મને બધું આવડેઃ જ્ઞાનની અધૂરપ અને અધૂરું જ્ઞાન ક્યારેય છલકાવું ન જોઈએ

24 October, 2019 06:28 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

મને બધું આવડેઃ જ્ઞાનની અધૂરપ અને અધૂરું જ્ઞાન ક્યારેય છલકાવું ન જોઈએ

મને બધું આવડે, મારામાં બધું જ્ઞાન છે. 

આ એક માનસિકતા બની ગઈ છે અને આ માનસિકતા ક્યાંક અને ક્યાંક ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા અને વોટ્સ ઍપ જેવા મેસેન્જરના કારણે લોકોના મનમાં જન્મવા માંડી છે. આ માનસિકતા ખોટી છે, વાહિયાત છે. માઇન્ડવેલ, વાત અહીંયા માનસિકતાની થઈ રહી છે, ટેકનૉલૉજીને ઉતારી પાડવાની ચર્ચાને અત્યારે અહીંયા સ્થાન નથી. આ ટેકનૉલૉજી કે ટેકનૉલૉજી પ્રોવાઇડ કરતાં ઇન્સ્ટ્રુમેન્ટસની સામે મારી કોઈ નારાજગી નથી. હોવી પણ ન જોઈએ. ટેકનૉલૉજીનો જેટલો
સદ્ઉપયોગ થાય એટલી જ એ ફાયદાકારક રહે, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે ગલીમાં ફરતું ડોગી અને રશિયાથી મગાવીને વાતાનુકૂલિત વાતાવરણમાં બેસ્ટ ટ્રીટમેન્ટ સાથે રાખવામાં આવતાં ડોગી વચ્ચે ફરક માત્ર તેને મળનારી સુવિધાનો છે.
આ સુવિધાઓ ક્યારેય ડોગીને માણસ નથી બનાવી શકતું. એવું જ પેલું ટેકનૉલૉજીનું છે. ટેકનૉલૉજી હાથમાં આવી જાય એટલે એવું પુરવાર નથી થતું કે વ્યક્તિને બધું આવડી ગયું અને હવે તે સર્વગુણ સંપન્ન અને જ્ઞાની છે. જ્ઞાન મેળવવાની ક્ષમતા જુદી હોય છે અને એ મેળવવાની પ્રક્રિયા પણ સાવ અલાયદી હોય છે. બે-ચાર સારા વાક્યો વાંચી લેવાથી શ્રીમદ ભગવદ્ગીતાનું ગઠન કરી લીધું એવું ક્યારેય કહી શકાતું નથી, એવી જ રીતે બે-ચાર વાત જાણી લેવાથી જ્ઞાની બની નથી જવાતું. ચાણક્યએ કહ્યું છે : ‘સતત જ્ઞાન મેળવતાં રહેવા છતાં પણ જો તમને એવું લાગે કે ઘણું જાણવાનું બાકી છે તો ધારવું કે તમે એક વાજબી
જ્ઞાની સાથે ઊભા છો.’

મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ ભરપૂર માત્રામાં થવા માંડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પુરવાર થઈ ચૂક્યું છે કે આપણે એટલે કે ભારતીય વિશ્વના અન્ય વિક્સિત દેશોની સરખામણીએ ત્રીસથી સવાસો ટકા જેટલું ઇન્ટરનેટ વધારે વાપરીએ છીએ. ઉપયોગ, સદ્ઉપયોગ અને દુરુપયોગ વચ્ચે બહુ મોટી ભેદરેખા છે અને આ ભેદરેખા હવે આપણે ભૂલીને અસહ્યના સ્તર પર આવી ગયા છીએ. જે પ્રકારે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ થતો દેખાય છે એ જોઈને કોઈ વખત તો એવી ચીડ ચડે છે કે મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ સદંતર બંધ કરી દઉં. આ ઉપયોગ બંધ કરવાનું મન પણ માત્ર એ જ કારણે થાય કે ધાર્યું ન હોય એવી વ્યક્તિ દ્વારા પણ તમારા પર મૅસેજનો મારો કરવામાં આવે. જ્ઞાની બનીને એ મૅસેજ ફોરવર્ડ થતાં રહે જેમાં શ્રીકૃષ્ણનો સંદેશ પણ હોય અને ચાણક્યના એવા સુવાક્ય હોય કે જે ચાણક્ય ક્યારેય બોલ્યા જ ન હોય.

જ્ઞાન માટે એક વાત યાદ રાખજો. જ્ઞાન પીરસવાનું હોય, જ્ઞાનની ઊલટીઓ ન કરવાની હોય. જ્ઞાનને વહાવાનું હોય, જ્ઞાનનો ધોધ ન કરવાનો હોય. અત્યારે મૅસેન્જર અને સોશ્યલ નેટવર્કની વેબસાઇટ પર આ જ ચાલી રહ્યું છે. જેને સિદ્ધાંત સાથે ટકાભાર પણ નિસબત ન હોય એ પણ સવારના પહોરમાં એવી ડાહીડાહી વાત કરે કે આપણને ખરેખર અચંબો થઈ આવે કે આ હૃદય-પરિવર્તન ક્યારે અને કેવી રીતે થઈ ગયું. કહેવાનું મન થાય કે મહેરબાની કરીને જે જ્ઞાન મળ્યું હોય તો એ જ્ઞાનને વહાવી દેવાને બદલે એને જીવનમાં ઉતારવાની દિશામાં પ્રયાણ કરો. 

આગળ કહ્યું એમ, જ્ઞાન ક્યારેય ફોરવર્ડ ન થાય. એ તો યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ પીરસવાનું હોય.

manoj joshi columnists