પ્રેમ હોય ત્યાં તોપ નહીં, તપેલી ઉપાડવામાં આવે એ અનિવાર્ય છે

04 November, 2019 03:53 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

પ્રેમ હોય ત્યાં તોપ નહીં, તપેલી ઉપાડવામાં આવે એ અનિવાર્ય છે

આમ તો આ વાત અને આ વિષય પર કોઈને સમજાવટ આપવામાં આવે તો એ વાત જ શરમજનક અને ક્ષોભજનક છે અને એમ છતાં આપણે એવું ધારી લઈએ છીએ કે આજના ફાસ્ટ યુગમાં માણસ એ ઝડપે દોડી રહ્યો છે કે તેની પાસે હવે પોતાને માટે વિચારવાનો પણ સમય નથી રહ્યો તો ખરેખર આ વાતની સમજણ સૌકોઈમાં આવે એ જરૂરી બની ગયું છે. માની લઈએ કે આજના આ સમયમાં હરીફાઈમાં ટકવું ખૂબ અઘરું છે, સ્પર્ધાત્મક વાતાવરણ વચ્ચે એકધારું ભાગવાનું કામ અતિશય કઠિન બની રહ્યું છે એટલે દિમાગ સ્વાભાવિક રીતે બરાબર કામ ન કરતું હોય એટલે માબાપ સાથે કેવી રીતે રહેવું એના પર કોઈ જાતની દરકાર કરી ન હોય અને એ વર્તન પણ તેમને યાદ ન રહ્યું હોય. બની શકે, શક્ય છે અને માણસ જ્યારે સુધરવા માટે તૈયાર થતો હોય ત્યારે તેનો વાંક કાઢીને વર્તવા કરતાં તો બહેતર છે કે નવી શરૂઆતને શુભાશય સાથે જ જોવી જોઈએ.

જો તમે માબાપની સાથેના તમારા સંબંધોનું ઋણ અદા કરવા માગતા હો અને તમે, તમારી જાતને એકલા પડી ગયા છે એવી અનુભૂતિ આપવા ન માગતા હો તો તમારે બહુ નાની અને આછીસરખી વાતો પર ધ્યાન આપવાનું છે. આ કામ હું કરું છું અને મેં એની અસર પણ જોઈ છે. જીવનમાં ક્યારેય તમે મહત્ત્વના છો, તમે જે કરો છો એ બહુ મહત્ત્વનું છે અને તમારી એ મહત્ત્વતાને લીધે હવે તમને આજુબાજુનું બધું જ અને બધા જ નાના દેખાવા માંડ્યા છે એવો દેખાવ ન કરો. કોઈ દિવસ નહીં. આ અનાયાસ બની જતી ઘટના છે અને એવું કરવાનો કોઈ હેતુ પણ નથી હોતો. રોજબરોજની લમણાઝીંક અને રોજબરોજની ભાગદોડ વચ્ચે આ કામ થઈ જાય એવું બની શકે, પણ એ બનવું ન જોઈએ એ હકીકત છે. જો આવું તમારાથી થયું હોય, થતું હોય તો એને અત્યારે જ અટકાવો. અગાઉ અનેક વખત કહ્યું છે એ જ વાતનું અહીં પુનરાર્વતન કરવા માગું છું.

જે બન્ને તમારી સામે છે, તમારી પાસે છે એ બન્ને મહાનુભાવો ન હોત તો તમારું કોઈ અસ્તિત્વ જ ન હોત. આ નગ્ન વાસ્તવિકતા છે, આ સત્ય છે. આ વાસ્તવિકતા અને સચ્ચાઈ ભૂલવાની નથી. ઉંમરલાયક થઈ ગયેલી વ્યક્તિને બહુ જ નાની-નાની વાતમાં માઠું લાગી જતું હોય છે. તેમને માટે લાવવાની ચીજવસ્તુ જો ભુલાઈ જાય તો પણ તરત તેમનાં સેન્ટિમેન્ટસ હર્ટ થઈ જાય. રીતસર પેલું નાનું બાળક હોય અને તેનાં સેન્ટિમેન્ટ્સ હર્ટ થઈ જાય એ રીતે.

એ વાત જુદી છે કે મોટા ભાગની મા આ વાતને હસતા મોઢે ભૂલી જવાની કોશિશ કરે, પણ એમ છતાં આ હકીકત તો છે જ કે તેને મનમાં તો એ વાતનો રંજ રહી જાય છે કે હવે તેની વાત યાદ રાખવામાં નથી આવતી. સલાહ નંબર બે, માબાપે જો કંઈ મગાવ્યું હોય તો એ ચીજવસ્તુ ભૂલ્યા વિના લઈ આવજો. ભૂલ્યા વિના એટલે કે સાવ ભૂલ્યા વિના. બને તો પહેલાં જ એ ચીજવસ્તુ સાથે લઈ લો એટલે ભૂલી જવાય એવું બને જ નહીં. સાહેબ, યાદ રાખજો. કોઈ માટે પ્રેમ હોય એ દેખાડવા માટે તોપ ઉપાડવાની નથી હોતી. પ્રેમ હોય ત્યાં નાનામાં નાની જરૂરિયાત જ ધ્યાનમાં રાખવામાં આવે એ જ જરૂરી હોય છે.

columnists manoj joshi