પરિવાર માટે જીવન ન્યોછાવર કરવાની ક્ષમતા મહિલાઓમાં છે

11 October, 2019 02:43 PM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

પરિવાર માટે જીવન ન્યોછાવર કરવાની ક્ષમતા મહિલાઓમાં છે

...અને એ પણ એટલું જ સાચું કે આ ક્ષમતા વિશ્વભરમાં માત્ર ને માત્ર ભારતીય મહિલાઓમાં જ છે અને આમાં કોઈ અતિશયોક્તિ કે અતિરેક નથી.

વિશ્વની કોઈ મહિલામાં આ ક્ષમતા નથી. પોતાનો સ્વાર્થ, પોતાની કરીઅર, પોતાનું એકાકીપણું અને પોતાની ઇચ્છાઓ બાકીની તમામ મહિલાઓના કેન્દ્રસ્થાનમાં રહે છે અને એટલે જ બધા વિકસિત દેશોના લગ્નજીવનમાં વિચ્છેદ થતો જોવા મળે છે, પણ ભારતમાં કોઈ જાતના સ્વાર્થ વિના, કોઈ જાતના કેન્દ્રસ્થાનમાં રહ્યા વિના અને કોઈ જાતની આળપંપાળ વિના પણ આપણી નારી પોતાનું આખું જીવન એક અજાણ્યા ઘર, પરિવાર અને એક અજાણ્યા પુરુષ માટે ન્યોચ્છાવર કરી દે છે. તે પોતાની કરીઅર પણ છોડી દે છે અને પોતાનાં સપનાંઓ પણ છોડી દે છે. આ કામ પતિ નથી કરતો.

અરે, પતિ તો પોતાની આદત સુધ્ધાં છોડવા રાજી નથી અને પતિ પોતાનું દૈનિક ચક્ર, પોતાની રોજન‌િશી પણ બદલવા માટે તૈયાર નથી. તેને કોઈ ફરક નથી પડતો. 

આજે મોટા ભાગના પુરુષો જો સ્વીકારવા માટે તૈયાર થઈ આવે તો તેણે સ્વીકારવું પડે કે મૅરેજ પછી તેમણે કાંઈ ગુમાવવું નથી પડ્યું. તેના માનમાં વધારો થયો છે, તેના સન્માનમાં વધારો થયો છે અને તેની જરૂરિયાતમાં જે ઉમેરો થયો છે એ ઉમેરો પણ તેને પ્રેમથી આપવામાં આવ્યો છે. હું કહીશ કે આપણે ત્યાં છોકરીઓે સુધરવું જોઈએ એવું વારંવાર કહેવાય છે, પણ એવું કરવાને બદલે કહેવાની જરૂર છે કે છોકરાઓએ બદલાવ લાવવાની જરૂર છે. છોકરાઓ બદલાયા છે, પણ આ બદલાવ જોઈએ એવી તીવ્રતાથી નથી આવ્યો એ હકીકત છે અને ખરાબ વાત પણ છે.

ઘરમાં પપ્પા-મમ્મીના વ્યવહારને જોઈને એવું જ વાતાવરણ માગતા આજના યુવાનોએ સમજવું પડશે કે સમય બદલાયો છે અને બદલાઈ રહેલા સમયની સાથે તેમણે પણ બદલાવું પડશે. જો જૂના જમાનામાં હતું એવું રાજ આજે હયાત ન હોય તો પછી સ્વાભાવિક રીતે રાજવીપણું પણ અકબંધ રહેવાનું નથી અને એ ન રહે એ જ જરૂરી છે. સ્વભાવ સુધારવો પડશે અને મહિલાઓ સાથેનો વ્યવહાર પણ સુધારવો પડશે. જો તમે વ્યવહાર નહીં સુધારી શકો તો ચોક્કસપણે સંબંધોમાં રહેલી અંટશ બહાર આવશે અને એ અંટશ બહાર આવશે તો એની સજા પણ સામે આવશે. હું કહીશ કે પુરુષાતન એટલે બાવડાંની તાકાત નહીં, પણ હૈયામાં રહેલી મીઠાશ, મધુરાશ અને ધીરજ પણ. આ મીઠાશને સંબંધોમાં ભેળવવી પડશે, ખાસ કરીને મહિલાઓ સાથેના સંબંધોમાં, કારણ કે એ તમારા જીવનના તમામ સામાજિક મોરચાને સંભાળતી હોય છે.

એક વખત શાંતચિત્તે મહિલાઓના મોરચા જોશો તો તમને પણ સમજાશે કે ફાલતુ અને વાહિયાત લાગતી વાતો પાછળ તે આખી જિંદગી ખર્ચી નાખતી હોય છે. જો તમને તમારો અડધો કલાક પણ ખોટી રીતે વેડફાય એ ન ગમતું હોય તો વિચારો જરા કે તે તો આ વેડફાટ હસતા મોઢે, હસતા ચહેરે કરે છે. જરા જશ આપો, જરા મહત્ત્વ આપો. તેને લાલસા આ જશ અને મહત્ત્વની જ છે. જો એ આપી શક્યા તો યાદ રાખજો કે જીવનમાં ક્યારેય દુખી નહીં થાઓ, તમે પણ અને તમારા સંબંધો પણ.

manoj joshi columnists