ સમજવાની જરૂર છે કે જો તમે તમારી સભ્યતાનો ક્ષય કરી નાખશો તો નહીં ચાલે. તમારી ભાષા એ તમારી ઓળખ છે. જો તમે તમારી ઓળખની ગરિમાને જ ખંડિત કરવા માગતા હો તો કેવી રીતે તમારા પ્રત્યે અહોભાવ રહેશે, કેવી રીતે તમારા પ્રત્યે માન જળવાયેલું રહેશે. બહુ સીધો હિસાબ છે, બહુ સીધો દાખલો છે. માન જોઈતું હોય તો માન આપતા રહેવું પડશે.

આક્ષેપો થાય એ સમજી શકાય. આક્ષેપ માટે તૈયાર રહેવું પડે એ પણ રાજકીય ક્ષેત્રની ખાસિયત છે, પણ એ આક્ષેપોને પડતા મૂકીને સાવ જ કંગાળ અવસ્થા પર ઊતરી જઈને જો વાત કરવા માંડશો તો એ ક્ષણિક ફિલ્મી ડાયલૉગ લાગશે અને તાળીઓ પણ લઈ જશે, પણ માનનું સ્તર એમાં નિમ્ન થઈ જશે અને અહોભાવનો ક્ષય થઈ જશે એ નક્કી. જો વિષય ન હોય તો વિષયને શોધવાની જરૂર નથી. જો મુદ્દો ન હોય તો ભૂતકાળને પકડવાની આવશ્યકતા નથી. જો વાસ્તવિકતાનું ભાન ન હોય તો વાતાવરણ ઊભું કરવાની કોઈ જરૂરિયાત નથી. તમારી વાત કરો, તમારા વિચારોની અને તમારાં સપનાંઓની વાત કરો. આશાના ભારતની વાત કરો અને સપનાના હિન્દુસ્તાનની વાત કરો. વાત જ કરવી છે તો આવતી કાલની વાત કરો, વિકાસની વાત કરો અને મહાસત્તાની વાત કરો. બોલવું જ છે તો બોલો, પણ બફાટ નહીં કરો. કહેવું છે તો કહો પણ કહેવાની લાયમાં ક્યાંય કલબલાટ ન કરો.

આ પણ વાંચો : કોઈ એક કામનું વર્ણન કરો:જો ઉમેદવાર આ એક કામ સારી રીતે કરી લે તો પણ તેની જીત નક્કી છે

આ વખતે કદાચ પહેલી વખત એવું બન્યું છે કે દરરોજ સરેરાશ પચાસ જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદો મળી રહી છે. બન્ને પક્ષેથી મળે છે અને અન્ય રાજ્યોમાં ત્રણ-ચાર કે પાંચ પક્ષોમાંથી મળે છે. કોઈની શેહશરમ રાખ્યા વિના, કોઈની ફિકર કર્યા વિના કે પછી કોઈના બાપની સાડાબારી રાખ્યા વિના વાણીવિલાસ થઈ રહ્યો છે અને એ વાણીવિલાસ રાત પડ્યે નૅશનલ ન્યુઝ ચૅનલ પર જગ્યા લે છે અને એ રીતે ઘરઘર સુધી પહોંચે છે. મને કહેવું છે કે બોલતાં ન આવડે તો ચાલશે પણ બફાટ કરશો તો નહીં ચાલે. તમારો બફાટ સામેવાળાની નહીં પણ તમારી કિંમત આંકવાનું કામ કરે છે.

manoj joshi columnists