ડિજિટલ વર્લ્ડ : કોઈ કહેશે ખરું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ?

19 September, 2019 02:36 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ડિજિટલ વર્લ્ડ : કોઈ કહેશે ખરું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ?

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં ડિજિટલ વર્લ્ડની ભરમાર વધી રહી છે અને એ એવી રીતે વધી રહી છે જાણે રાજાની કુંવરી હોય. દિવસે નહીં એટલી રાતે વધે અને રાતે નહીં એટલી દિવસે વધે, પણ એ વધી રહેલી રાજાની કુંવરી જો ખોટી દિશામાં હોય તો? જો તે ખોટી સંગતમાં અટવાઈ હોય તો? ધારો કે તે કુસંગતમાં આવીને ગેરમાર્ગે દોડવા માંડી હોય તો?

તો રાજાએ જાગવું પડે અને અહીં રાજા પ્રોડ્યુસર પોતે છે. શું બનાવવું, કેવું બનાવવું અને એને કઈ ભાષામાં મૂકવું એ સમજણ અત્યારે કોરાણે મુકાઈ રહી છે એવું કહીશ તો જરાય ખોટું નથી. સામાન્યમાં સામાન્ય લવ-સ્ટોરીને પણ એવી રીતે રજૂ કરવામાં આવે છે કે એ જોતી વખતે તમને આછોસરખો ખચકાટ આવી જાય, પરિવાર સાથે બેસીને જોવામાં સંકોચ આવી જાય અને એવા શબ્દો કે પછી એવી વાતો આવી જાય કે તમારે એવી રીતે વર્તવું પડે જાણે તમે એ શબ્દો સાંભળ્યા જ નથી. આ વાત થઈ સામાન્યમાં સામાન્ય અને સરળ લવ-સ્ટોરીની. જો એ સબ્જેક્ટની આ વાત હોય તો એવા સબ્જેક્ટ વિશે વિચારો જે અન્ડરવર્લ્ડ, જાસૂસી એજન્સીના કે પછી ઍક્શન-પૅક્ડ બની રહ્યા છે.

હા, એક પણ વેબ-સિરીઝ એવી નથી જેને તમે પરિવાર સાથે જોઈ શકો. આપણે અત્યારે વાત બાળકોની વેબ-સિરીઝની નથી કરી રહ્યા, સર્વાંગી મનોરંજનની કરીએ છીએ. ગાળો હવે સામાન્ય બનતી જાય છે અને એ એવી રીતે આવે છે જાણે સહજ અને વાર્તાલાપનો એક ભાગ હોય. કહેશો કોઈ મને કે કયા ઘરમાં અત્યારે આવું ચાલી રહ્યું છે. કોના ઘરમાં આ પ્રકારની ભાષાનો પ્રયોગ થાય છે. ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં. ગુજરાતી જ શું કામ, મરાઠી પરિવારોમાં પણ આ માહોલ નથી અને બંગાળી કે પંજાબી પરિવારોને પણ મેં નજીકથી જોયા છે, તેમના ઘરમાં પણ એવો માહોલ નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે વેબ-સિરીઝ પર અંકુશ મૂકવો પડે એવું સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. જો તમે એ અંકુશ નહીં મૂકો તો તમારે તમારો સભ્ય સમાજ ગુમાવવો પડશે. કહેવાનો ભાવાર્થ એ નથી કે ઘરમાં બધા ગાળો ભાંડવા માંડશે, પણ ગાળનો ભાવાર્થ શું છે એ તો બધા સમજતા થઈ જશે અને જીવનમાં અનેક વાતો એવી હોય છે જે કહેવાની, સમજવાની કે વ્યક્ત કરવાની જરૂર નથી હોતી.

આ પણ વાંચો : IIPM ચૅપ્ટર : અરિન્દમ ચૌધરીએ કરેલું કૃત્ય કેવી રીતે 35000 સ્ટુડન્ટ્સે ભોગવવું પડે?

અનેક વાતો એવી હોય છે કે એ સભ્યતા સાથે જ રજૂ કરેલી રહેવા દેવામાં આવે એમાં જ શાણપણ છે. જરૂરી નથી કે ગાળ બોલવામાં આવે. ના, જરા પણ જરૂરી નથી કે ગુસ્સો કરવા માટે બૅડ વર્ડ્ઝનો ઉપયોગ કરવામાં આવે. આજે કયા સભ્ય પરિવારના ઘરમાં ગાળનો ઉપયોગ થાય છે, કયા ઘરમાં બાપે ગુસ્સો વ્યક્ત કરવા માટે ગંદી ગાળ બોલવી પડે છે. ગાળ નહીં, એ જગ્યાએ માત્ર આંખ જ કાફી છે. દીકરાની ચડ્ડી ભીની થઈ જાય છે જ્યારે બાપની આંખ ફરે છે. આ સભ્યતા છે અને આપણે સભ્ય જ રહેવાનું છે.

manoj joshi columnists