કૉલમ : પુરુષોએ કેમ પહેરવાં જોઈએ બનિયાન?

06 May, 2019 10:16 AM IST  | 

કૉલમ : પુરુષોએ કેમ પહેરવાં જોઈએ બનિયાન?

પ્રતીકાત્મક તસવીર

મૅન્સ વર્લ્ડ

અત્યાર સુધી પુરુષોનાં ટ્રાઉઝર, શર્ટ અને ઍક્સેસરીઝની ડિઝાઇન પર જ ફોકસ રાખવામાં આવતું હતું. હવે પરસેવો શોષી લેતાં અને સ્ટેનથી બચાવતાં આંતરવસ્ત્રોની ડિઝાઇન પર રિસર્ચ કરી ઇનોવેટિવ આઇડિયાઝ શોધી કાઢવામાં આવ્યા છે. તાજેતરમાં બૉલીવુડ અભિનેતા વરુણ ધવનના હાથે એક નામાંકિત કંપનીએ સુગંધિત ઇનર વેસ્ટ (બનિયાન) લૉન્ચ કયાર઼્ છે. કંપનીનો દાવો છે કે અનેક વાર ધોયા પછી પણ આ ઇનર વેસ્ટમાંથી પર્ફ્યુમની સુગંધ આવતી રહેશે. જો આ દાવો ખરેખર સાચો હોય તો પુરુષોના અન્ડરગાર્મેન્ટ્સની દુનિયામાં અવનવાં ગતકડાં જોવા મળશે એ દિવસો દૂર નથી. પુરુષોએ શા માટે બનિયાન પહેરવાં જોઈએ? ખાસ કરીને ઉનાળાની સીઝનમાં બનિયાન પહેરવાના ફાયદા વિશે વાત કરીએ.

સમર સીઝનમાં મહિલાઓ સ્લીવલેસ અથવા ઢીલાં વસ્ત્રો કે ક્રોપ ટૉપ પહેરીને રિલૅક્સ ફીલ કરે છે, પણ પુરુષો પાસે આવા ઑપ્શન હોતા નથી. તેમને દરરોજની જેમ શર્ટ જ પહેરવાનાં હોય છે. મુંબઈની લોકલ ટ્રેનના ધક્કા ખાઈ ઑફિસ પહોંચતાં સુધીમાં તો શરીરમાંથી પરસેવાની વાસ આવવા લાગે છે અને શર્ટ પર સ્ટેન જોવા મળે છે. ઘણા પુરુષો એવું વિચારતા હોય છે કે ડીઓડરન્ટ વાપરવાથી સુગંધ આવે છે એટલે ઇનર વેસ્ટની આવશ્યકતા નથી. તેઓ ઑફિસમાં જતી વખતે અથવા દિવસમાં બે-ત્રણ વાર ડીઓડરન્ટ છાંટી લેતા હોય છે, પરંતુ આ અસરકારક ઉપાય નથી. વારંવાર ડીઓડરન્ટ વાપરવાથી પણ ઍલર્જી થઈ શકે છે. બીજું પરસેવાવાળા શર્ટ પર ડીઓડરન્ટ અથવા પફ્યુર્મ છાંટવાથી સ્ટેન વધુ દેખાય છે. કામકાજના સ્થળે આવી ક્ષોભજનક પરિસ્થિતિમાં ન મુકાવું હોય તો બનિયાન પહેરવાનું રાખવું જોઈએ.

આ સીઝનમાં હાઇજિનની દૃષ્ટિએ પણ બનિયાન બેસ્ટ કહેવાય. ઇનર વેસ્ટ બૉડી પર ચુસ્તપણે પહેરવામાં આવતું વસ્ત્ર છે તેથી શર્ટ પર પરસેવાના ડાઘ-ધબ્બા પડતા નથી. એમાં ઘણા રંગ આવે છે, પણ આ સીઝનમાં શર્ટની અંદર પહેરવા માટે શક્ય હોય ત્યાં સુધી વાઇટ કલર જ પસંદ કરવો જોઈએ. આ કલર કોઈ પણ રંગના શર્ટ સાથે મૅચ થઈ જાય છે. સફેદ કલર પહેરવાનાં સાયન્ટિફિક કારણો પણ છે. ઉનાળામાં તમે ગમે એટલું ઍરકન્ડિશન્ડમાં રહો, પણ ટ્રાવેલિંગ દરમ્યાન અને કામકાજ માટે બહાર નીકળો ત્યારે ગરમી તો લાગવાની જ. પરસેવાના કારણે ઇચિંગ પ્રૉબ્લેમ એ સામાન્ય સમસ્યા છે. વાઇટ કલરનાં કૉટન અથવા હોઝિયરી ફૅબ્રિકનાં બનિયાન પહેરવાથી બૉડી પર રેશિઝ થતા નથી. ઇનર વેસ્ટ શરીર પર વળતો પરસેવો શોષી કૂલ ફીલિંગ આપે છે.

આ સીઝનમાં અમુક પ્રકારના મટીરિયલની ઍલર્જી થવાની શક્યતા પણ વધી જાય છે. જો બનિયાન ન પહેર્યું હોય તો શર્ટની ડિઝાઇન અને રફનેસના લીધે ખંજવાળ આવે. ઘણી વાર સ્કિન પર લાલ ચકામાં જોવા મળે અને જખમ પણ થઈ જાય. ઇનર વેસ્ટ તમને સ્કિન ઍલર્જીથી સુરક્ષિત રાખવાનું કામ કરશે. જો ઍલર્જી થઈ હશે તો પણ બનિયાનના કારણે ત્વચા પર વધુ ઘસારો લાગશે નહીં. સૌથી મજાની વાત એ છે કે ઇનર વેસ્ટ પહેરવાથી છાતીના વાળ દેખાતા નથી. જે પુરુષોને ટ્રાન્સપરન્ટ્ શર્ટ પહેરવાનો શોખ હોય તેમણે ઇનર વેસ્ટની પસંદગીમાં કલરની ચૉઇસ પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો : ઉનાળા માટે તમે વૉર્ડરોબને અપડેટ કર્યું છે કે નહીં?

ઇનર વેસ્ટ હવે માત્ર હાઇજિનને ધ્યાનમાં રાખીને પહેરાય એવું આંતરવસ્ત્ર નથી રહ્યું. બૉડી બતાવવાના શોખીન પુરુષો માટે તો એ સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. ઉનાળામાં માત્ર બનિયાન પહેરીને નીકળવું ફૅશન ટ્રેન્ડ છે. સેલિબ્રિટીઝથી પ્રભાવિત યંગસ્ટર્સમાં રાઉન્ડ અને અંગ્રેજી અક્ષર ટી આકારનાં કલરફુલ બનિયાન પૉપ્યુલર છે. જિમમાં જતાં અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા પુરુષોમાં ઇનર વેસ્ટ પહેરીને નીકળવાનો ક્રેઝ વધ્યો છે. આજકાલ તો લગભગ તમામ વયના પુરુષો શૉર્ટ્સ સાથે ઇનર વેસ્ટ પહેરીને બહાર નીકળતા થયા છે. જીન્સ અથવા ટ્રાઉઝર સાથે બૉડી ફિટ ઇનર વેસ્ટ ડૅશિંગ અને સ્ટાઇલિસ્ટ લુક આપે છે. આ સિવાય બીચ અને પિકનિક પર પણ કલરફુલ ઇનર વેસ્ટ પહેરવાનો ટ્રેન્ડ છે. જોકે, મધ્યમ વયના અને ફાંદ ધરાવતા પુરુષોએ આવી ફૅશનનું અનુકરણ કરવાનું ટાળવું જોઈએ. આવા પુરુષોએ હાઇજીનને પ્રાધાન્ય આપવાની ભલામણ છે.

columnists