વારુ ત્યારે આપો જવાબ, આ સમાજ માટે તમે શું કરો છો?

13 October, 2019 03:08 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

વારુ ત્યારે આપો જવાબ, આ સમાજ માટે તમે શું કરો છો?

આ પ્રશ્ન જરા પણ ગેરવાજબી રીતે પુછાયો નથી. બહુ મહત્વનો પ્રશ્ન છે આ. આપણે જીવીએ છીએ, જવાબદારીઓ પૂરી કરીએ છીએ અને આપણે આપણું ઘડતર કરીએ છીએ, પણ આ બધા વચ્ચે ક્યારેય જાતને પૂછ્યું છે ખરું કે આપણે સમાજ માટે, આ સોસાયટી માટે શું કરીએ છીએ?

સમાજ પ્રત્યે આપણી એક જવાબદારી છે અને એ જવાબદારી આપણે પૂરી કરવી જોઈએ એવું દરેક મનુષ્યએ દૃઢપણે માનવું જોઈએ. આ જવાબદારી આપણે પૂરી કરતા હોઈએ છીએ એટલે જ તો આપણે સામાજિક પ્રાણી તરીકે ઓળખાઈએ છીએ, પણ ધારો કે એ જવાબદારી તમે પૂરી ન કરો તો સ્વાભાવિક રીતે આપણામાં એ સામાજિક પ્રાણીના કોઈ ગુણ રહેતા નથી.

એક વખત, માત્ર એક વખત તમે તમારી જાતને આ સવાલ પૂછજો કે તમે આ સમાજ માટે શું કરો છો? માફ કરજો, પણ અંદાજિત આંકડાની નોંધ સાથે કહેવાનું હોય તો કહેવું જોઈએ કે ૯૯ ટકા લોકો સમાજ માટે કંઈ નથી કરતા. આપણે એમ જ માનીએ છીએ કે સમાજ પ્રત્યે આપણું કોઈ ઉત્તરદાયિત્વ નથી. સમાજમાં આપણે છીએ એ સમાજનો અહોભાવ છે, સમાજ ન હોય કે સમાજની ગેરહાજરી હોય તો આપણને કોઈ ફરક નથી પડતો અને એટલે જ તો આપણે આપણા સંકુચિત વર્તુળ વચ્ચે અને વર્તુળ સાથે જ રહીએ છીએ.

દીકરા માટેની જવાબદારી આપણને યાદ છે અને દીકરી પ્રત્યેની જવાબદારીને પણ આપણે ક્યારેય વીસરતા નથી. મા પ્રત્યે જેકોઈ ફરજ છે એ ફરજ પણ આપણે દિમાગમાં કોતરી રાખી છે અને પિતા પ્રત્યેની તમામ જવાબદારી પણ આપણને યાદ છે. ભત્રીજા-ભાણેજ, સાળો-સાઢુભાઈ, કાકા-મામા આ બધા સંબંધો પ્રત્યેની નિષ્ઠામાં પણ આપણે પાછા પગ કરતા નથી, પણ મારું કહેવું એ છે કે આ સંબંધો છે, આ રિશ્તેદારી છે. આ સમાજ નથી, સમાજ પ્રત્યેની સજાગતા, સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ અને સમાજ પ્રત્યેની જવાબદારી નથી. આ બધી તો અંગત જવાબદારી છે અને આ તો કોઈ પશુ કે પ્રાણી પણ પૂરી કરે. આને માટે સામાજિક પ્રાણી નથી કહેવામાં આવ્યાં.

સમાજની જરૂરિયાત, એક અજાણ્યા પરિવારને, વ્યક્તિને, દુખી આત્માને સાચવી લેવાની ભાવનાથી માંડીને સમાજ જ્યાં જીવી રહ્યો છે એ વિસ્તાર, શહેર કે પછી ગામને જેકંઈ આવશ્યકતા છે એ આવશ્યકતાને અંગત રીતે પૂરી કરવાની વાતને જવાબદારીના રૂપમાં સામેલ કરવી જોઈએ. આ જવાબદારી પૂરી કરવામાં આપણે ગાફેલ રહીએ છીએ. આપણે અનાથાશ્રમમાં જતા નથી અને જઈએ છીએ ત્યારે આપણા સ્વજનની પુણ્યતિથિનું પુણ્ય કમાવા જઈએ છીએ. વૃદ્ધાશ્રમ પણ એવા જ પ્રસંગે યાદ આવે છે, કારણ, કારણ, આપણે સ્વાર્થી થઈ ગયા છીએ.

આપણે સામાજિક નહીં, સ્વાર્થી પ્રાણી છીએ. સ્વાર્થ સમયે આપણને બધું યાદ આવે છે અને સ્વાર્થ સરી જાય એ પછી આપણે બધું ભૂલી જઈએ છીએ. ભૂલવું એ ગુનો નથી, પણ ઉપયોગ કરીને ભૂલવું એ માત્ર ગુનો જ નહીં, પાપ પણ છે અને આ પાપ આપણે સૌ કરીએ છીએ, નિયમિત અને અવિરતપણે. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ કે કોઈ જાતની ગણતરી વિના અને કોઈ જાતનો સ્વાર્થ રાખ્યા વિના સમાજ માટે કોઈ કામ કરજો. જો કોઈને માટે તમે કરશો તો કોઈને તમારે માટે કંઈ કરવાનું મન થશે. બાકી એ પણ તમારી જેમ સ્વાર્થી બનીને માત્ર હિસાબને આંખ સામે રાખશે.

manoj joshi columnists