કહો જોઈએ, આ વેકેશનમાં તમે ક્યાં ફરવા જવાના છો?

12 October, 2019 01:47 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

કહો જોઈએ, આ વેકેશનમાં તમે ક્યાં ફરવા જવાના છો?

બુર્જ ખલિફા

દિવાળી હાથવેંતમાં છે એટલે વેકેશન પણ સાવ નજીક છે. દરરોજ સવારે પેપરમાં ઍડ દેખાય એટલે યાદ આવે કે વેકેશન આવી રહ્યું છે. સ્વ‌િટ્ઝરલૅન્ડ અને દુબઈ તથા સાઉથ અમેરિકા અને ટર્કી તથા ઇજિપ્ત અને બ્લાં, બ્લાં, બ્લાં...

સાચું કહું તો અફસોસ થાય જ્યારે આવી જાહેરખબરો જોઉં ત્યારે. કોઈ એવી જાહેરખબર જોવા નથી મળતી જેમાં મધ્ય પ્રદેશ દેખાડવાની વાત કરવામાં આવી હોય કે ઉત્તર પ્રદેશનાં દર્શનની વાત થતી હોય. ક્યાં કોઈ એવી જાહેરખબર પણ નથી જોવા મળતી કે રાજસ્થાનના રણમાં તમને તરબોળ કરી દેવામાં આવશે અને ક્યાંય એવી પણ કોઈ વાત નથી કરવામાં આવતી કે આસામના ચાના બગીચામાં કે સાવજધામ એવા ગીરમાં તમને જલસો કરાવી દેવામાં આવશે. માન્યું કે અમેરિકા ફરવાનાં સપનાં લઈને જીવનારા કે પછી સ્વિટ્ઝરલૅન્ડનાં ખ્વાબ જોનારાઓનો આપણે ત્યાં તોટો નથી, પણ એવા તમને ભાગ્યે જ જોવા મળશે જે એવું કહે કે આ આખો દેશ મારે જોવો છે. હું એવી જ વ્યક્તિ પૈકીનો એક છું. મને આ દેશ જોવો છે, આખો અને દેશનો ખૂણેખૂણો એમાં આવી જાય એ રીતે.
ભારતની સૌથી શ્રેષ્ઠ વાત જો મને કોઈ લાગતી હોય તો એ જ કે આ દેશની એક પણ જગ્યા એવી નથી કે એનો કોઈ ઇતિહાસ ન હોય, જેની પાસે ગૌરવશાળી ગાથા ન હોય. દરેક સ્થળ, દરેક શહેર, નાનામાં નાનું ગામ. અહીં દરેક જગ્યા પાસે પોતાની કથની છે, પોતાની વાર્તા છે અને પોતાની ઘટનાઓ છે. સૌંદર્ય હોય એમાં કોઈ નવી વાત નથી, મોટી વાત નથી, પણ સૌંદર્ય સાથે ઇતિહાસ હોય એવું સ્થળ ભાગ્યે જ કોઈ દેશના નસીબમાં હોય અને આપણો તો આખો દેશ જ એવો છે જેની રજરજમાં, જેના કણકણમાં ઇતિહાસ નોંધાયેલો છે.

જો તમે કૃષ્ણના જન્મ વિશે જરા પણ અશ્રદ્ધા ધરાવતા હો, જો તમે રામના અસ્તિત્વ વિશે જરા પણ શંકાશીલ હો તો તમારી શંકા આ જ દેશમાં ભસ્મીભૂત થાય છે. તમને રામનાં પગલાંઓ પણ જોવા મળે અને જો તમે શ્રીલંકા સુધી જવા રાજી હો તો તમને અશોકવાટિકા પણ જોવા મળે અને ત્યાં રહેલાં હનુમાનજીનાં પગલાંની છાપનાં દર્શન પણ કરવા મળે. તમે કન્યાકુમારી જાઓ તો તમને ત્યાંના અરબી સમુદ્રમાં રામસેતુનો અંશ પણ પારખવા મળે અને જો તમે અયોધ્યા જઈને જુઓ તો તમને અયોધ્યાનરેશના જન્મની કથનીના પુરાવા પણ મળે. ગોકુળ ગયા હો તો તમને ગોવર્ધન પણ આંખ સામે દેખાય અને મથુરામાં કૃષ્ણજન્મની કથાની સાથોસાથ તમને યમુના નદીમાં આવેલાં પૂર વચ્ચે પણ એ ઇતિહાસ નજરે તરતો દેખાઈ આવે. ભારતીય હોવું એ ગર્વ છે પણ હું એનાથી એક ડગલું આગળ ચાલીને કહીશ કે ભારતમાં જન્મ લેવો અને ભારતમાં જ રહેવું એ ગૌરવપ્રદાન કરતી વાત છે.

આ પણ વાંચો : પરિવાર માટે જીવન ન્યોછાવર કરવાની ક્ષમતા મહિલાઓમાં છે

હું ખુશ છું કે મેં આ રાષ્ટ્રમાં જન્મ લીધો છે, જ્યાં વણજારાઓનો વિકાસ નહીં, પણ ઇતિહાસની અલમસ્ત અને આંખો આંજી દેતી વાતો છે. હું ખુશ છું કે મારો દેશ માત્ર વિકાસ નથી કરતો, પણ વિકાસની સાથોસાથ એ ઇતિહાસની રક્ષા પણ કરવાનું કામ કરે છે. ઉત્તમ અને સર્વોત્તમ રાષ્ટ્ર ભારત છે અને મને ગર્વ છે કે હું ભારતનો એ ઇતિહાસ આજે પણ જોઈ શકું છું, જીવી શકું છું. મારું માત્ર એટલું જ કહેવું છે કે કુછ દિન તો ગુઝારો હિન્દુસ્તાન મેં.

manoj joshi columnists