‘મેરા નામ જોકર’ની કારમી નિષ્ફળતાને કારણે રાજ કપૂરનાં વાણી અને વર્તનમાં કડવાશ આવી ગઈ

30 July, 2022 08:17 AM IST  |  Mumbai | Rajani Mehta

‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા પચાવવી રાજ કપૂર માટે મુશ્કેલ હતું. તેઓ પરિવાર, સાથીઓ, ટેક્નિશ્યન્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ દરેકને પોતાના વ્યવહારથી એવો એહસાસ કરાવતા કે ફિલ્મની નિષ્ફળતા માટે તમે પણ એટલા જ જવાબદાર છો.

ફાઇલ તસવીર

પ્રેક્ષકો ‘મેરા નામ જોકર’ની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. ૮ ડિસેમ્બર, ૧૯૭૦ના દિવસે ફિલ્મ રિલીઝ થઈ. પહેલા જ અઠવાડિયામાં પ્રેક્ષકોએ ચુકાદો આપી દીધો, ‘યાર, બહુ બોરિંગ ફિલ્મ છે.’ બીજા ઇન્ટરવલ બાદ અમુક પ્રેક્ષકો થિયેટરની બહાર નીકળવા માંડ્યા. એક મહાન નિર્માતા, નિર્દેશક અને અભિનેતા તરીકે રાજ કપૂરની પ્રતિષ્ઠા ખતમ થઈ ગઈ છે એવો ચુકાદો દુનિયાની અદાલતે આપ્યો.      

જ્યારે અપેક્ષાઓ વધી જાય છે ત્યારે નિરાશાની શક્યતાઓ પણ વધી જાય છે. ‘મેરા નામ જોકર’ની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન વર્ક પૂરું થયા બાદ રાજ  કપૂરે ‘એડિટિંગ’ શરૂ કર્યું. ફિલ્મની શરૂઆત કરી ત્યારે તેમણે એક એવી ફિલ્મની કલ્પના કરી હતી જે હસતાં-રમતાં, હળવાફૂલ અંદાજમાં એક જોકરના જીવનની વાત કરે. એ જોકર જે મસ્તી કરતાં પોતાના જીવનની વ્યથાની રજૂઆત કરે. તેના જીવનનાં દુઃખ-દર્દ અને આંસુ તેના હાસ્યની પાછળ ઢંકાઈ જાય અને એમ છતાં પ્રેક્ષકોને તેની પીડાનો એહસાસ થાય.

ફિલ્મનું એડિટિંગ રાજ કપૂર માટે એક મોટી કસોટી હતી. દિલ પર પથ્થર મૂકીને અનેક મનપસંદ દૃશ્યો પર તેમને કાતર ફેરવવી પડી. ફાઇનલ પ્રિન્ટ જોયા બાદ રાજ કપૂરને એહસાસ થયો કે પાંચ વર્ષ પહેલાં તેમણે જે ફિલ્મની કલ્પના કરી હતી એ આ ફિલ્મ નથી. ડૂબતો માણસ તરણું પકડે એમ   તેમણે ‘મેકઅપ મૅન’ સરોષ મોદીને કહ્યું કે પારસી કૉમેડી નાટકોના કલાકાર અદી મર્ઝબાન સાથે મુલાકાત નક્કી કરે. તે થોડાં કૉમેડી દૃશ્યો લખે જે ફિલ્મમાં ઉમેરી શકાય.

કાશ, એ વિચાર તેમને પહેલાં આવ્યો હોત. હવે ઘણું મોડું થઈ ગયું હતું. આ તબક્કે નવા ‘કૉમેડી સીન’ ઉમેરવા અશક્ય હતું. એ માટે વાર્તામાં ફેરફાર કરવા પડે, નવું શૂટિંગ કરવું પડે; જે કોઈ હિસાબે શક્ય નહોતું.

અનુભવીઓ કહી ગયા છે કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડૂબી ન જવું. ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા પચાવવી રાજ કપૂર જેવી ‘સેન્સિટિવ’ વ્યક્તિ માટે બહુ મુશ્કેલ કામ હતું. તેમનો પરિવાર, સાથીઓ, ટેક્નિશ્યન્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ દરેકને રાજ કપૂર બોલ્યા વિના પોતાના વ્યવહારથી એવો એહસાસ કરાવતા કે ફિલ્મની નિષ્ફળતા માટે તમે પણ એટલા જ જવાબદાર છો.

‘આવારા’ અને ‘બરસાત’થી શરૂ થયેલી ‘બ્લૅક લેબલ’ વ્હિસ્કી સાથેની ચેમ્બુરના કૉટેજની રાજ કપૂરની મહેફિલોની વાત જ કૈંક ઓર હતી. એમાં સંગત સાથે રંગત હતી. એમાં અનેક પ્રકારની રચનાત્મક વાતોની ચર્ચા થતી. નવા પ્રોજેક્ટને રૂપરંગ અપાતાં, ફિલોસૉફી સાથે જીવનની ‘ફયુટિલિટી’ની અનોખા અંદાજમાં ચર્ચા થતી. એ યાદગાર મહેફિલો સમય જતાં પણ લોકોના મનમાં જીવંત રહેતી. લોકો રાહ જોતા કે ક્યારે ફરી વાર એ સાંજ પડે અને એ સિલસિલો શરૂ થાય.

હવે સાંજ આવે એ પહેલાં લોકો કામ પતાવીને ત્યાંથી નીકળવા માંડતા. એનું કારણ એટલું જ કે જે શરાબના સેવનને કારણે રાજ કપૂર ખીલી ઊઠતા, એ જ શરાબના બે ઘૂંટ પેટમાં જતાં રાજ કપૂરનો બળાપો શબ્દો દ્વારા બહાર આવતો. કારમી નિષ્ફળતા, હતાશા અને મજબૂરીનું ‘કૉકટેલ’ એવું ગંદું સ્વરૂપ લેતું જે સામે બેઠેલા વ્યક્તિને પણ ઝપટમાં લઈ લેતું. એટલે રાજ કપૂર આગ્રહ કરે તો પણ લોકો બહાનું બનાવીને ત્યાંથી રવાના થઈ જતા.  

જેમ દિવસો જતા ગયા એમ રાજ કપૂરને સથવારો આપનાર વ્યક્તિઓની સંખ્યા ઘટવા લાગી. એકાંતનું જ્યારે એકલતામાં રૂપાંતર થાય છે ત્યારે ભલભલા મનુષ્ય એનો સામનો નથી કરી શકતા. એકલતા જીવનમાં એક એવો ખાલીપો સરજે છે જે જીરવવો મુશ્કેલ થઈ જાય છે. જ્યારે જાત સાથે જ ઝઘડો હોય ત્યારે બીજું કોણ મદદ કરી શકે? ખાલીપો એ કંઈ કોઈ વસ્તુથી ભરવાની ચીજ નથી, મોટે ભાગે દુનિયામાં એને શરાબથી ભરવાના મિથ્યા પ્રયાસો થાય છે. રાજ કપૂર પણ એ જ ભૂલ કરતા રહ્યા. દિવસો વીત્યા, અઠવાડિયાં પૂરાં થયાં અને મહિનાઓ થયા; પરંતુ રાજ કપૂર નશામાં  પોતાની જાતને, દુનિયાને અને નસીબને કોસતા રહ્યા. એ જોઈ તેમના અંગત મિત્ર અને ફિલ્મ પત્રકાર બની રૂબેને રાજ કપૂર પર એક ‘ઓપન લેટર’ લખ્યો. આ નામ એટલા માટે કે તેમણે આ પત્ર ૩૦ એપ્રિલ, ૧૯૭૧ના ‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’ મૅગેઝિનમાં પબ્લિશ કર્યો હતો. એ પત્રના થોડા અંશ પ્રસ્તુત છે.

‘પ્રિય રાજસાહેબ, મજાની વાત એ છે કે મારા જીવનમાં આજ સુધી મેં આવો ‘ઓપન લેટર’ કોઈને લખ્યો નથી. તમે તો જાણો છો કે જીવનમાં ઘણી વાર એવો સમય આવે કે ન ધારેલું કામ કરવું પડે.  

૧૯૬૧થી ૧૯૭૦ સુધીનો દસકો તમારા જીવનનો યાદગાર સમય છે. રીટાનાં લગ્ન થયાં. તમે દાદા થયા. ડબ્બુ અને ચિન્ટુ તમારે પગલે ફિલ્મોમાં આવ્યા. એક ડિરેક્ટર તરીકે ડબ્બુ ‘કલ, આજ ઔર કલ’માં સારું કામ કરે છે. ‘મેરા નામ જોકર’માં ચિન્ટુના અભિનયની દરેકે પ્રશંસા કરી છે. તમારી ખેતીવાડી કરવાની ઇચ્છા હતી એ માટે તમે પુણે નજીક લોણીમાં મોટું ફાર્મહાઉસ પણ લીધું. 

હકીકત એ છે કે આ ગાળામાં તમે આ દાયકાની મોટામાં મોટી સફળ ફિલ્મ ‘સંગમ’ અને મોટામાં મોટી નિષ્ફળ ફિલ્મ ‘મેરા નામ જોકર’ બનાવી. આ જ તો તમારી ખાસિયત છે. તમે જે કામ હાથમાં લો છો એમાં તમારું સર્વસ્વ હોડમાં મૂકી દો છો. તમારી ફિલ્મો ‘લાર્જર ધૅન લાઇફ’ હોવી જોઈએ એ તમારો મંત્ર છે. એ કારણે જ તમે આવી ફિલ્મો બનાવી શકો.

‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’ના એક લેખમાં મેં લખ્યું હતું કે ‘મેરા નામ જોકર’ એક વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીની ટૉપ ફિલ્મ રહેશે. મને લાગે છે કે એ તમારા પ્રત્યેની વફાદારી હતી, પરંતુ એક પત્રકાર તરીકે હું ઊણો ઊતર્યો. ૧૯૬૪થી ૧૯૭૧ સુધીમાં આ ઇન્ડસ્ટ્રી ઝડપથી બદલાઈ ગઈ. એ ફેરફારની તમને જરાસરખી ભનક ન આવી. એનું કારણ મને લાગે છે કે તમે તમારા કાચના મહેલમાં એવા લોકોથી વીંટળાયેલા હતા જે કેવળ તમારી વાહ-વાહ કરતા હતા. એમાં એક જ્યોતિષી પણ હતો જેણે ફિલ્મની જબરદસ્ત સફળતાની આગાહી કરી હતી.

મને એ વાતની ખાતરી છે કે ફિલ્મને કારણે તમને જે નાણાકીય મુશ્કેલીઓ આવી છે, એમાંથી તમે થોડા સમયમાં બહાર આવી જશો; પરંતુ તમારા ‘પ્રોફેશનલ અને પર્સનલ ઈગો’ને જે ચોટ પહોંચી છે એમાંથી બહાર નીકળવું લગભગ મુશ્કેલ છે. તમારા જીવનના રંગીન સપનાને દર્શકોએ જે રીતે નકાર્યું છે એના જખમ કદાચ ભરાઈ જશે, પરંતુ એની નિશાનીઓ જીવનભર તમારી સાથે બોજ બનીને જીવતી રહેશે. ફિલ્મની રજૂઆત બાદ તમને મળેલો ‘પદ્મભૂષણ’નો અવૉર્ડ પણ આ જખમની પીડા ઓછી કરવામાં વધારે સહાયતા કરે એવું લાગતું નથી.

૧૯૫૧થી આપણે એકમેકને નજીકથી ઓળખીએ છીએ. આજે તમારી સાથે હું ખુલ્લા દિલે વાત કરવા માગું છું કે મારી નજરે ફિલ્મ નિષ્ફળ જવાનાં મુખ્ય કારણો શું છે? તમે કહો છો કે ફિલ્મ પ્રેક્ષકોના દિલ અને દિમાગ સુધી પહોંચી નહીં. એનો અર્થ એવો થયો કે હવે તમારે એવી ફિલ્મો બનાવવી પડશે જે પ્રેક્ષકો જોવા ઇચ્છતા હોય. લોણીના ફાર્મહાઉસમાં બેસીને તમે સતત શરાબની સંગતમાં પીડા ભૂલવાનો પ્રયત્ન કરો છો. એનો અર્થ એ થયો કે તમે હકીકતથી દૂર ભાગો છો. ઇન્ડસ્ટ્રીનાં અનેક મોટાં માથાંઓ સાથે મારે વાત થાય છે. સૌ પોતાની જાતને મહાન માને છે.  દરેક એમ કહે છે, ‘હું સૌથી મોટો ફિલ્મ મેકર છું.’ અને પછી ઉમેરે છે, ‘અલબત્ત, રાજ કપૂર પછી...’

એ લોકો કબૂલ કરે છે કે You are above all. આ પહેલાં પણ તમે નિષ્ફળ ફિલ્મો બનાવ્યા બાદ  સફળતા મેળવી છે. એનું કારણ એટલું કે અભિનેતા તરીકે તમે લોકપ્રિય હતા. તમારી આજુબાજુના જીહજૂરિયાઓ તમને એ વાત નહીં કરે કે એક અભિનેતા તરીકે તમારી ડિમાન્ડ સાવ ઓછી થઈ ગઈ છે. કેવળ આર. કે.ની ફિલ્મોમાં સારો અભિનય કરવો એ પૂરતું નથી. તમારા સમકાલીન દિલીપકુમાર અને દેવ આનંદ આજે પણ લોકપ્રિય છે. તમારા ચહેરા પરની કરચલીઓ અને શરીરની સ્થૂળતા દૂર કરીને ફરી પાછા ‘સ્લિમ–ટ્રિમ’ થવાનો સમય આવી ગયો છે, કારણ કે તમારી કૉમ્પિટિશન કેવળ દિલીપકુમાર અને દેવ આનંદ સાથે નહીં; રાજેન્દ્રકુમાર, ધર્મેન્દ્ર અને મનોજકુમાર સાથે પણ છે. બીજું, તમારે એ ધ્યાન રાખવાનું છે કે આર. કે.ની હવે પછીની ફિલ્મોમાં તમારે એક અભિનેતા તરીકે કેવા રોલ ભજવવાના છે જે નવા ઑડિયન્સને પસંદ આવે.

‘મેરા નામ જોકર’ પછી કઈ ફિલ્મ બનાવવી એ મોટો પ્રશ્ન છે. મારું માનવું છે કે અત્યારે જે પ્રકારની ફિલ્મો લોકપ્રિય છે એમાં થોડા ફેરફાર કરીને ફિલ્મ બનાવવામાં જોખમ છે. ‘જૉની મેરા નામ’ કે પછી ‘આરાધના’ની સફળતાથી પ્રેરાઈને એવા જ પ્રકારની ફિલ્મ બનાવવાની ભૂલ કરવા જેવી નથી.

તમને થશે શા માટે હું આ ‘ઓપન લેટર’ લખી રહ્યો છું? યાદ છે, થોડા સમય પહેલાંની લોણીના ફાર્મહાઉસની એ સાંજ જ્યારે તમારો આક્રોશ સાંભળીને તમારા કહેવાતા મિત્રો ઊભા થઈને ચાલતા થયા હતા. ત્યારે તમારો બળાપો સાંભળવા માટે બે વ્યક્તિઓ જ હાજર હતી, હું અને કૃષ્ણાભાભી. ચિક્કાર નશામાં તમે અમારી સાથે એલફેલ વાતો કરી. એ વાતો જવા દઈએ.

કૃષ્ણાભાભીએ તમને કહેલી એક વાત યાદ અપાવું છું. તેમણે કહ્યું હતું, ‘તમારી પાસે જો કોઈ સાચો મિત્ર હોય તો એક બની રૂબેન છે.’

columnists rajani mehta