ઊલટી કરો સ્વાહાઃ સોશ્યલ મીડિયાનો અતિરેક અને ઓચ્છવ વિનાનું જીવન

26 September, 2019 02:31 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ઊલટી કરો સ્વાહાઃ સોશ્યલ મીડિયાનો અતિરેક અને ઓચ્છવ વિનાનું જીવન

સોશિયલ મીડિયા

કોઈનું પણ નામ લો તમે, ફેસબુક હોય તો એ પણ અને ટ્વિટ હોય તો એ પણ. વોટ્સ-ઍપ હોય તો એ પણ એમાં આવી જાય. આ બધા સોશ્યલ મીડિયા લોકો માટે હવે ઊલટી કરવાનું માધ્યમ બની ગયું છે. મનમાં જે કોઈ ગંદવાડ ચાલી રહ્યો હોય એ બધો આ પ્લૅટફૉર્મ પર કાઢવામાં આવે છે અને એ કાઢ્યા પછી બીજાના મન અને વિચારોની ઘોર ખોદવામાં આવે છે. પેલો જમ્મુ-કાશ્મીર યુનિવર્સ‌િટીનો કનૈયા હોય કે પછી પાટીદારોના નામે ચરી ખાનારો પેલો હાર્દિક હોય, ઠાકોર મત માટે મેદાનમાં ઊતરી આવેલ અલ્પેશ ઠાકોર હોય તો એ પણ અને દલિતોનાં હિત માટે મેદાનમાં ઊતરી ગયેલો જિજ્ઞેશ મેવાણી હોય. જે કોઈ આંદોલનકારી જાગ્યા છે એમાંથી મોટાભાગના આંદોલનકારી આ સોશ્યલ મીડિયાના પાપે જન્મ્યા છે. થોડા મહિનાઓ પહેલાં જાણીતા નેતા અને દેશના એક સમયના ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલીને મળવાનું થયું હતું ત્યારે તેમની પાસેથી એક રાહતના સમાચાર મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ફ્રી સૉશ્યલ મીડિયા પર સરચાર્જ મૂકવા વિશે સરકાર વિચારી રહી છે. મને આજે પણ એ દિવસ, એ ઘડી યાદ છે.

આ બાબત પર અમલ કરવાનું કામ અઘરું હતું એટલે એનો હજી સુધી અમલ થયો નથી અને કદાચ ન પણ થઈ શકે, પણ મને ખુશી એ વાતની થઈ હતી કે સાચે જ કોઈએ આ દિશામાં સર્જનાત્મકતા સાથે વિચાર્યુ ખરા. કોઈને પણ આ સોશ્યલ મીડિયાની દુનિયા ત્રાસદાયી લાગી રહી છે ખરી. સોશ્યલ મીડિયા પર હોવું એ જરા પણ ખરાબ નથી અને સોશ્યલ મીડિયા પર રહેવામાં કશું ખોટું પણ નથી. વિચારોના સમન્વય માટે અને ‌વૈવિધ્ય લાવવાની દૃષ્ટિએ પણ એ ખૂબ સારી વાત છે. સોશ્યલ મીડિયાને લીધે જ આજે અનેક મુશ્કેલીઓ હલ થઈ શકી છે અને એ સાચું જ છે પણ એ પણ ખોટું નથી કે સોશ્યલ મીડિયાને લીધે જ અનેક મુશ્કેલીઓ ઊભી પણ થઈ છે.

કબૂલ કે સોશ્યલ મીડિયા પર મારે રહેવું કે નહીં એ અંગત બાબત છે, પણ તમારી અંગત ઈચ્છાને લઈને તમે ત્રાસદાયી બનીને વર્તવાનું શરૂ કરી ચૂક્યા હો તો એ ગેરવાજબી વાત છે. ટ્વિટર પર હું અમુક લોકોને જોઉં છું કે જે એવા-એવા વિષય પર પોતાની કમેન્ટ આપવા આવે છે કે સાચે જ જો એને રાજનીતિ વિશે કે નરેન્દ્ર મોદીની બાબતમાં બે સવાલ પૂછવામાં આવે તો એની હાલત ખરાબ થઈ જાય. ઓપિનિયન આપવાની આ જે ઘેલછા છે એ ઘેલછા શું કામ માણસ કાબૂમાં ન રાખી શકે, શું કામ એ દોઢ ડાહ્યો થવાનું ટાળી ન શકે?

સોશ્યલ મીડિયાએ માણસમાં રહેલું દોઢડાહ્યાપણું બહાર લાવવાનું પ્લૅટફૉર્મ ઊભું કરી દીધું છે. આજે દરેક જગ્યાએ એવા લોકો બહાર આવી ગયા છે અને પોતાનું દોઢ-ડહાપણ કાઢી રહ્યા છે. આ દોઢ-ડહાપણ ત્રાસદાયી હોય છે. હમણાં અમેરિકામાં નરેન્દ્ર મોદીની હાઉડીની સ્પીચ પછી એવા-એવા લોકો આવીને ટ્્‍વિટર હેન્ડલ પર કમેન્ટ કરતાં હોય છે જેમણે પોતાનું નામ પણ સાચી રીતે લખ્યું ન હોય. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ ઊલટીઓ તમે કરી શકો, પણ એ ઊલટીઓ તમે બીજા પર ન કરો - પ્લીઝ.

manoj joshi columnists