પહેલો નિયમ: પાર્ટી છોડીને આવે તેને કોઈ મહત્વ આપવું નથી, આપવા દેવું નથી

30 October, 2019 03:19 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

પહેલો નિયમ: પાર્ટી છોડીને આવે તેને કોઈ મહત્વ આપવું નથી, આપવા દેવું નથી

હા, આ નિયમ આમ તો ઑલરેડી એક વીક પહેલાં રાધનપુરની જનતાએ લઈ લીધો છે, પણ એ ‌રિઝલ્ટ પછી જોતાં એવું લાગે છે કે હવે આખા દેશની જનતા નવા વર્ષનો આ પહેલો નિયમ બનાવશે. અલ્પેશ ઠાકોર હારી ગયા. સાચું કહું, પહેલી વખત મિશ્ર‌િત લાગણી થઈ. બીજેપીની હાર હતી એટલે દુઃખ હતું તો સાથોસાથ જેની હાર હતી તેને માટે ‌કોઈ પ્રકારની ગ્લાનિ નહોતી થઈ રહી. હું માનું છું કે રાજકીય રંગો વચ્ચે એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જવું અને બીજી પાર્ટી છોડીને ત્રીજી પાર્ટીમાં જવું એ કોઈ નવી વાત નથી કે એમાં કોઈને અચરજ હોવું પણ ન જોઈએ, પણ એમ છતાં હું કહીશ કે કેટલીક પાર્ટી બદલવાની રીત દુઃખ આપનારી અને પીડા જન્માવે એવી હોય છે. આ અગાઉ આ જ જગ્યાએથી હાર્દિક પટેલે જિજ્ઞેશ મેવાણી અને ભાઈ અલ્પેશ ઠાકોર માટે ખૂબ લખ્યું છે અને દરેક વખતે તેમને શબ્દોથી ઠમઠોર્યા પણ છે. આજે પણ હું માનું છું કે જ્ઞાતિવાદ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરનારી રીત છે અને આ રીતથી દૂર રહેવું એ તમામ રાજકીય પક્ષોએ સમજવાની જરૂર છે. રાજકીય પક્ષોએ સમાજના ભાગલા પાડનારા લોકોથી અંતર રાખવું જોઈએ એ પણ સમજવું જોઈએ અને સમાજમાં અરાજકતા ફેલાવે એવા હાર્દ‌િક જેવા મિત્રોથી પણ અંતર રાખવું જોઈએ.

અલ્પેશ ઠાકોર અને તેના મિત્ર ધવલસિંહ ઝાલા પણ બીજેપીમાં જૉઇન થયા અને એ પછી કૉન્ગ્રેસ સામે આક્ષેપબાજીઓ શરૂ થઈ અને એ આખી રાજરમત સૌકોઈની સામે ખુલ્લી છે, પણ ટિકિટ મળ્યા પછી જે પ્રકારની ભાષાનો પ્રયોગ થઈ રહ્યો હતો એ જ સમયે મનમાં આશંકાઓ જન્મવી શરૂ થઈ ગઈ હતી કે આમની સાથે મતદારો કોઈ જુદી રાજનીતિ રમી જશે અને એને લીધે બીજેપીની નાલોશી થશે. કેટલીક નાલોશી આંખો ખોલનારી હોય છે અને બીજેપીએ તો હંમેશાં ભૂલમાંથી શીખવાનું કામ કર્યું છે. ભૂતકાળમાં એ થયું છે અને ભવિષ્યમાં પણ એ થવાનું છે. અત્યારે વાત ચાલે છે એ પક્ષ બદલનારા લોકોની ચાલી રહી છે એટલે વાતનું ફોકસ એ રાખીએ.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ હાર્યા છે, પણ ભૂતકાળમાં જેણે પણ કૉન્ગ્રેસ છોડીને બીજેપીનો હાથ પકડ્યો હતો એ સૌકોઈ જીત્યા પણ છે, તો એવું તે શું બન્યું કે આ વખતે આ મિત્રોને મતદારોએ જાકારો આપ્યો? આનો જવાબ મારે કે તમારે શોધવાની જરૂર નથી, આનો જવાબ ખુદ અલ્પેશ ઠાકોરને જ મળી જશે અને કદાચ અલ્પેશ ઠાકોરે એ જવાબ શોધી પણ લીધો હશે. એ જવાબને કોરાણે મૂકીને જો આજના સંદર્ભમાં વાત કહેવી હોય તો એટલું જ કહેવાનું કે માત્ર સ્વાર્થ ખાતર ક્યારેય રાજનીતિ રમવી નહીં. ક્યારેય રમવી નહીં અને માત્ર સ્વાર્થ ખાતર ક્યારેય સમાજનો ઉપયોગ કરવો નહીં.

આ પણ વાંચો : પોતાની મેળે થાળે પડી જાય એનું જ નામ જીવન

જો સમાજનો ઉપયોગ સ્વાર્થ માટે થતો હોય તો સમજવું કે સમાજ બહુ વિશ્વાસ છોડી દેશે અને એ વિશ્વાસ છોડશે એ સમયે બહુ મોટી પછડાટ ખાવી પડશે. આજે હાર્દિક પટેલ ક્યાં છે, જુઓ તમે? અલ્પેશ ઠાકોરનું શું થયું એ જુઓ તમે. નવા વર્ષનું આ પહેલું પ્રણ હોવું જોઈએ તો સામા પક્ષે પણ એક રેઝોલ્યુશન લેવાનું છે. પાર્ટી છોડીને આવનારાને ખૂણામાં સંઘરી રાખવાના છે, પ્રથમ હરોળમાં બેસાડવાની ભૂલ કરવાની નથી.

columnists manoj joshi