સેન્સલેસ ડિજિટલ વર્લ્ડ:એક સમયે જેની બીક હતી એ જ સેન્સર બોર્ડ આજે લાચાર

20 September, 2019 02:58 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

સેન્સલેસ ડિજિટલ વર્લ્ડ:એક સમયે જેની બીક હતી એ જ સેન્સર બોર્ડ આજે લાચાર

પ્રતીકાત્મક તસવીર

સેન્સર બોર્ડ. ફડક હતી એક સમયે આ સેન્સર બોર્ડની. મને યાદ છે, ‘ખલનાયક’ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે સેન્સર બોર્ડે પેલા પૉપ્યુલર ગીત સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ‘ચોલી કે પીછે ક્યા હૈ...’નો અર્થ ખરાબ નથી એવું તમે કઈ રીતે કહી શકો? એ સમયે ન્યુઝપેપરોમાં આ પ્રશ્ન માટે ભારોભાર ચર્ચા થઈ હતી અને કાર્ટૂનો પણ બન્યાં હતાં, જેમાં સેન્સર બોર્ડની ઠેકડી ઉડાડવામાં આવી હતી, પણ આ સેન્સર બોર્ડ આજે લાચાર અને માયકાંગલું બની બેઠું છે. ટીવી-સિરિયલના એક સીનમાં એકતા કપૂરે થોડી છૂટછાટ લીધી અને સેન્સર બોર્ડ બાલાજી ટેલિફિલ્મ્સ પર ચડી બેઠું હતું. રાતોરાત એ એપિસોડનું રીટેલિકાસ્ટ અટકાવી દીધું અને સેન્સર બોર્ડને જવાબ આપવા માટે એકતા કપૂરે એની ઑફિસે જવું પડ્યું હતું, પણ આ જ સેન્સર બોર્ડ આજે શરમજનક અવસ્થામાં છે, કારણ એ કે ડિજિટલ પ્લૅટફૉર્મ સાથે એને કાંઈ લેવાદેવા નથી. અને હું કહીશ કે આ જ વાત હવે નડતરરૂપ બનવાની છે.

આપણે ગઈ કાલે વાત કરી કે વેબ-સ‌િરીઝમાં ભાષા પર કાબૂ નથી અને એ કાબૂ વિનાના સંવાદોને કારણે સમાજ એક ખોટી અને વાહિયાત દિશા તરફ આગળ વધી જશે. આ માત્ર બીક નથી, એક અંદેશો પણ છે કે આવું બનશે જ બનશે. કોલમ્બિયામાં તમારે ડ્રગ્સ શોધવા જવું નથી પડતું, ત્યાં તમને દરેક ત્રીજો માણસ આવીને ડ્રગ્સનું પૂછી જ જાય. મેક્સિકોમાં તમારે વેપન શોધવા નથી જવું પડતું. મેક્સિકોમાં હથિયાર વેચવાનો ગૃહઉદ્યોગ બની ગયો છે. તમે ગલીમાંથી પસાર થતા હો ત્યાં એક જણ આવીને તમારી સામે બે વેપન ધરી દે, જે જોઈતું હોય એ લઈ લો. એવી રીતે, જેવી રીતે આપણે ત્યાં રીંગણાં-બટાટા વેચાય છે. ચણા-મમરાના ભાવે તમને હથિયાર મળી જાય એવું પણ બને. થાઇલૅન્ડને જોઈ લો. ત્યાં તમને સેક્સ-વર્કર શોધવામાં તકલીફ જ નથી પડવાની, કારણ કે મોટા ભાગના લોકો એ કામ સાથે જોડાયેલા છે. કહેવાનો ભાવાર્થ એ કે તમે જે દુનિયામાં રહો છો એ દુનિયા ધીમે-ધીમે તમને સમાવી લે. આજે આપણાં સંસ્કારી ઘરોમાં ગંદી ગાળો કે અસભ્ય વાતો નથી થતી. શું કામ નથી થતી, શું કોઈને આવડતી નથી? ના, આવડતી હશે પણ એ બોલાય નહીં એવી સભ્યતા પરિવારમાં છે. હવે એ જ પરિવારના ઘરમાં વેબ-સિરીઝ ચાલતી હશે તો એમાં દર બીજા સંવાદે ઝળકતા અપશબ્દો ચોક્કસપણે મન પર અસર કરવાના છે, જે અસર વચ્ચે ધીમે-ધીમે એ બોલવાની આદત પડશે અને એ બોલવાની આદત પડ્યા પછી આમન્યા અને સભ્યતાનું આવરણ હટતું જશે.

આ પણ વાંચો : તમે પણ કાળ પર વિજય મેળવી લીધો છે, ખરુંને?

શું કામ તમારે આ દેશની સભ્યતા અને એની અસ્મિતાને નુકસાન પહોંચાડવું છે. ગાળો ન હોય તો શું ફરક પડી શકે છે? ચાલો કબૂલ કે અનિવાર્ય સંજોગોમાં સેક્સ-સીન્સ લેવા જ પડે. કબૂલ કે રેપકેસ પર આધારિત વેબ-સિ‌રીઝ છે એટલે એવું દેખાડવું જરૂરી છે, પણ હું કહીશ કે અગાઉ પણ એવી ફિલ્મો બની જ છે અને એ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સુપરહિટ રહી છે.

columnists manoj joshi