POK અને ISIS: કાશ્મીરમાં થયેલી સફાઈ પાકિસ્તાનને હજીય હજમ નથી થઈ

01 November, 2019 02:55 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

POK અને ISIS: કાશ્મીરમાં થયેલી સફાઈ પાકિસ્તાનને હજીય હજમ નથી થઈ

પ્રતીકાત્મક તસવીર

બે દિવસ પહેલાંની વાત છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએસ અને આતંકવાદી સંગઠનો વચ્ચે મીટિંગ થઈ હતી. આ મીટિંગ આમ તો દોઢ દિવસ ચાલી, પણ છેલ્લા દિવસે તો એ મીટિંગમાં અનેક મોટાં પગલાં વિશે નિર્ણય લેવાયાની પણ ચર્ચા છે. આ શું સૂચવે છે, શું દર્શાવે છે, શું દેખાડે છે?

એ જ કે કાશ્મીરમાં થયેલી સફાઈ પાકિસ્તાન હજી પણ પચાવી નથી શક્યું. કાશ્મીરની જવાબદારી સંભાળવી નહોતી અને એ પછી પણ એના પર દાવો અકબંધ રાખવો છે. આ તે ક્યાંનો ન્યાય? પાકિસ્તાન હસ્તકના કાશ્મીરની હાલત જોવી હોય તો એક વખત ગૂગલ પર જઈને ચકાસજો, ખબર પડશે કે ત્યાં કેવી ખોફનાક અને દહેશત જન્માવે એવી પરિસ્થિતિ વચ્ચે સૌકોઈ જીવી રહ્યા છે. ખાવા માટે કશું હાથમાં નથી અને પહેરવાનાં કપડાંના પણ સાંસા પડી રહ્યા છે. આજે પાકિસ્તાનની પરિસ્થિતિ એવી છે કે એણે પોતાના એકેક રાજ્ય કોઈકને દત્તક આપવા જવું પડે અને એ પછી પણ પાકિસ્તાન કાશ્મીરની ચિંતા કરતું બેઠું છે. આ ચિંતા નથી, પેટમાં રહેલી લાલચ અને મનમાં રહેલો સ્વાર્થ છે. જો આ સ્વાર્થને સમજી નહીં શકે, એને શાંત પાડી નહીં શકે તો એક દિવસ એવો આવશે કે પાકિસ્તાને ભીખ માગવા નીકળવું પડશે અને પાકિસ્તાને જાતે જ આત્મહત્યાનો માર્ગ અપનાવી લેવો પડશે.

            વિકાસથી ઉત્તમ બીજું કશું નથી. પાકિસ્તાનના મનમાં આજે પણ અરાજકતા જ રમી રહી છે. પાકિસ્તાન ઇચ્છે છે કે ભારતમાં અશાંતિ રહે. કોઈની અશાંતિ તમારા મનની શાંતિ હોય તો વિકૃતિની ચરમસીમા છે. કોઈના દુખે તમે સુખી થતા હો તો તમને જીવવાનો કોઈ હક નથી. ભારતમાં તકલીફ પડે તો પાકિસ્તાન ખુશ થાય, ભારતમાં મુશ્કેલી વધે તો પાકિસ્તાનનો ચહેરો લાલ થઈ જાય. ભારતના બૉમ્બધડાકા પાકિસ્તાનને રાજીપો આપે અને ભારતે લાચારી સહન કરવાની આવે તો પાકિસ્તાનની છાતી પહોળી થઈ જાય. આ જે અવસ્થા છે એ અવસ્થા વિકૃત આનંદની છે. વધુ એક વખત કહેવાનું મન થાય છે કે બીજાનું દુઃખ જો તમને સુખ આપતું હોય તો એને સુખ નહીં પરપીડિત આનંદ કહેવાય અને આવો આનંદ મેળવનારો સરવાળે અત્યંત દુખી થતો હોય છે.

બીજાની તકલીફમાં રાજી થનારાના હિસ્સામાં તકલીફોનો આંકડો મોટો થઈ જતો હોય છે. આમાં ક્યાંય કર્મની થિયરી વાપરવામાં નથી આવી, સીધો હિસાબ જ મૂકવામાં આવ્યો છે. જો બીજાને દુખી કરશો તો તમારા દુઃખ વખતે એ બીજો પડખે આવીને ઊભો નહીં રહે અને તે આવીને ઊભો નહીં રહે એ વાતની પીડા તમારા પોતાના દુઃખ કરતાં વધારે આકરી હશે. પાકિસ્તાન હજી પણ ભારતને, આપણને દુખી કરવાના રસ્તે છે. સફળતા મળવાની શક્યતા હવે દિન દુગના અને રાત ચૌગુના ઘટતી જાય છે, પણ વાંદરો ગુલાંટ અને પાકિસ્તાન પછડાટ ન ભૂલે. છો કરે જે હરકત કરવી હોય એ. નાક કપાયેલી અવસ્થા વચ્ચે જીવવાની હવે પાકિસ્તાનને આદત પડી ગઈ છે અને એની આ જ આદત પાકિસ્તાનને દુનિયાથી દૂર કરવાનું કામ કરી રહી છે.

manoj joshi columnists isis