નવરાત્રિએ એટલું નક્કી કરો કે દીકરીઓને દુખી નહીં કરીએ

02 October, 2019 02:33 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

નવરાત્રિએ એટલું નક્કી કરો કે દીકરીઓને દુખી નહીં કરીએ

નવરાત્રિ

નવરાત્રિ એની ચરમસીમાએ પહોંચી રહી છે ત્યારે એક વાત કહેવાનું મન થાય છે. નવરાત્રિમાં બીજી કોઈ આરાધના કરી ન શકો, કોઈ જાતની શક્તિનું પૂજન ન કરી શકો તો વાંધો નહીં, પણ ઍટ લીસ્ટ એટલું નક્કી કરજો કે સાક્ષાત્ નવદુર્ગા સમાન દીકરીઓની પૂજા કરીશું. એટલું નક્કી રાખજો કે સાક્ષાત્ નવદુર્ગા સમાન દીકરીઓ જરાય દુખી ન થાય અને તેના સુખમાં ક્યાંક ને ક્યાંક તમે સહભાગી બનજો. અહીં એક નાનકડી સ્પષ્ટતા પણ કરવાની કે દીકરીઓ એટલે ઘરની દીકરીઓની જ વાત નથી. દીકરી એટલે સ્ત્રીજાતિની વાત છે અને સમગ્ર શક્તિમાં સમસ્ત નારીઓનો સમાવેશ છે.

કબૂલ કે તમે સક્ષમ છો એટલે તમારી દીકરીઓ, બહેન કે ઘરના અન્ય સ્ત્રીસભ્યોને કોઈ તકલીફ નહીં પડતી હોય, પણ તમારી આજુબાજુ અક્ષમ હોય એવા અનેક પરિવારો છે જેની બહેન-દીકરીઓ દુખી થઈ રહી છે. તમારા ઘરે કામ કરવા આવતાં બહેન પણ એમાં હોઈ શકે અને શાક વેચવા આવતી છોકરી પણ એ હોઈ શકે. દીકરીઓનું ધ્યાન રાખવું એ પુરુષનો પહેલો ધર્મ છે અને આ ધર્મ નિભાવવા માટે તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમે તેમને આર્થિક મદદ કરો. હું તો કહીશ કે બીજું કશું ન થઈ શકે તો વાંધો નહીં, આ નવરાત્રિએ નવ દીકરીઓનાં ભણતરની જવાબદારી તમે લઈ લો. નવ દીકરીઓને એકવીસમી સદીને લાયક બનાવો. ઓછું ભણતર જ આ દેશને નીચે લઈ જવાનું કામ કરી ગયું છે. ભણતરથી શ્રેષ્ઠ દાન કોઈ નથી. જો તમે ઇચ્છતા હો કે કોઈને કાયમ માટે સુખી કરવા છે તો ભણતરનું દાન આપજો. આજીવિકા આપજો. ભણતર પછીના સ્થાને જો કંઈ આવે તો એ રોજીરોટી છે.

નવ દીકરીઓનાં ભણતરને દત્તક લેવામાં કોઈ મોટો ખર્ચ નથી થવાનો. એ દીકરીઓને ક્યાંય મોંઘીદાટ સ્કૂલમાં ભણવા માટે નથી મોકલવાની. એના વિસ્તારમાં આવેલી સામાન્ય સ્કૂલમાં ઍડ્મિશન લેવડાવી દેશો તો પણ તેની ભણવાની ધગશ તેને આગળ લઈ આવવાનું કામ કરશે. સામાન્ય સ્કૂલની ફી અને ભણવાનો અન્ય ખર્ચ, આ બધાનો હિસાબ કરો તો વધીને પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય. જો એ ખર્ચથી એક બાળકનું ભવિષ્ય સુધરી જવાનું હોય, એક કામવાળી બાઈને બદલે એક ક્લર્કનો જન્મ થવાનો હોય તો એનાથી ઉત્તમ બીજું કશું નથી, પણ એ માટે તમારે જિજ્ઞાશા દેખાડવી પડશે અને એ માટે તમારે ધગશ પણ દેખાડવી પડશે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે તમારે દુર્ગાના અવતારને હાથ આપવાનો છે. શક્તિની આરાધનાનો આનાથી ઉત્તમ રસ્તો બીજો કોઈ નથી. એક દીવો નહીં થાય તો ચાલશે, એક વખત નૈવેદ ભૂલી જશો તો પણ માડી કોઈ જાતની અકળામણ નહીં દર્શાવે જો તમે એ જ માડીની દીકરીઓને હાથ આપ્યો હશે, એ જ માડીની દીકરીમાં રહેલી શક્તિને ઉજાગર કરવાનું કામ કર્યું હશે.

નવરાત્રિ દરમ્યાન એક નિયમ એ પણ લેજો કે એકલી જતી છોકરીની છેડતી કોઈ કરે નહીં. એ જોવાની જવાબદારી સમગ્ર પુરુષ સમાજની છે. જો પુરુષ આ કામ કરી શક્યો તો જગતની એક પણ શક્તિ દુખી નહીં હોય. એક પણ શક્તિએ સંહારના રૂપમાં નહીં આવવું પડે અને જો એવું બન્યું તો પૃથ્વીલોક સ્વર્ગથી પણ વધારે સુંદર બનશે.

columnists navratri manoj joshi