મોદી, અમેરિકા અને ટ્રમ્પ, ઇમરાન : હજી કાંઈ કહેવાનું બાકી રહે છે કે...

24 September, 2019 01:39 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

મોદી, અમેરિકા અને ટ્રમ્પ, ઇમરાન : હજી કાંઈ કહેવાનું બાકી રહે છે કે...

મોદી અને ટ્રમ્પ

નરેન્દ્ર મોદીની ૭ દિવસની યાત્રા અને પહેલી જાહેર સભા પછી હજી પણ કોઈએ કંઈ કહેવું છે કે પછી હવે તમે માનો છો કે એ નેતાએ ભારતને એક અલગ જ સ્તર પર મૂકી દીધું છે? કબૂલ કરો છો હવે તમે કે ભારતને નરેન્દ્ર મોદી જેવા નેતાની આવશ્યકતા હતી કે પછી હજી પણ મોદી પ્રત્યેનો પ્રેજ્યુડાઇસ તમારા મનમાં અકબંધ છે. રવિવારે રાતે અમેરિકામાં જેકાંઈ બન્યું એ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌકોઈએ જોયું છે અને સૌકોઈએ અનુભવ્યું પણ છે કે અમેરિકાને ભારત સાથે સંબંધ રાખવામાં એક નહીં, અનેક કારણસર ઇન્ટરેસ્ટ છે. આ અગાઉ ક્યારેય આવી દોસ્તીની અનુભૂતિ અમેરિકાએ ભારતને નથી કરાવી, પણ હાઉડીમાં જેકંઈ બન્યું છે એ જગજાહેર છે.

ઇમરાન ખાન પણ આ જ સમયગાળા દરમ્યાન અમેરિકાની સફરે છે અને પહેલી વખત અમેરિકાએ એનું રાષ્ટ્રીય સ્વાગત નહીં કરીને તેની જગ્યા પણ દેખાડી દીધી છે. જરૂરી હતું. કેટલીક વખત કોઈકનું નાક કાપીને પણ તેની ઔકાત યાદ દેવડાવવાની હોય અને આ વખતે એક ફુટના રેડ કાર્પેટ સાથે એ થયું જ છે. અમેરિકાએ પાકિસ્તાનને એની ઔકાત દેખાડી એનો આનંદ ભારતે લેવો જ જોઈએ. આવા સમયે ભારતે સહિષ્ણુની વ્યાખ્યા સમજવા કે એના મણકા ગણવા જવાની જરૂર નથી.

રાષ્ટ્રવાદની ભાવનાને ધ્યાનથી સમજશો તો એમાં કહેવાયું જ છે કે રાષ્ટ્રને નડતા, રાષ્ટ્રને હાનિકારક બનતા કે પછી રાષ્ટ્ર માટે મુશ્કેલીઓ ઊભી કરવાનું કામ કરનારા સૌકોઈ દુશ્મન છે. એ વ્યક્તિ હોય, સમૂહ હોય, સમુદાય હોય કે પછી આખો દેશ શું કામ ન હોય? પાકિસ્તાન માટે સારા શબ્દો બોલવાનું મને પસંદ નથી અને એવું જ તમારી સાથે પણ હોવું જોઈએ. પાકિસ્તાન મારા દેશનું મિત્ર નથી એટલે એને માટે મારી કોઈ સહાનુભૂતિ પણ નથી. પાકિસ્તાનની નીતિ સાથે હું સહમત હતો નહીં, છું નહીં અને જો પાકિસ્તાને પોતાનામાં ક્યાંય સુધારો નથી કર્યો તો ભવિષ્યમાં પણ હું પાકિસ્તાન સાથે આ જ નફરતથી રહીશ. મારી સહિષ્ણુતા તેમને માટે છે જે આ દેશને, આ રાષ્ટ્રને પોતાનું માને છે. કબૂલ કે આ દેશ માત્ર હિન્દુઓનો નથી, એના પર એટલો જ હક મુસ્લ‌િમ, પારસી, ક્રિશ્ચિયનોનો પણ છે જેટલો હિન્દુઓનો અધિકાર છે, પણ જો તેમને આ દેશ માટે લાગણી ન હોય તો મારી કોઈ લાગણી તેમની સાથે રહેતી નથી અને એમાં કોઈ જાતનો રાગદ્વેષ પણ જોડાયેલો નથી.

અમેરિકામાં જે સમયે ટ્રમ્પે આતંકવાદને હટાવવાની વાત કરી એ સમયે વાગેલી તાળીઓનો ગડગડાટ જગતઆખાએ સાંભળ્યો છે. ટ્રમ્પ અને મોદીની જુગલબંધીની સીધી અસર અત્યારે નથી દેખાવાની, એની અસર આગામી મહિનાઓમાં દેખાશે. યાદ રાખજો કે દુનિયાનો દસ્તુર છે કે શક્તિશાળી હંમેશાં એની સાથે જ રહે જે શક્તિશાળી બનવાની કાબેલિયત ધરાવતો હોય. અમેરિકા પ્રથમ નંબર પર છે, પણ એને ખબર છે, અણસાર આવી ગયો છે કે ભારત હવે આગળ વધી રહ્યું છે અને આગળ વધતા ભારત સાથે સૌકોઈ રહેવા તૈયાર છે. એક તબક્કો હતો કે આપણે રશિયા સાથે ઘરોબો હતો, પણ રશિયાએ જગતજમાદાર બનવાની ક્ષમતા ગુમાવી દીધી એ પછી પણ આપણે રશિયાના પડખે ઊભા રહ્યા અને એ જ કારણે પાકિસ્તાને અમેરિકાનું પડખું પકડી લીધું, પણ હવે પાકિસ્તાન નધણિયાતું બની ગયું છે, જે રવિવારે એક ફુટની જાજમ પર પગ મૂકતી વખતે ઇમરાન ખાનને પણ સમજાઈ ગયું હશે.

manoj joshi columnists