એક ગાય કેવી રીતે એક નાના પરિવારને સાચવવાનું કામ કરી શકે?

18 October, 2019 03:30 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

એક ગાય કેવી રીતે એક નાના પરિવારને સાચવવાનું કામ કરી શકે?

આમ તો આ વાત હાસ્યાસ્પદ લાગી શકે છે અને એવું લાગે તો મને જરા પણ સંકોચ કે શરમ પણ નહીં આવે, પણ હા, હાસ્યાસ્પદ લાગેલી આ વાતને લીધે મને દુઃખ ચોક્કસ થશે કે આપણા દેશની માનસિકતા કયા સ્તરે હવે ઔદ્યોગિક ક્રાન્તિ સમાન બની ગઈ છે અને તેમને આટલી સરળ અને સાચી વાતમાં પણ હસવું આવી રહ્યું છે.

એક ગાય, એક ગાય કેવી રીતે એક નાનકડા પરિવારને સાચવવાનું કામ કરી શકે? આ ખરેખર સંશોધનનો વિષય છે અને આના પર ખરેખર સંશોધન કરવાનું કામ હું કરી પણ રહ્યો છું. ઉત્તર પ્રદેશથી માંડીને હરિયાણા, ઉત્તરાંચલ, છત્તીસગઢ અને ગુજરાતમાં પણ હું મારી જાતે આનું સર્વેક્ષણ કરું છું અને એ સર્વેક્ષણના જેકોઈ જવાબ આવી રહ્યા છે એ જોઈને મને હવે વિશ્વાસ પણ આવી રહ્યો છે કે હા, એક ગાય એક નાનકડા પરિવારને સાચવી લેવાનું કામ કરી શકે ખરી. પારિવારિક અર્થતંત્ર ગાય આધારિત બની શકે છે. એ પણ એટલું જ સાચું છે કે આ ત્યારે જ શક્ય બને જ્યારે અનેક બાબતોમાં ધ્યાન રાખવામાં આવે.

જરા વિગતવાર આ વિષયને જોવો જોઈએ એવું મને લાગે છે, કારણ કે આપણે ખૂબ જ આધુનિકતાને પામી લીધી છે અને એ કર્યા પછી હવે સમય આવ્યો છે કે આપણે જરા પાછળ ફરીને જોઈએ કે ક્યાંક આપણે સંસ્કૃતિ અને સ્વાસ્થ્યને પાછળ તો મૂકીને આગળ નથી વધી ગયાને. આ વિષય જરા મારા શોખનો છે એટલે હું એમાં થોડો વધારે ઊંડો ઊતર્યો છું, પણ ઊંડો ઊતર્યો એટલે મને સમજાયું કે આપણે ખરેખર અનેક પ્રકારની ભૂલો કરી બેઠા છીએ. આપણને હવે મિલ્ક પાઉડરની છાસ પીવાની અને ટેટ્રાપૅકમાં મળતા દૂધની ચા પીવાની આદત પડી ગઈ છે. પેલું ખારું-ખારું અને પીળા રંગનું માખણ હવે આપણી લાઇફસ્ટાઇલ બનવા માંડ્યું છે અને સફેદ માખણ જોયાને જન્મારો થઈ ગયો હોય એવું લાગે છે. જે તમારું જીવન હતું એ જ જો જણસ બની જાય તો માનવું કે તમે ક્યાંક ને ક્યાંક તમારા સંસ્કારને પણ હવે પાછળ છોડવા માંડ્યા છો. હું કહીશ કે જો હવે તમને રેપર બાદશાહનાં ગીતો ગમવા માંડ્યાં હોય અને ‘શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ’થી ત્રાસ છૂટવા માંડ્યો હોય તો તમારે માની લેવું કે હવે તમે દેશી નહીં પણ જર્સી, મિક્સ બ્રીડની પ્રજા બનવા માંડ્યા છો અને અત્યારે અમુક અંશે એ જ થયું છે. નવું જનરેશન જર્સી થતું જાય છે અને જૂના જનરેશનના અનુભવીઓને ‘શ્યામ તેરી બંસી...’ વગાડવામાં શરમ આવી રહી છે. હું અનેક એવા લોકોને ઓળખું છું જેઓ ગાયના સંવર્ધન પર ખૂબ જ સારું કામ કરી ચૂક્યા છે અને મુંબઈમાં રહે છે, પણ હવે તે એ વિષય પર વાત કરવા રાજી નથી.

કારણ, કારણ કે આ ટેક્નૉલૉજીનો યુગ આવી ગયો છે. આવી ગયેલા આ ટેક્નૉલૉજીના યુગને કોઈ ખાસ મહેનત કર્યા વિના ફરીથી આપણે સંસ્કાર અને સંસ્કૃતિ વત્તા સ્વાસ્થ્ય સાથે જોડી જ શકીએ છીએ અને મેં એ દિશામાં એક નાનકડું કામ શરૂ પણ કર્યું છે. કેવી રીતે એ કામ શરૂ થયું એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે એ કામ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. ગાય આધારિત અર્થતંત્ર પહેલાં હતું જ અને આજે પણ અંતરિયાળ ગામડાંઓમાં ગાય આધારિત અર્થતંત્ર છે જ પણ એની વિગતવાર વાતો કરીશું આવતી કાલે.

manoj joshi columnists