વાત વાણીસ્વાતંત્ર્યની: કહો જોઈએ, તમે બોલો છો કે બકવાસ કરો છો?

10 September, 2019 02:44 PM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

વાત વાણીસ્વાતંત્ર્યની: કહો જોઈએ, તમે બોલો છો કે બકવાસ કરો છો?

વાત બહુ સાચી છે આ. તમારે તમારી જાતને જ એક વખત પૂછવું જોઈએ કે તમે બોલો છો કે પછી બકવાસ કરો છો? આ વાત માત્ર પ્રશ્ન નથી, પણ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે આપણે ત્યાં મોટા ભાગનાઓને માત્ર શબ્દોનું વિનિમય કરતા જ આવડે છે, એ શબ્દોનો અર્થ અને ભાવાર્થ સમજતાં અને એ ભાવાર્થ સાથે એને અપનાવતાં કોઈને આવડતું નથી. વાણીસ્વાતંત્ર્યની વાતો આપણે કરીએ છીએ, પણ એ સ્વાતંત્ર્ય કોને મળવું જોઈએ અને શું કામ એને જ મળવું જોઈએ એ વિશે પણ આપણે જાણવાની તસ્દી ક્યારેય લેતા નથી.

થોડા સમયથી વાણીસ્વાતંત્ર્યના નામે એવો-એવો તાયફો ટીવી-ચૅનલ પર જોવા મળે છે કે આ દેશની લોકશાહી માટે ખરેખર શરમ આવી જાય અને કહેવાનું મન થઈ આવે કે આ દેશની લોકશાહી પાછી ખેંચીને ખરેખર ૧૦-૧૫ વર્ષ માટે સરમુખત્યારશાહી લગાડી દેવી જોઈએ. બોલવાનો હક છે એનો અર્થ એવો નથી કે તમે બોલવાના નામે બફાટ કરો. બોલવાની છૂટ છે એનો અર્થ એવો નથી કે તમે સ્ટેજનો અને પ્લૅટફૉર્મનો બેફામ દુરુપયોગ કરો અને બોલવાની છૂટ છે એનો અર્થ એવો નથી કે તમે ગોકીરો કરો. અત્યારે જે વાતાવરણ ઊભું થયું છે, ખાસ કરીને દેશમાં જે પ્રકારની પરિસ્થિતિ છે એ ખરેખર શરમજનક છે.

પાકિસ્તાનના મુદ્દે પણ બેફામ બકવાસ ચાલ્યા કરે અને કાશ્મીરની બાબતમાં પણ બકવાસ ચાલુ જ રહે છે. ઇસરોના ચંદ્રયાનના નિષ્ફળ પ્રયાસ પછી વૈજ્ઞાનિકોના પડખે ઊભા રહેવાને બદલે ખરાબ શબ્દોમાં ટિપ્પણી કરનારા ટ્વિટરબહાદુરો પણ દેશમાં વધ્યા છે અને વડા પ્રધાનની વિદેશ યાત્રા વિશે બકવાસ કરનારા ધોળી ચામડીવાળાઓનો પણ દેશમાં તોટો નથી. આવા બહાદુરોને જોઈને ખરેખર એક જ વિચાર આવે કે આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. લોકશાહીની વાતો કરે છે, પણ લોકશાહીનાં મૂલ્યોનું કોઈ અસ્ત‌િત્વ આ લોકોએ રહેવા નથી દીધું. ન્યુઝ-ચૅનલોને આવા લોકોથી જલસો પડી જાય છે, પણ હું માનીશ કે આ ન્યુઝ-ચૅનલને પણ એક ચોક્કસ લક્ષ્મણરેખા આપવાનું કામ કરવું જોઈએ.

ન્યુઝ-ચૅનલ એક ગંભીર પ્રોફેશન છે. એ મનોરંજન માટે નથી કે દેકારા માટે નથી. શાકમાર્કેટ જેવું દૃશ્ય ખડું કરવા માટે નથી. ગલીમાં ચાલતા ઝઘડાની જેમ ટીવી-ચૅનલના સ્ટુડિયોમાં દેકારા ચાલતા રહે છે અને એ દેકારાઓ બેઠકખંડ સુધી પહોંચી ગયા છે. મને લાગે છે કે વાણીસ્વાતંત્ર્યની વ્યાખ્યા ફરી એક વખત સમજવાનો સમય આવી ગયો છે. લાગતા-વળગતાઓ સ્વતંત્ર શબ્દનો ભાવાર્થ ભૂલી ગયા છે.

આ પણ વાંચો: હાલ કૈસા હૈ જનાબ કાઃ ચિદમ્બરમ માટે કસ્ટડીના આ દિવસો ક્યારેય વીસરાવાના નથી

સ્વતંત્રનો અર્થ એક વખત ખરેખર સમજવો જોઈએ. સ્વ પર તંત્ર રાખી શકો એનું નામ સ્વતંત્ર. સ્વ પર તંત્ર રહ્યું નથી એટલે ફાટીને સૌકોઈ ધુમાડે ગયા છે. ધુમાડે ચડેલા આ સૌ પર બૅન મૂકવાનો કોઈ રસ્તો વિચારવો પડશે અને એ વિચારવો જ રહ્યો. કારણ કે સરમુખત્યારશાહી થકી જ શિષ્ટતા આવે એવી ભાષા જ દેશ સમજે એવું અત્યારે લાગી રહ્યું છે.બહુ દૂર સુધી ન જઈને આપણા સુધી સીમિત રહીએ તો એક જ સલાહ, જે ઔકાત તમારી હોય એને ભૂલવી નહીં અને જે ઔકાતની બહારની ચર્ચા હોય એમાં કશું વધારે બોલવું નહીં.

manoj joshi columnists Gujarati food