કૉલમ: એક વોટ માટે એકેક લાખ અભિનંદનને હકદાર છે આ વોટર્સ

02 May, 2019 12:53 PM IST  |  મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

કૉલમ: એક વોટ માટે એકેક લાખ અભિનંદનને હકદાર છે આ વોટર્સ

ઈલેક્શન

આ વર્ષે ખરેખર લોકશાહી પર્વના જુવાળને જોઈને મનમાં આનંદ સમાતો નહોતો. લોકોમાં વોટ આપવા જવાના ઉત્સાહે પાણી ચડાવવાનું કામ કર્યું છે. વોટ આપવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે તો રહીશું, તડકો અને ગરમી સહેવાં પડશે તો સહીશું, સમય આપવો પડે તો આપીશું. આ જે મક્કમતા હતી એ જોઈને છાતી ગજગજ ફુલાઈ ગઈ, સાહેબ. મુંબઈ કે મહારાષ્ટ્રની જ વાત નથી આ. ગુજરાતમાં પણ મતદાન સમયનો માહોલ જોયો છે અને બંગાળમાં પણ આ માહોલ જોયો છે. ગઈ કાલે કહ્યું હતું એમ પણ પાર્ટી અને વ્યક્તિ ભૂલી જાઓ, મતદાન કરો, હક દેખાડો. મારી દૃષ્ટિએ તો પાર્ટી ભવિષ્યમાં જીતશે પણ એ પહેલાં એ સૌ જીતી ગયા જેમણે મતદાન કરીને લોકશાહીની શાન જાળવી લીધી. એ સૌ વડીલોને શત-શત પ્રણામ જેમણે તમામ અગવડને હડસેલીને મતદાનને પ્રાધાન્ય આપ્યું. દેશની જનતા જાગે છે, દેશના લોકો રાષ્ટ્રહિત માટે સજાગ છે, દેશની પ્રજાને પોતાના દેશનું સુકાન કોના હાથમાં આપવું એની ચિંતા છે એ જ બાબત ગઈ કાલે મેં અનુભવી છે. મુંબઈની સડકો પર, મતદાન-કેન્દ્રોમાં શિસ્ત જાળવીને ઊભા રહેલા એ તમામ લોકોએ રાષ્ટ્ર માટેના પોતાના યોગદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. સાચુ કહું છું, અત્યારે જાતે જ પોતાની પીઠ થપથપાવી લેજો. તમે એના હકદાર છો. મતદાન માટે ઘરની બહાર પગ મૂક્યો એ તમામ માટે અહોભાવ છે. રાષ્ટ્ર માટે તમે તમારો ધર્મ, તમારું કર્તવ્ય અને તમારા અધિકારને અદા કર્યો છે. અંગ્રેજીમાં કહેવત છે, ‘વેલ બિગન ઇઝ અ હાફ ડન.’ શરૂઆત થઈ ગઈ છે. તમારી પગ ઉપાડવાની ચેષ્ટાએ તમને રાષ્ટ્રહિત માટે સક્રિય કરી દીધા છે.

મુંબઈનાં મતદાન-કેન્દ્રોમાં થયેલા કેટલાક અનુભવોના આધારે આજે બીજી પણ કેટલીક વાતો મારે કરવી છે. જે કદાચ આવનારી તમામ ચૂંટણીમાં ઉપયોગી સાબિત થવાની છે. મતદાન માટે આવેલા કેટલાક લોકો પોતાને ત્યાં ઊભા રહેલા કઈ પાર્ટીના કયા ઉમેદવારથી પરિચિત નહોતા, કેટલાક લોકોમાં તો પાર્ટીના સિમ્બૉલને લઈને પણ મૂંઝવણ હતી. ઉમેદવાર બીજો અને સિમ્બૉલ તેમના મગજમાં જુદી હતી. આ બાબત ગંભીર છે. લોકશાહીમાં જેટલુ મહત્વ મતનું છે એટલુ જ મહત્વ તમારો મત તમે ઇચ્છો છો એ જ પક્ષને અને એ જ ઉમેદવારને જાય છે કે નહીં એની સજાગતા તો એથીય વધુ મહત્વની છે. જરા કલ્પના કરો કે તમારે વોટ આપવો એક્સ પાર્ટીને હોય પણ તમે વષોર્થી મગજમાં વાય પાર્ટીની જ સિમ્બૉલને ધ્યાનમાં રાખી હોય તો અનિચ્છનીય વ્યક્તિને વોટ જવાની પૂરી સંભાવના છે. આવી ભૂલો ન થવી જોઈએ. વોટિંગનો અધિકાર તમારી સભાનતા સાથે સાર્થક થતો હોય છે. બીજું એક દૃશ્ય જોયું કે ઘણા લોકોને વોટિંગ-સ્લિપ મળી નહોતી અને તેમનું નામ જ લિસ્ટમાં નહોતું અને તેમણે ઊહાપોહ મચાવી નાખ્યો હતો. તેમની ચિંતા વાજબી છે, પરંતુ છેલ્લી ઘડીએ આ બાબતને લઈને ઊહાપોહ કરવાથી કોઈ પરિણામ આવવાનું નથી. આમાં તમારે કરવાનું એટલું જ છે કે એ જ દિવસે જાગવાને થોડા દિવસ પહેલાં જ એની ચોકસાઈ કરી લેવામાં આવે એ વધુ બહેતર છે.

આ પણ વાંચો : કૉલમ: ફિયર અને ફોબિયા જો ડર ગયા, સમઝો મર ગયા

ક્યાંક પોલિંગ-બૂથની થોડા સમયની નિષ્ક્રિયતાથી લોકોને ત્રાહિમામ પોકારતા સાંભળ્યા. જોકે આ બધા વચ્ચે પણ તમે તમારી અલર્ટનેસ અને ચોકસાઈથી વોટ આપી શકો એવા પ્રયત્નો પ્રત્યેક ચૂંટણીમાં કરવાના. સુધારો લાવવાના આશયથી થતી ફરિયાદો સામે મને કોઈ વાંધો નથી, પરંતુ ફરિયાદો વચ્ચે પણ આપણી અલર્ટનેસથી આપણો ધર્મ આપણે બજાવી શકીએ એવી આગોતરી તૈયારી થાય તો વાંધો નથી આવતો. લોકસભાનું ચૅપ્ટર પૂરું થયું છે, પણ વિધાનસભા ઇલેક્શન પાછળ આવી જ રહી છે એટલે આ બધી વાતો એ દૃષ્ટિકોણથી પણ જરૂરી લાગી એટલે કહી છે.

columnists manoj joshi