ઇતિહાસ અમર છે અને હંમેશાં અમર રહેવાનો છે

21 September, 2019 12:57 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ઇતિહાસ અમર છે અને હંમેશાં અમર રહેવાનો છે

માયથોલૉજી કે પછી હિસ્ટરી-બેઝ વિષયોની ભરમાર ચાલે છે. ફિલ્મો બને છે અને ટીવી પર પણ એનો મારો એકધારો ચાલતો રહે છે, પરંતુ આ બધામાં એક વાતની ખાસ કાળજી લેવાની જરૂર છે કે ઇતિહાસ અમર છે અને હંમેશાં અમર રહેવાનો છે, પરંતુ એની સાથોસાથ એ પણ યાદ રાખવાની જરૂર છે કે એને મારી-મચકોડીને રજૂ કરવાની જરૂર નથી. તથ્યને અકબંધ રાખીને ક્રીએટિવ-લિબર્ટી લેવામાં આવે તો કશું ખોટું પણ નથી, કારણ કે ટીવી અને ફિલ્મ એવાં માધ્યમ છે જેના થકી સહજતા સાથે અને સરળતા સાથે કહેવામાં આવેલી વાત સ્ટોર થઈ જાય છે. ભગવાન રામનું પિતા પ્રત્યેનું વલણ અને ભાઈ લક્ષ્મણ કે ભરત માટેનો પ્રેમ જગતઆખાને જો યાદ રહી ગયું હોય તો એમાં ટીવી-સિરિયલ ખૂબ જવાબદાર છે, કારણ કે ‘રામાયણ’ને અદ્ભુત રીતે રજૂ કરવાનું સૌથી પહેલું કામ રામાનંદ સાગરે ટીવી પર કર્યું હતું. કબૂલ કે એ પહેલાં પણ ‘રામાયણ’ ગ્રંથ હતો જ, ‘મહાભારત’નું અસ્તિત્વ હતું જ, પરંતુ એ પછી પણ એ વાંચવાની કે પછી કથાનું પાન કરવાની ક્ષમતા જૂજ લોકોમાં હતી. બી. આર. ચોપરાની ‘મહાભારત’ અને રામાનંદ સાગરની ‘રામાયણ’એ અદ્ભુત દૃષ્ટાંત આપ્યું અને આ બન્ને ગ્રંથની, ઇતિહાસની વાતો ઘર-ઘર સુધી પહોંચાડી દીધી અને એ પણ અસરકારક રીતે.

જો કામ સારું થઈ રહ્યું હોય તો પછી એની નુક્તેચીની કરવાની કોઈ આવશ્યકતા નથી. જો કામ ઉમદા સ્તરે થઈ રહ્યું હોય તો એની ટીકા થઈ જ ન શકે, પણ અહીં વાત જરા જુદી દિશાની છે. આજે એવી પરિસ્થિત‌િ થઈ ગઈ છે કે આ બન્ને મહાગ્રંથ કે પછી માયથોલૉજીનાં અન્ય પાત્રો પર એવી-એવી સ‌િરિયલો બનવા માંડી છે કે તમે કલ્પના પણ ન કરી શકો. તમને ગમતા પાત્રને તમે ઘરમેળે ખેંચીને એક વાર્તા ઊભી કરી લો તો એ નહીં ચાલે. રિસર્ચ માટે તમે ઘરમેળે બનેલા ગ્રંથોનો ઉપયોગ કરી લો તો એ પણ નહીં ચાલે. તમે શિવજી પ્રત્યેની શ્રદ્ધાને પૉપ્યુલરિટીમાં ખપાવી દેવાનું કૃત્ય કોઈ કરે એ કેવી રીતે ચલાવી શકો? કેવી રીતે તમે મા દુર્ગા સાથે જોડાયેલી કાલ્પનિક વાર્તા સહન કરી શકો? શાસ્ત્રોમાં જે વાતને અડધી લાઇનમાં લખવામાં આવી છે એ જ વાતને ટીવી પર એક મહિનો ખેંચવામાં આવે છે. આ જ દેખાડે છે કે મૂળ તથ્યથી દૂર ગયા વિના શક્ય જ ન બની શકે, પણ આવી શક્યતાઓને અટકાવવાની જરૂર છે. કેમ આજ સુધી કોઈએ મોહમ્મદ પયગંબર પર કોઈ સિરિયલની કલ્પના નથી કરી, કેમ કોઈએ આજ સુધી મહાવીર કે જલારામબાપા પર ડેઇલીશૉપનો વિચાર નથી કર્યો? કારણ કે તેમનામાં શ્રદ્ધા ધરાવનારાઓ પોતાની આસ્થા અને નિષ્ઠાની બાબતમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે કે તેમને તેમનું કોઈ દર્શન રૂપેરી પડદે નથી જોવું.

આ પણ વાંચો : સેન્સલેસ ડિજિટલ વર્લ્ડ : એક સમયે જેની બીક હતી એ જ સેન્સર બોર્ડ આજે લાચાર છે

મને યાદ છે કે જલારામબાપાનું નામ એક ડેઇલીશૉપના વિલનના મોઢે મૂકવામાં આવ્યું હતું એ સમયે કેવો વિવાદ થયો હતો. એ વિવાદ પછી આજ સુધી ક્યારેય જલારામબાપાનું નામ એક પણ સિરિયલ કે ફિલ્મમાં વાપરવામાં નથી આવ્યું. આ તાકાત છે ભક્તોની અને આ તાકાત છે સંતત્વની. કહેવાનો ભાવાર્થ એ જ છે કે તમારી આસપાસ જેકંઈ ચાલી રહ્યું છે એનો જો વિરોધ નહીં નોંધાવો તો તમારી સંમતિ ગણાઈ જશે અને એવી મૂકસંમતિ જો ખોટી રીતે ધારી લેવામાં આવતી હોય તો તમારે એનો પણ વિરોધ કરવો જોઈએ અને મેસેજ પહોંચાડવો પડે કે તમે નથી ઇચ્છતા કે તમારી આસ્થાને અવગણવામાં આવે.

manoj joshi columnists