કૅન્સરગ્રસ્ત કાશ્મીર:બાળકને ઇન્જેક્શન આપવાની ના પાડે એવી મા મંજૂર છે?

05 February, 2020 03:58 PM IST  |  Mumbai | Manoj Joshi

કૅન્સરગ્રસ્ત કાશ્મીર:બાળકને ઇન્જેક્શન આપવાની ના પાડે એવી મા મંજૂર છે?

કૅન્સર

કાશ્મીર સતત મુશ્કેલીમાં રહ્યું છે અને આશા-હતાશા વચ્ચે ઝોલાં ખાય છે. આ નિરાશા તથા દુઃખના સ્થાને શાંતિનું એક ખોટું અને અસહજ લક્ષણ છે. અમે કાશ્મીરીઓ એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં કોઈની પણ સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવવો ઘણો સરળ છે. અમારે આવી દુનિયામાં કેમ રહેવું પડે, જ્યાં અમારા જીવન તથા ઇચ્છાઓને નિયંત્રિત કરવામાં આવતું હોય. અમારા જીવનને લઈને તાનાશાહી થઈ રહી છે. અમારા અવાજને ચૂપ કરાવવો આટલો સરળ કેમ છે?

ઝાયરા વસીમનું નામ યાદ છે તમને? ‘દંગલ’, ‘સીક્રેટ સુપરસ્ટાર’ અને ‘ધી સ્કાય ઇઝ પિન્ક’ જેવી સરસ ફિલ્મોમાં ઍક્ટિંગ કરીને પાછી કાશ્મીર ગયેલી આ ટીનેજ ઍક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ પરની આપવીતી છે, પણ આ આપવીતીમાં ક્યાંય કોઈ સચ્ચાઈ નથી. એ ખોટું બોલે છે એવું કહેવાનો ભાવાર્થ નથી, પણ ભાવાર્થ એ છે કે તમે જ્યારે સંક્રાન્તિકાળમાંથી પસાર થઈ રહ્યા હો ત્યારે અમુક પ્રકારનાં બંધનો કે પછી અમુક પ્રકારના નીતિનિયમો તમારે પાળવાનાં આવી શકે અને એ આવે એમાં કશું ખોટું પણ નથી. કાશ્મીર જે હદે આ દેશમાં આતંકવાદનું કૅન્સર ફેલાવી રહ્યું હતું એ જોયા પછી જ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. કૅન્સરની સારવારને તમે યાદ કરી જુઓ. એની સારવાર દરમ્યાન અમુક વખત એવી પણ પીડા સહન કરવી પડે કે પેશન્ટને જોઈને તેની આસપાસ રહેલા લોકો ત્રાસી જાય, ધ્રૂજી જાય. જો જોનારાની આ હાલત થાય તો પછી પેશન્ટની મનોદશાની તો વાત જ શું કરવી? કાશ્મીરને કૅન્સર થયું છે અને એ વાત એકેક કાશ્મીરીએ સમજવી પડશે. આ આખી ચર્ચા સમજવા યોગ્ય છે. કાશ્મીરી સાથે એક પણ ભારતીયને કોઈ જાતની તકલીફ નથી અને હોઈ પણ ન શકે, પરતુ એનો અર્થ એવો નથી કે કૅન્સરગ્રસ્ત કાશ્મીરની સારવાર ન કરવી. એ કરવી જ પડે અને એ કરવા માટેના કેટલાક રસ્તા છે. ન ગમે તો પણ એ રસ્તે ચાલવું પડે, એ રસ્તા અપનાવવા પડે અને અપનાવેલા એ રસ્તે આક્રમકતા પણ સહન કરવી પડે. ભારતમાં આતંકવાદ હંમેશાં કાશ્મીરના મુદ્દે થયા છે અને કાશ્મીર સાથે જોડાયેલાઓનો જ એમાં ફાળો બહાર આવ્યો છે.

જો ભારતે આતંકવાદથી મુક્ત થવું હોય તો આકરા થઈને જ કામ લેવું પડશે. બાળક ગમે એટલું રૂપાળું હોય, ગમે એવું વહાલુ લાગતું હોય, પણ બીમાર પડે ત્યારે તેને ઇન્જેક્શન આપવું જ પડે. વિચારો જરા કે એવા સમયે ડૉક્ટર લાગણીમાં આવી જાય અને પ્રેમને આગળ ધરીને ઇન્જેક્શન આપવાની ના પાડી દે તો કેવી રીતે ચાલી શકે? કેવી રીતે એ શક્ય બને કે મા બીમાર બાળકને પ્રેમના ઓઠા હેઠળ દવા આપવાની ના પાડી દે? શક્ય છે ખરું કે બાળક માટેના પ્રેમને કારણે તેના પિતા તેની જીવલેણ બીમારીની સર્જરી ન કરાવે? ના, કરાવે, કરાવે અને કરાવે જ અને કરાવવી એ તેની ફરજ જ છે.

આ સર્જરી તમારી આંખમાં આંસુ લાવી શકે, પણ એ આંસુ પછી પણ ઇરાદો તો સૌકોઈને ખબર છે કે એમાં બાળકનું હિત છુપાયેલું છે. સર્જરી પછી બાળક એવું કહેવા માંડે કે બોલો, મારી સાથે આવું કર્યું આ બધાએ. આવું કરાય મારી સાથે? તો તમારે તેને સમજાવવું પડે, કહેવું પડે કે આ તારા જ હિતમાં, તારા જ લાભમાં પગલાં લેવામાં આવ્યાં છે.

manoj joshi columnists