ગૌરવ તરફ એક ડગઃ માણસ સિવાય બીજા કોને ખોરાક રાંધતો તમે જોયો છે?

07 July, 2019 10:30 AM IST  |  મુંબઈ | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગૌરવ તરફ એક ડગઃ માણસ સિવાય બીજા કોને ખોરાક રાંધતો તમે જોયો છે?

સાંજે સાત પછી ખાવું નથી એ એક નિર્ણય કરવાની સાથોસાથ આપણે એ પણ સમજવાનું છે કે ખાવું પણ શું છે અને કેવું છે?

ખાવાની બાબતમાં આપણે હંમેશાં જીભને સાથ આપ્યો છે, પણ જરૂર જો કોઈ હોય તો એ કે જીભને ભૂલીને આપણે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવાનું છે. ચટકો કોઈ વખત સમજી શકાય એવો હોય છે, પણ દરરોજ ચટકાની શોધમાં રહેનારાના ભાગે ઇન્જેકશન સિવાય બીજું કશું રહેતું નથી. શરીર ઈશ્વરની એવી દેન છે જે તમને બીજી વખત ક્યારેય મળવાનું નથી. ગઈ કાલે કહ્યું એમ, જો તમે મશીનની જાળવણી સારી રીતે કરતા હો, ગાડીની કે બાઇકની પણ દરકાર કરતાં હો, સારામાં સારું પેટ્રોલ પુરાવતા હો અને ખરાબ રસ્તા પર ચાલવાનું ટાળતા હો તો પછી આ જ માનસિકતા શરીર માટે શું કામ કેળવી ન શકાય. આ માનસિકતા કેળવવાની દિશામાં પહેલું પગલું એ સાંજે સાત પછી જમવાનું બંધ કરવાનું છે તો બીજું પગલું ચટકાને ઓછામાં ઓછો શોધવાનું છે. જો તમારા મનમાં અનેક સવાલો જાગતા હોય તો તમને પૂછવાનું કે તમે ક્યારેય એવું સાંભળ્યું ખરું કે હાથીને ડાયાબિટીઝ થયું ? ક્યારેય તમે સાંભળ્યું ખરું કે સિંહને બ્લડપ્રેશર આવ્યું કે પછી જિરાફને કિડનીની બીમારી થઈ ? એમને તો કોઈ રાંધેલો ખોરાક પણ ખવડાવતું નથી અને એ પછી પણ એમની તબિયતમાં મારા કે તમારા જેવા પ્રોબ્લેમ દેખાતા નથી. જીવન આખું તંદુરસ્તી સાથે જીવે છે અને એણે ક્યારેય કોઈ જાતના હાર્ટઅટેક સહન નથી કરવા પડતાં. જરા વિચારો, શું કામ?

સાહેબ, માત્ર ચટાકો. હા, ચટાકાની બાદબાકીના કારણે આજે તેમની લાઇફમાં કોઈ ડૉક્ટરોની આવશ્યકતા રહી નથી. જો તમે વેટરનરી ડૉક્ટરને યાદ કરતાં હો તો પણ કહેવાનું કે એ ડૉક્ટરનો પણ મહત્તમ ઉપયોગ ગાય-ભેંસ-કૂતરાં કે પછી ઝૂમાં પુરવામાં આવેલાં પ્રાણીઓ માટે થાય છે. સિંહના પગમાં ફ્રેક્ચર થાય ત્યારે એણે ઑર્થોપેડિક સર્જન પાસે જવું નથી પડતું. એ હાડકું આપોઆપ અને મારા-તમારા હાડકાં સંધાય એની પહેલાં સંધાઈ જાય છે અને સિંહ મહારાજ જંગલમાં ફરી એક વખત પોતાનું શાસન કાયમ કરી નાખે છે.

આ પણ વાંચો : કૉલમ: સાચી વાત સ્વીકારો તો શાણપણ બાકી દેખાદેખી કરો તો ગાંડપણ

જો જમવામાંથી, થાળીમાંથી ચટાકો ઓછો કરી નાખવામાં આવે તો કશું લૂંટાઈ નથી જવાનું, પણ એ ઓછો કરવા માટે જીભનું પ્રાધાન્ય બંધ કરી દેવું પડશે. આયુર્વેદ કહે છે કે સીધી અને સરળ રીતે જો ફૂડને જોવામાં આવે તો શરીર ક્યારેય બગડતું નથી. ઓછામાં ઓછી પ્રક્રિયાથી બનાવવામાં આવેલું ફૂડ શરીર માટે લાભદાયી છે. ફરજિયાત રાંધવો પડ્યો હોય એ ખોરાક પણ જો અડધી કલાકમાં જમી લેવામાં આવે તો રાંધવા દરમ્યાન થયેલી એ પ્રોસેસ પણ ઓછી નુક્સાનકર્તા બને છે. મને એક વાત ખાસ ધ્યાન પર મુકાવવી છે. તમે ક્યારેય કોઈને ખોરાક રાંધતાં જોયા છે ખરા, ક્યારેય પણ? એક માત્ર માણસ એવો છે જેને ખોરાક રાંધીને ખાવાની કૂટેવ લાગી છે. દિવસ દરમ્યાન એટલિસ્ટ એવો પ્રયાસ કરો કે ઓછામાં ઓછો રાંધેલો ખોરાક પેટમાં જાય. જો એ કરી શક્યા તો સાહેબ, સાચે જ ડૉક્ટર અને હૉસ્પિટલથી જોજનો દૂર રહેવાનો અવસર ઘરઆંગણે આવી જશે.

manoj joshi columnists