તમારું બ્લડપ્રેશર લોનના હપ્તાએ વધારી દીધું છે?

17 June, 2019 11:32 AM IST  |  | વર્ષા ચિતલિયા - મૅન્સ વર્લ્ડ

તમારું બ્લડપ્રેશર લોનના હપ્તાએ વધારી દીધું છે?

પ્રતીકાત્મક તસવીર

મૅન્સ વર્લ્ડ

હેલો સર, હું ફલાણી બૅન્કમાંથી બોલું છું, શું તમને પર્સનલ લોન જોઈએ છે? અમે સસ્તા દરે હાઉસિંગ લોન આપીએ છીએ, ઝીરો ટકા વ્યાજમાં ખરીદો તમારી મનપસંદ કાર, છેલ્લાં ઘણાં વર્ષથી આ પ્રકારના ફોનકૉલ્સ લગભગ દરેક વ્યક્તિએ રિસીવ કર્યા હશે. લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલની ચાહમાં આવી લોભામણી ઑફરોથી અંજાઈને આપણે દેવું કરી બેસીએ છીએ. અને પછી લાંબા સમય સુધી ચાલતા હપ્તા એટલે કે ઇએમઆઇ (ઇક્વટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ) નામના વમળમાં ફસાઈને સ્ટ્રેસનો ભોગ બનીએ છીએ.

મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે યંગ કપલમાં જોવા મળતા સ્ટ્રેસમાં ડેબ્ટનો રોલ અવગણવા જેવો નથી. પગારનો મોટો હિસ્સો લોન ચૂકવવામાં વપરાઈ જતાં તેઓ જીવનની મજા માણી શકતા નથી. અમેરિકન સાઇકોલોજિકલ રિસર્ચના સર્વેનુસાર યુએસમાં ૭૨ ટકા લોકો દેવું ન ચૂકવી શકવાના કારણે સ્ટ્રેસનો ભોગ બને છે, જેમાંથી બાવીસ ટકાએ એક્સટ્રિમ સ્ટ્રેસનો અનુભવ કર્યો હતો. આ સર્વેમાં એજ્યુકેશન લોન લેનારા યંગસ્ટર્સને પણ આવરી લેવામાં આવ્યા હતા. ગયા વર્ષના ઇકૉનૉમિકલ આંકડા અનુસાર ભારતમાં હાઉસિંગ લોનમાં ૮૦ ટકાનો વધારો થયો છે. આપણે ત્યાં પણ આ સંખ્યા ઝડપથી વધી રહી છે. આપણા દેશમાં પુરુષોને બ્રેડ વિનર તરીકે જોવામાં આવે છે ત્યારે તેમને જ પૂછીએ કે લોનના સ્ટ્રેસને તેઓ કઈ રીતે હૅન્ડલ કરે છે.

મુંબઈ જેવા શહેરમાં પોતાનાં સપનાં પૂરાં કરવા હોય તો લોનનું ટેન્શન તો લેવું જ પડે એવો મત વ્યક્ત કરતાં દાદરના બિઝનેસમૅન વિમલ સંઘવી કહે છે, ‘દર મહિનાની દસ તારીખે લોનના હપ્તાની ચિંતા રહે એ વાત સો ટકા સાચી, પણ મારું માનવું છે કે મુંબઈમાં જગ્યાના ભાવ કરોડોમાં બોલાય છે ત્યાં તમારી પાસે બીજો વિકલ્પ બચતો નથી. અમે ચાલી સિસ્ટમ જેવી જગ્યામાં સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. પાંચેક વર્ષ પહેલાં વિચાર આવ્યો કે હવે ફ્લૅટમાં રહેવા જવું જોઈએ. હાઉસિંગ લોનની સહાયથી ફ્લૅટ લઈ તો લીધો, પરંતુ પરિવારથી જુદા થવાની ઇચ્છા નહોતી તેથી ત્યાં રહેવા જવાનું માંડી વાળ્યું. શરૂઆતમાં બૅન્કના હપ્તા ચૂકવવાની ચિંતા થતી હતી, પણ હવે ફ્લેટ ભાડે આપી દીધો છે. ભાડાંની આવકમાંથી લોનનો હપ્તો ભરાઈ જાય છે તેથી વધુ સ્ટ્રેસ પડતો નથી. બૅન્ક લોનની સહાયથી હવે પ્રૉપર્ટી ખરીદવી ઇઝી થઈ ગઈ છે. પુરુષો આવું રિસ્ક લેતી વખતે ભવિષ્યનું પ્લાનિંગ પણ કરતા જ હોય ને. ઘર ઉપરાંત મારી હંમેશાંથી બુલેટ લેવાની ઇચ્છા હતી. હાઉસિંગ લોનનું સ્ટ્રેસ ઓછું થતાં મોંઘા ભાવની બાઇક પણ લોનથી લઈ લીધી છે. મારું માનવું છે કે માથા પર લોન ભરવાનું ટેન્શન હોય તો પુરુષોનું ધંધામાં ધ્યાન વધે અને તેમને વધુ કમાવાની ઇચ્છા થાય. બૅન્કનો હપ્તો ચૂકી ન શકાય એટલે હરવા-ફરવા પર કાપ મૂકવો પડ્યો હોય એવું એકાદ વાર બન્યું છે ખરું, પરંતુ મનગમતાં સપનાં અને શોખ પૂરાં કરવા હોય તો આટલી તૈયારી રાખવી પડે.’

મુંબઈમાં ઘર બનાવવા લેવી પડતી લોનના કારણે પુરુષોનું સ્ટ્રેસ વધ્યું છે એવો અભિપ્રાય આપતાં કાંદિવલીના દિવેશ વળિયા કહે છે, ‘સ્ત્રી હોય કે પુરુષ, બન્નેનં એક સ્વપ્ન હોય છે કે અમારું પોતાનું ઘર હોય. આ સાથે સંતાનો અને વડીલોની સુવિધા માટે પણ ટૂંકી આવક હોવા છતાં ઘર બનાવવું અનિવાર્ય હોય છે. લોનના હપ્તા પંદર-વીસ વર્ષ ચાલે ત્યાં સુધીમાં જિંદગીનાં અમૂલ્ય વર્ષો પૂરાં થઈ જશે એ જાણવા છતાં આ સ્ટ્રેસ લેવું પડે છે. ઘણી વાર લોનના હપ્તા ભરવા માટે પુરુષે પરાણે એ જ નોકરીએ વળગીને રહેવું પડે છે. ટાર્ગેટ પૂરા કરવા ઑફિસમાં સિનિયરનું પ્રેશર વધતું જાય અને ઓવરટાઇમ કરવાનો વારો આવે તો પણ જૉબ છોડી ન શકે, કારણ કે માથા પર ઇએમઆઇની તલવાર લટકતી હોય. આખો દિવસ પૈસાની અછતના વિચારમાં રહો એટલે તબિયત પર અસર થાય. માથા પરથી હાઉસિંગ લોનનું ટેન્શન ઊતરે એ પહેલાં તો સંતાનો મોટાં થઈ ગયા હોય એટલે તેમના એજ્યુકેશન માટે બીજી લોનનો બોજો વેઠવો પડે છે. આવી પરિસ્થિતિ લગભગ બધાની છે. મોંઘવારી અને મેટ્રોસિટીની લાઇફસ્ટાઇલના લીધે પુરુષની આખી જિંદગી લોનના હપ્તા ચૂકવવામાં જ પૂરી થઈ જાય છે. અમારી પેઢીએ તો માત્ર સુવિધા માટે આ ભાર ઉપાડ્યો છે, પરંતુ હું જોઉં છું કે આજની જનરેશન દેખાદેખીમાં અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ માટે લોન લેતી થઈ છે, જે યોગ્ય નથી.’

આધુનિક લાઇફસ્ટાઇલ અને સંતાનોની ડિમાન્ડને પહોંચી વળવા બૅન્કના હપ્તા ભરવા સિવાયનો ઑપ્શન નથી બચતો એવો જવાબ આપતાં ઘાટકોપરના બિઝનેસમૅન પરેશ વેદ કહે છે, ઇએમઆઇનું સ્ટ્રેસ તો રહે જ છે અને એની હેલ્થ પર પણ અસર દેખાય છે એ વાત સાચી છે. પુરુષ ગમે એટલું વિચારે કે આ છેલ્લો હપ્તો ચૂકવાઈ જાય પછી ફરી ટેન્શન નથી લેવું, પણ એને અમલમાં મૂકી શકતો નથી. કંઈક ને કંઈક ખર્ચા આવીને ઊભા જ રહે છે. અત્યારે એજ્યુકેશન લોન કમ્પલ્સરી થઈ ગઈ છે. દોઢ-બે લાખથી નીચે કોઈ કોચિંગ ક્લાસિસ નથી. આ ઉપરાંત લોન લીધા વગર ક્લબ કલ્ચરમાં જીવતાં સંતાનોની ડિમાન્ડને પહોંચી વળવું મુશ્કેલ છે. ગયા વર્ષે મારી દીકરી એસએસસીમાં ૮૮ ટકા માર્ક્સ લાવી હતી. એણે પહેલેથી ડિમાન્ડ કરી હતી કે સારા માર્ક્સ આવે તો ઍપલનો મોબાઇલ લાવી દેવાનો. દીકરીની ઇચ્છા પૂરી કરવા એક લાખનો મોબાઇલ ઇએમઆઇથી લીધો હતો જેનો છેલ્લો હપ્તો આ મહિને જ ગયો. હજી આ પત્યું નથી ત્યાં નાની દીકરીએ પણ સેમ ટુ સેમ ડિમાન્ડ કરી છે. દરેક સુખ-સગવડ સ્ટ્રેસ લઈને જ આવે છે, પરંતુ એને હેન્ડલ કઈ રીતે કરવું એ વ્યક્તિગત દૃષ્ટિકોણ છે. મને લાગે છે કે આ બાબતમાં હું નસીબદાર છું. મારી દીકરીઓની ડિમાન્ડ પૂરી કરવામાં મને ક્યારેય તકલીફ પડી નથી અને એ લોકોના આશીર્વાદથી કોઈ ઇએમઆઇ મિસ થયો નથી.’

મુંબઈ જેવા શહેરમાં પ્રૉપર્ટી બનાવવી હોય કે મનગમતા શોખ પૂરા કરવા હોય તો લોનનું ટેન્શન લેવું જ પડે. માથા પર લોનના હપ્તા ભરવાની જવાબદારી હોય તો પુરુષોનું ધંધામાં ધ્યાન વધે છે અને એ વધુ કમાવાના પ્રયાસો કરે છે. - વિમલ સંઘવી, દાદર

લોનના હપ્તા ચૂકવવામાં પુરુષનાં જીવનનાં અમૂલ્ય વર્ષો વેડફાઈ જાય છે એ વાત જાણ્યા છતાં સંતાનો અને વડીલોની સુવિધા માટે લોનનો ભાર ઉઠાવવો પડે છે. ઘણી વાર ઇચ્છા ન હોય તો પણ માથા પર ઇએમઆઇની તલવાર લટકતી હોય તેથી નોકરીમાં બંધાઈને રહેવું પડે છે. - દિવેશ વળિયા, કાંદિવલી

એજ્યુકેશનના ખર્ચને પહોંચી વળવા લોન સિવાય કોઈ ઑપ્શન બચતો નથી. એ જ રીતે ક્લબ કલ્ચરમાં જીવતી આજની જનરેશનની જાત જાતની ડિમાન્ડ પૂરી કરવા પપ્પાએ ઇએમઆઇનું સ્ટ્રેસ હૅન્ડલ કર્યા વગર છૂટકો નથી. - પરેશ વેદ, ઘાટકોપર

નિષ્ણાત શું કહે છે?

કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી, પરંતુ પૈસા વગર સુખસાહ્યબી મળતી નથી એ પણ એટલું જ સાચું છે એવો જવાબ આપતાં કાદિવલીનાં કાઉન્સેલર ઍન્ડ સાઇકોથેરપિસ્ટ સ્નેહા પટેલ કહે છે, ‘અત્યારના માહોલમાં હાથમાં પૈસા ન હોય તો તમારી સામે ચૉઇસિસ ઘટી જાય છે. આધુનિક લાઇફસ્ટાઇલ સાથે મૅચ કરવા લોકો લોનનો સહારો લેવા લાગ્યા છે. વાસ્તવમાં આ વાત વ્યક્તિના ઇમોશન્સ અને સામાજિક રુતબા સાથે જોડાયેલી છે. વર્તમાન સમયમાં પૈસા હશે તો બધું થઈ જશે એવું વિચારનારા યંગ એડલ્ટ ઇકૉનૉમિકલ સ્ટ્રગલનો વધુ સામનો કરી રહ્યા છે.’

આ પણ વાંચો : એક પુરુષ જ્યારે બીજા પુરુષની પજવણીનું કારણ બને

બધી જ વસ્તુ તમે લોન પર લેવા માંડો તો સ્ટ્રેસ આવવાનો જ એમ જણાવતા તેઓ આગળ કહે છે, ‘દેવું અને ચિંતા બે જોડિયા ભાઈઓ છે. પૈસા કમાવા પુરુષ બધી બાજુથી મહેનત કરીને થાકી જાય છે તેમ છતાં ઘણી વાર ડેબ્ટને હૅન્ડલ કરી શકતો નથી. ઇએમઆઇ ભરવાનું ટેન્શન કાયમ રહે છે. ટેન્શન આત્મવિશ્વાસમાં ઘટાડો કરે છે. મેં એવા કેસ જોયાં છે જેમાં ક્રેડિટ કાર્ડનું બિલ જોઈને પણ પુરુષોનું બીપી વધી જતું હોય છે. સ્ટ્રેસ વધે એટલે રાતના ઊંઘ ન આવે, ઊંઘ બરાબર ન થાય એટલે કામમાં ફોકસ ન રહે. સરવાળે પ્રોડક્ટિવિટી પર અસર કરે. હાઇપરટેન્શન, ડાયાબિટીઝ જેવા રોગનો શિકાર બનો. એક કેસમાં પુરુષને હંમેશાં ડર સતાવતો હતો કે જો લોનનો હપ્તો ચૂકી જઈશ તો મારો પરિવાર બેઘર થઈ જશે. તેઓ એક પ્રકારના ભયથી પીડાય છે. સ્ટ્રેસ અને ભય બન્ને સાથે થાય ત્યારે હૅન્ડલ કરવું મુશ્કેલ બને છે. હાથે કરીને આવી પરિસ્થિતિ ઊભી ન થાય એ સૌથી બેસ્ટ કહેવાય. દરેક વ્યક્તિએ લોન લેતાં પહેલાં પોતાની અને પરિવારની પ્રાથમિકતા અને જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ. સ્ટ્રેસને હળવું કરવા રાતે પૂરતી ઊં લેવી જોઈએ. મેડિટેશન તેમ જ એક્સરસાઇઝને તમારી લાઇફસ્ટાઇલ બનાવો. ડેબ્ટના ઇન્સ્ટોલમેન્ટ અંગે ઘરના સભ્યો સાથે વાત કરવાથી ઘણી વાર રસ્તો નીકળે છે. આ બાબત ફૅમિલી કમ્યુનિકેશન પણ એટલું જ જરૂરી છે.’

Varsha Chitaliya columnists