કોરોના વેકેશન: કહો જોઈએ, એક નાનકડા વાઇરસથી આટલું ફાટી શું કામ પડવાનું?

17 March, 2020 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના વેકેશન: કહો જોઈએ, એક નાનકડા વાઇરસથી આટલું ફાટી શું કામ પડવાનું?

કોરોનાને ઉતારી પાડનારાઓનો તોટો નથી. કોરોનાને જોક ગણીને એના વૉટ્સઍપ પણ બનાવવામાં આવે છે અને એ ફૉર્વર્ડ કરીને આનંદ પણ લેવામાં આવે છે. ખોટું નથી સાહેબ એમાં કશું, આનું જ નામ જિંદગી છે. મજા લેવાની, તકલીફમાં પણ આનંદ લેવાનો અને મુશ્કેલી વચ્ચે પણ મજા શોધી લેવાની. તકલીફ ત્યાં છે કે આ કોરોનાની મજાક ઉડાડનારાઓ હકીકતમાં કોરોનાને ગંભીરતાથી નથી લેતા. પહેલી વાત, ક્યારેય કોઈ બીમારી સાથે રમત કે ચેડાં ન હોય. જગતઆખું એક વાત સ્વીકારે છે કે સારવારથી બહેતર જો કોઈ હોય તો એ સાવધાની છે અને કોરોનાને સાવધાનીથી રોકી શકાય તો સારવારના રસ્તે જવું જ શું કામ જોઈએ.

કોરોનાની ગંભીરતા સમજવાની જરૂર છે. પહેલી વખત એવું બન્યું છે કે સરકાર અને પ્રશાસન કોરોનાની ગંભીરતા સમજી રહ્યું છે અને એ સમજીને એને અનુરૂપ પગલાં લઈ રહ્યું છે જ્યારે એની સામે લોકોમાં ગંભીરતા આવતી નથી. સૅન‌િટાઇઝર કે માસ્કના વધી રહેલા ભાવોને ટ્રેડ સાથે જોડવામાં આવે છે. કાળાબજારની સાથે જોડવામાં આવે છે અને માર્કેટિંગ ગ‌િમિક પણ સમજી લેવામાં આવે છે, પણ એવું નથી અને ધારો કે હોય તો પણ, તમારે નક્કી કરવાનું છે કે તમે શું ઇચ્છો છો? તમારી લાઇફને એક માસ્ક કે સૅનિટાઇઝરથી પણ સસ્તી ગણો છો? જો નહીં તો એના પ્રત્યે બેદરકારી દાખવવાને બદલે કહેવામાં આવે છે એ નિયમનું પાલન કરો તો શું ખોટું છે? તમે કોઈના પતિ કે પિતા છો. તમે કોઈના સંતાન છો. તમારા પર જવાબદારી છે અને એ જવાબદારીઓ ક્યારેય પૂરી નથી થવાની એટલે બેદરકાર બનીને કોઈને તકલીફમાં મૂકવાને બદલે કોરોનાની જે ગંભીરતા દર્શાવવામાં આવી રહી છે એને સાચી માની, એને માટે શંકાઓ સેવ્યા વિના પરેજી પાળવાનું, નિયમોનું પાલન કરવાનું રાખો. ડરની વાત નથી અને જો એવું કોઈને લાગતું હોય કે આ ડરાવવાનું કામ થઈ રહ્યું છે તો એવું ધારી લો. વાંધો નહીં. ડરવું પણ જરૂરી છે, કારણ કે ડર જીવનની રક્ષા કરે છે.

કોરોના જોખમી હોવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે એનાં ચિહ્‍નો સામાન્ય બીમારીનાં છે. કોરોના વાઇરસ કોઈના શરીરમાં પ્રવેશે અને એ પ્રવેશ કર્યા પછી લોહીની ઊલટીઓ કરાવે તો સમજી શકાય, એનાથી હાથપગ ત્રાંસા થવા માંડે તો પણ ધારી લેવાય, પણ કોરોના એવા કોઈ ચિહ્‍ન દેખાડતું નથી. ઊલટું એ સામાન્ય કે પછી કહો કે સીઝનલ વાઇરલ ઇન્ફેક્શન જેવી જ અસર દેખાડે છે. જ્યારે સામાન્ય ચિહ્‍ન હોય ત્યારે એ બીમારીમાંથી કોરોના ઇન્ફેક્ટેડ લોકોને છૂટા પાડવાનું કામ વધારે આકરું થઈ જાય. એકસરખી ખાંસી ખાતા ત્રણ લોકો આવે ત્યારે સ્વાભાવિક રીતે ડર એ વાતનો લાગે કે આ સામાન્ય ઍલર્જિક ખાંસી છે કે પછી કોરોનાગ્રસ્ત ખાંસી છે? ચિહ્‍ન સમાન હોવાને લીધે પણ કોરોનાના ડરને વધારે મોટો કરીને સમજાવવામાં આવી રહ્યો છે, જેથી લોકો ખાંસી-શરદી જેવી બીમારીને પણ સામાન્ય ગણીને ચાલે નહીં અને સામાન્ય ઇન્ફેક્શન ગણીને બેસી ન રહે.

columnists manoj joshi coronavirus