કોરોના-વેકેશન: આ દિવસોમાં તમારે નવેસરથી વાઇફના પ્રેમમાં પડવાનું છે

31 March, 2020 06:24 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના-વેકેશન: આ દિવસોમાં તમારે નવેસરથી વાઇફના પ્રેમમાં પડવાનું છે

હા, કોરોના વેકેશન એટલે જ આવ્યું છે. જરા વિચાર કરો કે તમે ક્યારે તમારી જ વાઇફને ફરીથી ઇમ્પ્રેસ કરવાના હેતુથી તેની સામે રજૂ થયા હતા? જરા યાદ કરો એ દિવસો જ્યારે તમને તમારી વાઇફ ડ્રીમગર્લથી પણ બેસ્ટ દેખાતી હતી અને જરા યાદ કરો એ દિવસો, જ્યારે તમે તમારી વાઇફની એક નાનીઅમસ્તી નારાજગીને દૂર કરવા માટે મરણિયો પ્રયાસ કરતા હતા. એ દિવસો ભૂતકાળ બની ગયા. ભાગદોડ, હીફાઈ, બાળકો અને સંસારની આડશમાં એ દિવસો મરણ પામ્યા, પણ કુદરતે કોરોના દ્વારા આ તક તમારા જીવનમાં ફરીથી લાવીને મૂકી દીધી છે. હવે તમારે નવેસરથી એ જ પ્રયાસ કરવાનો છે જેને લીધે તમે અને તમારી વાઇફ આગળનું જીવન નવેસરથી શરૂ કરી શકો.

જે થાય એ સારા માટે થાય.

વડીલો પાસેથી આ વાત વારંવાર સાંભળી હશે અને એનો અનુભવ પણ કર્યો હશે. આજના આ કોરોના-વેકેશન દરમ્યાન આ જ વાતનો અનુભવ તમારે નવેસરથી કરવાનો છે. હજી તમારી પાસે ૧૪ દિવસ છે. ૧૪ એપ્રિલ પછી ખબર પડશે કે લૉકડાઉન યથાવત્ રહેશે કે પછી રાબેતા મુજબની જિંદગી જીવવાનો વારો આવી જશે, પણ આ ૧૪ દિવસમાં એક વખત, ફરીથી એક વાર, નવેસરથી પ્રયાસ કરો અને જીવનમાં નવી ખુશાલી લાવવા માટે મથો. આ મથામણ તમારા જ હિતમાં છે. આ મથામણ તમારા લાભમાં જ છે અને તમારા જ હિતમાં છે.

જીવનના જેકોઈ પડાવ પર તમે હો, જીવનની જેકોઈ આશા સાથે તમે જીવી રહ્યા હો, પણ આ કોરોના-વેકેશન એક નવી આશા સાથે આવ્યું છે એ ભૂલવાનું નથી. જરા વિચાર તો કરો કે એક સમયે તમને કલ્પના પણ નહોતી કે તમે બંધ દરવાજે આખા પરિવાર સાથે ૧૫-૨૦ દિવસ રહેશો. સાથે અને એ પણ સાવ એકલાં. માન્યું કે ઘણાને અત્યારે ઘરેથી કામ કરવું પડતું હશે અને એ કરવું પણ પડે. આ એવી આપદા છે જેમાં લડત માટેના દરેક રસ્તાઓને મક્કમતાથી વળગી રહેવાનું છે, પણ એ અવસ્થામાં પણ હાથમાં આવેલી તકને ભૂલવાની નથી, હાથમાં આવેલી તકને તરછોડવાની નથી. કોરોના-વેકેશન માત્ર તનના વિષાણુઓને જ ભગાડવાનું કામ કરવા માટે નથી. આ વેકેશન મનના વિષાણુઓને ભગાડવાનું કામ કરવા માટે પણ આપવામાં આવ્યું છે. જો આ વેકેશનનો લાભ આંતરિક સંબંધો માટે નથી લીધો તો તમે સાંસારિક જીવનને લાયક છો કે નહીં એ મુદ્દા પર જ પ્રશ્નાર્થ ઊભો થઈ જશે. એકેક કામ, એકેક હરકત, એકેક ક્ષણ સાથે જીવવા મળી છે ત્યારે એને સાથે જીવી લેજો. કોરોના કાબૂમાં રહી ગયો છે અને એટલે જ યાદ રાખવાનું છે કે જો એ કાબૂમાં ન રહ્યો હોત તો અત્યારે જે રીતે સક્ષમતા સાથે ઘરમાં છો એને બદલે કદાચ તમે ઘરમાં જ પથારીવશ હોત. તમે જ, કારણ કે ઘરની બહાર નીકળવાનું કામ તમે જ કરો છો અને એટલે આ વિષાણુઓને તમારામાં લાવવાનું કામ પણ તમે જ કર્યું હોત. ઈશ્વરે મહેરબાની કરી છે, સામે જોયું છે અને કોરોનાને કાબૂમાં રાખ્યો છે તો પછી એનો પૂરતો સદુપયોગ કરો અને સંબંધોમાં રહેલા વાઇરસને દૂર કરીને સંબંધોને તાજગી આપવાનું કામ કરો.

manoj joshi columnists coronavirus