માર્ક્સ અને પર્સન્ટેજની દુનિયા : ચલ જમૂરે, અબ અંકલ કો ડાન્સ દિખાઓ

22 October, 2019 01:36 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

માર્ક્સ અને પર્સન્ટેજની દુનિયા : ચલ જમૂરે, અબ અંકલ કો ડાન્સ દિખાઓ

હમણાં એક મિત્રના ઘરે બેઠા હતા ત્યારે અચાનક જ એક્ઝામની વાત નીકળી. જ્યારે પણ અને જ્યાં પણ એક્ઝામની વાત આવે ત્યારે મારા મનમાં એક સવાલ જન્મે. આપણે બાળકોને કેટલી ખરાબ રીતે માર્ક્સ અને પર્સન્ટેજના વાતાવરણમાં બાંધી દીધા છે?

માર્કશીટમાં દેખાડવામાં આવેલા પર્સેન્ટાઇલ જોઈને આપણે બાળકોની ટૅલન્ટ માપવા માંડ્યા છીએ. જો માર્ક્સ ઓછા આવે તો આપણે એવું ધારી લઈએ કે બાળક નબળું છે, તેને કંઈ આવડતું નથી, ભવિષ્યમાં એ કાંઈ ઉકાળી નથી શકવાનું. માર્ક્‍સની આ માનસિકતા આપણે સૌએ દૂર કરવી જોઈએ અને બાળકોને પુસ્તક આધારિત નહીં, રુચિ આધારિત શિક્ષણ આપવાની પ્રથાને અપનાવી લેવી જોઈએ. યાદ રાખજો કે થિયરી બધાને કામ લાગવાની નથી. જ્યૉગ્રાફી જરૂરી છે, ભણવી, પણ એ જ્યૉગ્રાફી સાથે જ‌િંદગીઆખો ક્યારેય પનારો ન પડ્યો હોય એવા હજારો અને લાખો લોકો છે. સ્કૂલમાં ભણેલી કેમૅસ્ટ્રી લાઇફમાં ક્યારેય ઉપયોગી

ન બને એવું પણ બની શકે અને ભાષાશાસ્ત્રી બનનારા માટે ગણિતના અક્ષર ભેંસ સમાન રહે એવું પણ બની શકે. જો જીવનમાં અમુક સબ્જેક્ટ્સની જરૂરરિયાત ન આવવાની હોય, ક્યારેય ઊભી ન થવાની હોય તો પછી આપણે કેવી રીતે એ સબ્જેક્ટ્સના માર્ક્સના આધારે બાળકની ટૅલન્ટને પારખવાનું કામ કરી શકીએ?

મારું માનવું છે કે આજની શિક્ષણપ્રથાને ધ્યાનપૂર્વક અને સભાનતા સાથે ચેન્જ કરવાની જરૂર છે. જેમ આ સિસ્ટમ ચેન્જ કરવાની જરૂર છે એ જ રીતે આપણા પેરન્ટ્સની મેન્ટાલિટી પણ બદલવાની જરૂર છે.

પેરન્ટ્સ માટે બાળક છે એ શોકેસ બની ગયું છે. તેને બધું આવડવું જોઈએ. તે ડાન્સમાં પણ માસ્ટર હોવું જોઈએ અને મૅથ્સમાં પણ તેની માસ્ટરી હોવી જોઈએ.

સ્વિમિંગમાં તે ચૅમ્પિયન હોવો જોઈએ, મ્યુઝિકમાં તેની માસ્ટરી હોવી જોઈએ, બચ્ચનસરનો ક્લાસ ચાલતો હોય ત્યારે ‘કૌન બનેગા કરોડપતિ’ના જવાબ પણ તે ફટાફટ આપતો હોવો જોઈએ અને સ્કૂલમાં તે સ્કૉલર પણ હોવો જોઈએ. આ બધું કરાવવા પાછળનું સાચું કારણ એ છે કે પેરન્ટ્સ પોતાની અતૃપ્ત ઇચ્છાઓ,

પોતાના મનની અધૂરી વાસનાઓ આ બાળક પાસે પૂરી કરાવી રહ્યા છે. આપણી ઇચ્છાઓ માટે બાળકનો ઉપયોગ કરવાની જરૂર નથી. બાળકને જે ગમે એ કરવા દેવામાં આવશે તો તમારે ક્યારેય એવી ફરિયાદ નહીં કરવી પડે કે બાળક સારું પર્ફોર્મ નથી કરતું.

પ્રદર્શન ત્યારે જ બગડતું હોય છે જ્યારે એ પૂર્ણ કરવાનું મન આદેશ નથી આપતું. એક્ઝામ આવે એટલે બાળક પર એ સ્તરે પ્રેશર મૂકી દેવામાં આવે છે જેની કલ્પના પણ ન કરી હોય. એક્ઝામમાં પણ તેના પર કોઈ ભાર મૂકવાની આવશ્યકતા નથી. બાળક જાણે છે કે તેણે સારું રિઝલ્ટ લઈ આવવાનું છે, આ સારા રિઝલ્ટ માટે તેણે શું કરવું અને કેટલી મહેનત કરવી એની પણ તેને ખબર છે જ. તમે તેને જેટલી સમજદારી કેળવી હશે એટલી સમજદારી તેણે કેળવી છે તો પછી શું કામ હવે આ બધાનું ટેન્શન તેને આપવાનું. આમ તો આપણે હંમેશાં કહીએ છીએ કે સ્ટ્રેસ લેવાની જરૂર નથી તો પછી પેરન્ટ્સ પોતે સ્ટ્રેસ બને એ શું યોગ્ય કહેવાય ખરું?

manoj joshi columnists