ફેવિકૉલ કી બેજોડ જોડ: કહો જોઈએ, તમે છેલ્લે ક્યારે કઈ વાત જતી કરી?

14 October, 2019 02:23 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ફેવિકૉલ કી બેજોડ જોડ: કહો જોઈએ, તમે છેલ્લે ક્યારે કઈ વાત જતી કરી?

કહો જોઈએ, તમે છેલ્લે ક્યારે કઈ વાત જતી કરી?

આપણા દેશમાં ફેવિકૉલની પકડને સૌથી મજબૂત માનવામાં આવે છે અને એવું હશે તો જ એવું માનવામાં આવતું હોય. મુદ્દો અત્યારે ફેવિકૉલનો નથી. મુદ્દો અત્યારે ફેવિકૉલ અને આપણો છે. માણસ અને ફેવિકૉલમાં એક સામ્ય દિવસે-દિવસે પ્રબળ બનતું જાય છે.
ફેવિકૉલ વસ્તુને પકડી રાખવાનું કામ કરે છે, જ્યારે વ્યક્તિ વાતને પકડી રાખવામાં ઉસ્તાદ થતો જાય છે. જીદ અને જક્કીપણું બહુ વધી જવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ અંહકાર છે, અહમ્ છે. જે સમય મનમાં અહંકાર ન હોય, અભિમાન ન હોય અને અહમ્ મનમાં ન હોય એ સમયે કોઈ વાતને પકડી રાખવાની જરૂર નથી પડતી. ચાણક્યએ કહેલી એક વાત અત્યારે યાદ આવે છે. ચાણક્ય કહેતા કે સત્ય હંમેશાં એક રૂપમાં હોય, એને ક્યારેય પરાણે પ્રસ્થાપિત ન કરવું પડે, એ પ્રસ્થાપિત જ હોય. માત્ર સમય આવ્યે એ પોતાનું રૂપ દર્શાવતું હોય. જો તમે કોઈ વાતમાં સાચા છો, જો તમે કોઈ વાતમાં ક્યાંય ભૂલ ન કરતા હો તો તમારે એ વાતની ચિંતા સહેજ પણ ન કરવી જોઈએ. ચિંતા પણ ન કરવી જોઈએ અને એની કોઈ પરેશાની પણ મનમાં રાખવી ન જોઈએ. પછી વાત ઘરની હોય, ઑફિસની હોય, સમાજની હોય કે સંસ્થાની હોય.
મને ફરીથી એક વાતમાં સ્પષ્ટતા કરવી છે કે વાત અહીં કોઈ અંગત વ્યક્તિ સાચી હોવાની નથી થઈ રહી, વાત થઈ રહી છે એ વાત કે મુદ્દો સાચો હોવા વિશે. જો કોઈ વાત સાચી હોય અને એ સાચી વાત તમને ખબર હોય તો એ સાચી વાતને તમારી જીદની કોઈ જરૂર જ નથી. તમે એ વાતને સહકાર આપવા માટે કંઈ નહીં કરો તો પણ એની સચ્ચાઈ તો અકબંધ જ રહેવાની છે અને જો એવું હોય તો પછી અરસપરસના નિયમો મુજબ એ પણ યાદ રાખવાનું કે જેમાં તમે જીદના રસ્તે ચડી જાઓ છો એ વાત સાચી હોય કે નહીં, પણ તમે એ વાતને સાચી પુરવાર કરવાની મથામણ કરો છો.
વાતને જતી કરવાનો કે જીદને છોડી દેવાનો આનંદ જુદો હોય છે. જે રીતે તમને સાચા પડવામાં મજા આવતી હોય છે, જીતની ખુશી થતી હોય છે એવું જ સામેની વ્યક્તિને પણ થતું હોય છે. જીતની ખુશી જો જોઈતી હોય તો એ આપવાની તૈયારી પણ રાખવી જોઈએ, જીતનો આનંદ જો લેવો હોય તો કોઈ જગ્યાએ સામે ચાલીને મેળવેલી હાર પણ અનુભવી લેવી જોઈએ. જરૂરી નથી કે દરેક વાત ઘરના દરેક સભ્યો માને, સ્વીકારે અને જો એ માની પણ લેતા હોય તો એવું ધારી લેવાની જરૂર નથી કે તમારી વાત સાચી છે એટલે બધાએ સ્વીકારી લીધી છે. હકીકત એ પણ હોઈ શકે કે એ તમને આદર આપે છે એટલે નાછૂટકે પણ તમારી વાતને માનવાની તૈયારી રાખે છે. એવું લાગે તો એક વખત કોઈની વાત માનીને જોઈ લેજો, વાઇફ કે દીકરાઓ ખુશ થશે એ જોઈને તમને સાચા પડવાની કે વાત મનાવીને મળનારી ખુશી કરતાં પણ વધારે આનંદ થશે. વાત મનાવવાનો આગ્રહ છોડી દેશો તો સમય જતાં સાચી પરિસ્થિતિ આંખ સામે આવશે અને એ સમયે તમારા ધાર્યા મુજબનું પરિણામ આવશે તો તમારી વિચારધારાનું પ્રસ્થાપન પણ વાજબી રીતે થશે એટલે બહેતર એ જ છે કે વાત મનાવવા માટે એને આકરી રીતે પકડી રાખવાની જરૂર નથી. ધારો કે એવું બનતું પણ હોય તમારી સાથે તો ચાણક્યના શબ્દો યાદ કરી લેવાના છે.
સત્ય હંમેશાં એક રૂપમાં હોય, એને ક્યારેય પરાણે પ્રસ્થાપિત ન કરવું પડે, એ પ્રસ્થાપિત જ હોય. માત્ર સમય આવ્યે એ પોતાનું રૂપ દર્શાવતું હોય.

manoj joshi columnists