મેરા ગાંવ મેરા દેશ: રાજ ખોસલાના દેશમાં જબ્બર સિંહનું ગાંવ

06 March, 2021 12:44 PM IST  |  Mumbai | Raj swami

મેરા ગાંવ મેરા દેશ: રાજ ખોસલાના દેશમાં જબ્બર સિંહનું ગાંવ

ભારતીયોને ઉચ્ચાર આવડતો નહોતો એટલે જે સિકંદર બની ગયો તે ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટ ભારતને જીતવા માટે વાયા અફઘાનિસ્તાન જેલમ નદી પસાર કરીને આવ્યો ત્યારે તેનો સામનો રાજા પુરુ (જેને ગ્રીક લેખકોએ પોરસ બનાવી દીધો) સાથે થયો અને બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ થયું.

હાથી-ઘોડાથી સજ્જ બન્ને સેનાઓ વચ્ચે સાત કલાક લડાઈ ચાલી અને એમાં ઍલેક્ઝાન્ડરની સેનાએ પુરુની સેનાને હરાવી દીધી. પુરુ જખ્મી થયો તોય લડતો રહ્યો. ઍલેક્ઝાન્ડરને માન થઈ ગયું. તેણે પુરુને સહીસલામત તેની સન્મુખ બોલાવ્યો અને પૂછ્યું, ‘પોરસ! બોલ તેરે સાથ ક્યા સલૂક કિયા જાય?’ પુરુએ જવાબ આપેલો, ‘એક રાજા દૂસરે રાજા કે સાથ જૈસા કરે ઐસા!’ ઇતિહાસનાં પ્રસિદ્ધ યુદ્ધો પૈકીના આ યુદ્ધ પરથી પછી તો અનેક નાટકો થયાં, જેમાં હિન્દી નાટકોમાં પેલો સંવાદ મશહૂર થયો.

ડિરેક્ટર રાજ ખોસલા જ્યારે ‘મેરા ગાંવ મેરા દેશ’ (૧૯૭૧) બનાવતા હતા ત્યારે તેમણે ગીતકાર આનંદ બક્ષીને એક દૃશ્ય સમજાવ્યું કે હીરોને ડાકુના અડ્ડા પર બાંધવામાં આવ્યો છે. હિરોઇન તેને બચાવવા માગે છે અને ડાકુની

જોર-જબરદસ્તીનો ભોગ બનેલી વૅમ્પ બન્નેની મદદે આવે છે. બક્ષીએ ઍલેક્ઝાન્ડર-પુરુનો સંવાદ યાદ કરીને લખ્યું, માર દિયા જાએ કે છોડ દિયા જાએ, બોલ તેરે સાથ ક્યા સલૂક કિયા જાએ?

‘મેરા ગાંવ મેરા દેશ’ રિલીઝ થઈ ત્યારે બંદૂકમાંથી ધુમાડા છૂટે એવી ડાકુ જબ્બર સિંહની ધાંયધાંય ભૂમિકામાં વિનોદ ખન્નાએ છાકો તો પાડી જ દીધો હતો, પણ ભારતનાં ગામડે-ગામડે ‘માર દિયા જાએ કે છોડ દિયા જાએ’ ગીત એવું વાગતું હતું. ઘડીવાર જબ્બર પણ ભુલાઈ ગયો. ૬૦ અને ૭૦ના દાયકામાં ‘આઇટમ ગર્લ’ તરીકે ફિલ્મોમાં ડાન્સ કરતી લક્ષ્મી છાયાને ‘મેરા ગાંવ મેરા દેશ’ દેશમાં પહેલી વાર ડાકુ સરદારની જાસૂસ મુન્નીબાઈની થોડી મોટી ભૂમિકા મળી હતી અને તેણે એનો એવો ફાયદો ઉઠાવ્યો કે ફિલ્મની હિરોઇન આશા પારેખ પણ ઝાંખી પડી ગઈ. આ ગીત લક્ષ્મી છાયાનું કરીઅર-બેસ્ટ છે.

આ ગીત હતું પણ પાવરફુલ. હીરો-હિરોઇન દોરડે બંધાયેલાં છે અને સરદારની ખાસ્સમખાસ મુન્નીબાઈ હાથમાં ચાકુ બતાવીને ‘છેલ્લી ઇચ્છા’ પૂછે છે. આશા પારેખના ચહેરા પર ત્યારે બેબસી જોવા જેવી હતી - ‘બેન, મારતી હોય તો મારી નાખને, પણ આમ ઉંદરની જેમ રમાડ નહીં!’ બાકી હોય તેમ છાયાના ભાગે બીજાં બે લાજવાબ ગીતો પણ આવ્યાં હતાં - ‘આયા આયા અટરિયા પે કોઈ ચોર..’ અને ‘હાય શરમાઉં, કિસ કિસ કો બતાઉં અપની પ્રેમ કહાનિયાં..’ આ ત્રણે ગીતોમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલે કર્ણપ્રિય ધૂન અને સંગીત બનાવ્યાં હતાં જે દર્શકોમાં તરત જ લોકપ્રિય થયાં હતાં. આ ત્રણે ગીતોમાં ગામડાંની દેશી સંસ્કૃતિનો સ્પર્શ હતો.

આશા પારેખ તેની આત્મકથા ‘હિટ ગર્લ’માં આ વાતનો એકરાર કરતાં લખે છે, ‘શરૂઆતથી જ મને ખબર હતી કે લક્ષ્મી છાયાની ભૂમિકા હિરોઇન કરતાં દમદાર છે. માર દિયા જાએ...માં તેના ડાન્સ પર દર્શકો તાળીઓ અને સીટીઓ મારતા હતા. એમાં પાછાં તેને ‘આયા આયા અટરિયા પે..’ અને ‘અપની પ્રેમ કહાનિયાં..’ જેવાં ગીતો પણ મળ્યાં હતાં. હિરોઇનને ભાગે તો સુંદર ગુડિયા જ બની રહેવાનું હતું. એમ તો મને જે બે ગીતો મળ્યાં હતાં - સોના લઈ જા રે અને કુછ કહતા હૈ યે સાવન - એટલાં જ લોકપ્રિય હતાં, પણ માર દિયા જાયે જેટલાં તો નહીં જ. ખોસલા સા’બે મને ફાલતુ રોલ આપ્યો હોત તોય મેં કર્યો હોત. તેમની સાથે કામ કરવું લહાવો હતું.’

સાચું. રાજ ખોસલા ‘હટકે’ ડિરેક્ટર હતા. રાજ ખોસલાને સંગીતની અચ્છી સમજ હતી અને ‘મેરા ગાંવ મેરા દેશ’માં એ એનું જમા પાસું હતું. મેં જાણી જોઈને ફિલ્મના સંગીતની વાત પહેલાં કરી અને ‘શોલે’ સાથે એની સરખામણી બાકી રાખી જેથી ખોસલા સા’બને અન્યાય ન થાય. ખોસલાએ ‘મેરા ગાંવ...’નો મુખ્ય પ્લૉટ જૅપનીઝ ડિરેક્ટર અકિરા કુરોસાવાની મશહૂર ફિલ્મ ‘સેવન સમુરાઈ’ (૧૯૫૪)માંથી ઉપાડ્યો હતો જેમાંથી સલીમ-જાવેદે ચાર વર્ષ પછી ‘શોલે’ની વાર્તા ઉપાડી હતી.

૧૯૭૪માં નરેન્દ્ર બેદીએ ફિરોઝ ખાન અને ડૅની ડેન્ઝોન્ગ્પાને લઈને ‘ખોટે સિક્કે’ બનાવી હતી, એ પણ ‘સેવન સમુરાઈ’ અને ‘ધ મૅગ્નિફિસન્ટ સેવન’ પરથી પ્રેરિત હતી. એમાં ફિરોઝ ખાનનું ઘોડેસવારીવાળા ‘હીમૅન’ દિલબરનું જે પાત્ર હતું એ હૉલીવુડ સ્ટાર ક્લિન્ટ ઇસ્ટવુડની બેઠી ઉઠાંતરી હતું.

‘સેવન સમુરાઈ’માં એક ગામનાં ખેતરોમાં લણણીના સમયે લૂંટફાટ કરવા આવતા ડાકુઓનો અત્યાચાર દૂર કરવા માટે ગામલોકો સાત સમુરાઈ (લડવૈયા)ની મદદ લે છે એવી વાર્તા હતી. એના પરથી ૧૯૬૦માં હૉલીવુડમાં ‘ધ મૅગ્નિફિસન્ટ સેવન’ નામથી ફિલ્મ બની હતી. રાજ ખોસલાએ ‘મેરા ગાંવ મેરા દેશ’માં સાત લડવૈયાનો પ્લૉટ સરળ કરી નાખ્યો. એમાં નિવૃત્ત હવાલદાર મેજર જસવંત સિંહ (અમજદખાનનો પિતા જયંત) જેલમાંથી છૂટેલા ચોર અજિત (ધર્મેન્દ્ર)ને ગામને પરેશાન કરતા ડાકુ જબ્બર સિંહ (વિનોદ ખન્ના)ને ઠેકાણે પાડવા માટે ‘નોકરી’માં રાખે છે.

‘શોલે’માં ઠાકુર બે ચોરને લઈને જાય છે ત્યારે ટ્રેન લૂંટનું દૃશ્ય ‘ધ વાઇલ્ડ બંચ,’ ગબ્બર સિંહ ઠાકુરના પરિવારની કત્લેઆમ કરે છે એ દૃશ્ય ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન ધ વેસ્ટ’ અને જય-વીરુ વચ્ચેની મજાક-મસ્તી ‘બુચ કસાડી’ અને ‘ધ સનડાન્સ કિડ’ ફિલ્મમાંથી લીધી હતી. સલીમ-જાવેદે ‘મેરા ગાંવ મેરા દેશ’ની ઘણી બાબતો ‘શોલે’માં લીધી હતી. ફિલ્મમાં મેજરનો એક હાથ નથી એવી રીતે ‘શોલે’માં ઠાકુરના બેય હાથ નથી. એમાં ડાકુને પકડવા એક ચોરને કામે લગાડ્યો હતો, ‘શોલે’માં બે ચોરને રાખવામાં આવ્યા હતા. બન્નેમાં ધર્મેન્દ્ર હતો. જબ્બર સિંહ પરથી જ ગબ્બર સિંહ નામ રાખવામાં આવ્યું હતું. ‘મેરા ગાંવ...’માં જસવંત સિંહ (જયંત)નું કામ કરવું કે નહીં એની અવઢવમાં અજિત (ધર્મેન્દ્ર) સિક્કો ઉછાળીને નિર્ણય કરે છે. ‘શોલે’માં પણ એવો જ સિક્કો હતો.

 ધર્મેન્દ્ર ગામની અલ્લડ છોકરી આશા પારેખના પ્રેમમાં પડે છે, ‘શોલે’માં એ ભૂમિકા હેમા માલિનીએ કરી હતી. લક્ષ્મી છાયાની જેમ ‘શોલે’માં હેલન ગબ્બર માટે ડાન્સ કરે છે. ‘શોલે’માં ગબ્બર જેમ એના ડાકુઓને લાઇનમાં ઊભા રાખીને (‘કિતને આદમી થે?’ની) ઊલટતપાસ કરે છે એવી જ રીતે જબ્બર પણ તેના સાથીઓને લાઇનમાં ઊભા રાખીને રાઇફલમાં બુલેટ ચડાવે છે. ‘મેરા ગાંવ...’માં ધર્મેન્દ્ર સાધુનો વેષ ધારણ કરીને આશા પારેખના ઘરે જાય છે, ‘શોલે’માં તે મંદિરમાં શિવજીની મૂર્તિ પાછળ છુપાઈને હેમાને પટ્ટીમાં પાડે છે.

‘શોલે’નાં કૅન્વસ અને સ્કેલ મોટાં હતાં એટલે ‘મેરા ગાંવ મેરા દેશ’ એમાં ઢંકાઈ ગઈ. એમાં એક હાથ વગરના જયંતનું પાત્ર પ્રમાણમાં દયામણું હતું, જ્યારે ‘શોલે’માં સંજીવકુમારના ઠાકુરમાં ભારોભાર આગ ભરેલી હતી. ‘શોલે’ (આગની જ્વાળા)નું શીર્ષક જ ઠાકુરની બદલાની ભાવના પરથી હતું. વિજય ભટ્ટની પહેલી ગુજરાતી ફિલ્મ ‘સંસાર લીલા’માં જયંત નામથી કારકિર્દી શરૂ કરનાર ઝકરિયા ખાનનું ‘શોલે’માં સિનેમાનો ઇતિહાસ રચનાર તેના મોટા દીકરા અમજદ ખાનના ગબ્બરને જોયા વગર ફિલ્મ રિલીઝ થયાના બે મહિના પહેલાં જ અવસાન થયું હતું. 

‘શોલે’ને ટક્કર આપે એવી એક જ બાબત ‘મેરા ગાંવ મેરા દેશ’માં હતી અને એ વિનોદ ખન્નાનો જબ્બર સિહ. ‘શોલે’ના ગબ્બર સિંહમાં શહેરના એક પ્રોફેશનલ ક્રિમિનલની ઠંડી ક્રૂરતા હતી, જ્યારે જબ્બર સિંહમાં ચંબલના ડાકુની મગજમાં વાગે એવી આક્રમકતા હતી. ડાકુ કેવા હોય એની એ વખતે સ્પષ્ટ સમજ હતી. ‘મુઝે જીને દો’માં સુનીલ દત્ત હોય કે ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં પ્રાણ હોય; ડાકુઓ હંમેશાં ઊંચા, પહાડી અને દમદાર અવાજવાળા હતા. ઇન ફૅક્ટ, ‘શોલે’ના શૂટિંગ દરમિયાન જ રમેશ સિપ્પીને ચિંતા થઈ હતી કે ડાકુના અવાજ માટે અમજદ ખાનનો અવાજ ‘પાતળો’ પડશે. તે અમજદને બદલવા માગતા હતા, પણ સલીમ-જાવેદના આગ્રહથી ભૂમિકા ચાલુ રાખી.

વિનોદ ખન્નાનો જબ્બર બીક લાગે તેવો હતો. ધર્મેન્દ પંજાબી હતો પણ વિનોદ સામે ઝંખવાઈ ગયો હતો. વિનોદ હૅન્ડસમ હતો પણ ‘મેરા ગાંવ...’માં તે એટલી જ સરળતાથી આતંક ઊભો કરતો હતો જેટલી સરળતાથી તે સ્ત્રીઓમાં આકર્ષણ પેદા કરતો હતો. ‘મેરા ગાંવ...’કદાચ પહેલી ફિલ્મ હતી જ્યાં લોકો નાયકને નહીં, ખલનાયકને જોવા આવતા હતા. અમજદના સંવાદો પર તો ચાર વર્ષ પછી તાળીઓ પડી અને સીટીઓ વાગી, પણ ભૂરા રંગનો સાફો અને અડધી બાંયનું કાળું પહેરણ પહેરેલો વિનોદ ખન્ના જ્યારે બોલતો કે ‘જબ્બર સિંહને સિર્ફ દો બાતે સિખી હૈ... એક, મૌકે કા ફાયદા ઉઠાના... ઔર અપને દુશ્મન કા નામોનિશાન મિટા દેના’ ત્યારે થિયેટરોમાં ચિચિયારીઓ પડતી હતી.

જબ્બર સિંહ વિનોદ ખન્નાની કલગીમાં પીંછા સમાન હતો. એક ઇન્ટરવ્યુમાં વિનોદે કહ્યું હતું, ‘ખોસલા સાહેબે મને પાત્ર સમજાવ્યું હતું અને તેની ચાલવાની ઢબ, આંખની હલચલ અને ઉત્તર ભારતીય ઉચ્ચારોનો અભ્યાસ કરવા પૂરતો સમય આપ્યો હતો. મેં મારું શ્રેષ્ઠ તો આપ્યું હતું, પણ મને લાગે છે કે ખોસલા સાહેબે તેમના કૅમેરા ઍન્ગલ અને ક્લોઝ-અપ શૉટ્સમાં મને ખૂંખાર રીતે પેશ કર્યો હતો.’

રાજ ખોસલાએ અજમેરના સૌથી જૂના થિયેટર મૅજેસ્ટિક ટૉકીઝમાં દર્શકો વચ્ચે બેસીને ‘મેરા ગાંવ...’જોઈ હતી. પાછળથી તેમણે કહ્યું હતું કે લોકો જે રીતે ફિલ્મને વધાવતા હતા એવું તેમણે જિંદગીમાં ક્યારેય જોયું નહોતું. મઝાની વાત એ છે કે રમેશ સિપ્પીએ પણ આ જ થિયેટરમાં બેસીને ‘શોલે’ જોઈ હતી. તેમને ત્યાં એક ચાહક મળ્યો હતો જેણે ત્યાં સુધીમાં ૬૨ વખત ‘શોલે’ જોઈ હતી! ખુશ થઈ ગયેલા સિપ્પીએ બાકીના દિવસો માટે ‘શોલે’ને મેજેસ્ટિક ટૉકીઝમાં નિઃશુલ્ક સ્પૉન્સર કરી હતી.

columnists raj swami