ગૌ પરિવાર યોજના : ગાય આધારિત અર્થતંત્ર દેશને બીજી શ્વેતક્રાન્તિ અપાવશે

20 October, 2019 02:01 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ગૌ પરિવાર યોજના : ગાય આધારિત અર્થતંત્ર દેશને બીજી શ્વેતક્રાન્તિ અપાવશે

ગાય

ગૌ પરિવાર યોજના વિશે વાત કરતાં પહેલાં, ગાયનું મૂલ્ય શાસ્ત્રોમાં જે સ્તરે દેખાડ્યું છે એના વિશે જરા જાણવું જોઈએ અને સાથોસાથ આયુર્વેદમાં દર્શાવવામાં આવેલા ગાયના દૂધના મૂલ્ય વિશે પણ જાણવું જોઈએ.

એક ગાય જો એક પરિવારને પગભર કરવાની ક્ષમતા ધરાવતી હોય તો એ કોઈ મોટી વાત નથી અને એનાથી રૂડું બીજું કંઈ હોઈ પણ ન શકે. ગાય-રક્ષા માટે અત્યારે જાતજાતનાં અભિયાનો ચાલે છે. ગૌરક્ષા માટે પણ અનેક સંગઠનો બન્યાં છે અને એ સંગઠનમાંથી અમુક તો પોતાના ગેરલાભ કાઢવા માટેનાં કામ કરે છે એ પણ સૌકોઈ જાણે છે. ખુદ સુપ્રીમ કોર્ટ પણ આ બાબતમાં ટકોર કરી ચૂકી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અનેક વખત પોતાના પ્રવચનમાં આ બાબતે કહી ચૂક્યા છે. અભિયાન માટે મારે કહેવું છે કે જીવનમાં કોઈ અભિયાન ક્યારેય સફળ નથી થતું, જ્યાં સુધી એને સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચાડી દેવામાં ન આવે. પછી એ ભાષા માટેનું અભિયાન હોય કે ગૌમાતા માટેનું હોય.

ગૌ પરિવાર યોજનામાં સારી નસલની ગાયો તૈયાર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવે તો જ સારી નસલ માટે કોઈ જાતની કુશંકા મનમાં નહીં રહે. તૈયાર થયેલી આ ગાય કોઈ યોગ્ય સંસ્થા કે વ્યક્તિ દ્વારા નાનામાં નાની વ્યક્તિ સુધી અને ગામડા સુધી કેવી રીતે પહોંચે એની વ્યવસ્થા કરવાની છે અને એ વ્યવસ્થા પછી એ ગાયની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે એના પર નજર રાખવાની છે. આ તમામ ખૂબ જ સરળતાથી અને સહજતા સાથે થઈ શકે એવું છે. આ કામ અગાઉ ક્યારેય ન થયાં હોય એવું નથી. ડેન્માર્કમાં આવેલી શ્વેતક્રાન્તિ અને અમૂલના વર્ગીઝ કુરિયન દ્વારા લાવવામાં આવેલી શ્વેતક્રાન્તિને જો કોઈએ વાંચી હોય તો એ સમજી જશે કે ગૌ પરિવાર યોજના એ હકીકતમાં એ બન્ને ક્રાન્તિઓની વચ્ચેથી જન્મેલી યોજના છે. ગાયનું જતન થાય, ગાય ભારરૂપ ન બને અને ગાયનું કોઈ જાતનું ભારણ ન લાગે એ જો જોવામાં આવે તો એ ગાયને સાચવવામાં કોઈને વાંધો નથી. ખાસ કરીને ગામડામાં તો આ કામ કરવા આજે પણ સૌકોઈ રાજી છે, પણ વાત એક જ જગ્યાએ આવીને ઊભી રહી જાય છે. નબળી નસલની જર્સી ગાય અને પછી એની પાસેથી વધારે દૂધ લેવાની માનસિકતા. આ બન્ને કુવિચારોને પગલે ગીર ગાય જેવી સારી ઓલાદની ગાયોનું જતન નથી થતું અને એવો સારો વંશ ઘસાતો જાય છે.

આ પણ વાંચો : ગાય આધારિત અર્થતંત્ર : એક ગાય કેવી રીતે એક નાના પરિવારને સાચવવાનું કામ કરી શકે?

ગઈ કાલે કહ્યું એમ, ગૌ પરિવાર યોજના ઉત્તર પ્રદેશમાં યોગીજીને કહ્યા પછી તેમણે આ દિશામાં સર્વે શરૂ કરાવ્યો છે અને તેઓ આવતા સમયમાં આ યોજનાને અમલી બનાવવાની દિશામાં કામ પણ કરવા માગે છે, પણ જો અન્ય કોઈ આ કામ કરવા માગતું હોય કે પછી અંગત રીતે આ કામ કરવા ઇચ્છતું હોય તો તે કરી શકે છે અને કરવામાં કશું ખોટું પણ નથી. શ્રેષ્ઠ જીવન માટે શ્રેષ્ઠ માર્ગ અપનાવવો જરૂરી છે અને આ માર્ગ જેટલો સ્વદેશીમાં છુપાયેલો છે એટલો જ ગૌ આર્થિક નીતિમાં પણ છુપાયેલો છે, કારણ કે સ્વાસ્થ્યથી મોટું સુખ બીજું કોઈ નથી, હોઈ પણ ન શકે.

manoj joshi columnists