દરેક વાતમાં એક્સપર્ટ ઓપિનિયન જરૂરી છે ખરું?

04 March, 2020 04:45 PM IST  |  Mumbai | Manoj Joshi

દરેક વાતમાં એક્સપર્ટ ઓપિનિયન જરૂરી છે ખરું?

પ્રતિકાત્મક તસવીર

દિલ્હીનાં રમખાણો પછી જે પ્રકારનાં રમખાણો આખા દેશમાં ચાલ્યાં છે એ એક વાત વિચારવા મજબૂર કરે છે કે શું દરેક વાતમાં એક્સપર્ટ ઓપિનિયનની અનિવાર્યતા છે ખરી? શું દરેક વાતમાં તમારે તમારો મત મૂકવો જરૂરી છે ખરો? ના, બહુ સીધો જવાબ છે અને સરળ પણ એટલો જ છે. જરૂરી નથી કે દેશમાં જેકંઈ ઘટતું હોય એને માટે જવાબ લેવામાં આવે, જવાબ માગવામાં આવે અને જવાબ આપવાનો પણ હોય. પોતાનો મત ક્યાં વ્યક્ત કરવો એની સમજણ કેળવવાનો સમય આવી ગયો છે. જરૂરી છે કે સોશ્યલ મીડિયાના યુગમાં તમારે એ વાતને સહજ રીતે સમજવી કે દરેક ઘટનાની ટીકાટિપ્પણ માટે તમે આવશ્યક નથી.
દિલ્હીમાં બનેલી ઘટના વિશે અઢળક લોકોએ પોતાની રીતે સોશ્યલ મીડિયા પર બફાટ કર્યો, અનેક લોકોએ પોતાની જાતે લવારી કરી અને અનેક લોકોએ તત્ત્વજ્ઞાનીની જેમ એ ઘટનાઓનું પોસ્ટમૉર્ટમ કર્યું. સૌથી મહત્ત્વની વાત જો કોઈ હોય તો એ છે કે આ પ્રકારની લવારીની આવશ્યકતા ક્યારેય હોતી નથી. અગાઉ કહ્યું છે અને આજે ફરી કહું છું કે વાણીસ્વાતંત્ર્ય બહુ મહત્ત્વનો મુદ્દો છે અને એની સમજણ તમારામાં હોવી જોઈશે. વાણીસ્વાતંત્ર્યને વાણીવિલાસ સાથે કોઈ સંબંધ નથી.

આ પ્રકારની ગમખ્વાર ઘટના પછી થયેલી લવારી પ્રશાસન પરથી વિશ્વાસ ડગમગાવાનું કામ કરી શકે છે, આવી ઘટના પછી નિરાંતે ઘરમાં બેસીને કરેલી લવારીનું પરિણામ ગેરવાજબી આવી શકે છે અને આવી ઘટના પર કરવામાં આવેલા વાણીવિલાસને કારણે દેશમાં અશાંતિનું વાતાવરણ ઊભું થઈ શકે છે. ઘટના હજી તો હવામાં છે, વેરની ભાવના હજી મનમાં ઘૂંટાઈ રહી છે અને જેણે સ્વજન ગુમાવ્યા છે તેમની આંખોમાં આંસુ હજી તો તગતગી રહ્યાં છે ત્યારે કરવામાં આવતી લવારી ખરેખર ગેરવાજબી પરિણામ લાવવાને સમર્થ પુરવાર થઈ શકે છે. ન કરો એવી કોઈ વાત જેનાથી બળતામાં ઘી હોમાય, ન કરો એવી કોઈ વાત જેને લીધે ઘા પર મીઠું-મરચું ભભરાવી દેવામાં આવે. ના, ક્યારેય નહીં.

કરવામાં આવતી કમેન્ટ હંમેશાં વાતાનુકૂલિત વાતાવરણમાંથી થતી હોય છે. પેટ ભરીને આરામથી પગ ફેલાવીને બેસીને કરવામાં આવતી કમેન્ટમાં ઘટનાની તીવ્રતા અને આવી પડેલી વિપદાની અસરકારકતાનો અંદાજ નથી હોતો. રમખાણ બહુ ખરાબ છે. એની કલ્પના એક વખત બંધ આંખ કરીને કરી લેજો. ઘરની નીચે મારો-કાપોની રાડો પડતી હોય અને તમે તમારા પરિવાર સાથે ઘરમાં હો ત્યારે પરસેવો છૂટી જાય સાહેબ. બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ હોય અને હોજરીની પાચનક્ષમતા ઝીરો પર આવી ગઈ હોય. આવા સમયે તમે ઘટનાસ્થળથી હજારો કિલોમીટર દૂર બેસીને લવારી કર્યા કરશો તો નહીં ચાલે. આવી લવારીથી કોઈ લાભ પણ થતો નથી હોતો કે આવી લવારીથી કોઈ જાતનો ફાયદો પણ નથી થતો હોતો.

જો કરવી જ હોય તો મદદની ભાવના મનમાં રાખો. સમય જ હોય તો બહાર નીકળીને રસ્તા પર પડેલો કચરો ઉપાડવાનું કાર્ય કરી લો અને જો નવરાશ હોય તો એકાદ કૉમેડી શો જોઈને મનને બીજી દિશામાં વાળો, પણ સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર રાજનૈતિક ચર્ચામાં પડીને દેશમાં વિચારોનું રમખાણ ન ફેલાવો. કોઈ ખેંચી જતું હોય તો પણ નહીં અને જાતે આગળ વધીને પણ નહીં.

manoj joshi columnists delhi violence