ઘરની નોકરાણી સાથે પુરુષો પંગો લઈ શકે?

01 July, 2019 12:52 PM IST  |  મુંબઈ ડેસ્ક | વર્ષા ચિતલિયા - મૅન્સ વર્લ્ડ

ઘરની નોકરાણી સાથે પુરુષો પંગો લઈ શકે?

પ્રતીકાત્મક તસવીર

કબીર સિંહ મૂવીમાં નોકરાણીના હાથે કાચનો ગ્લાસ ફૂટી જતાં ગુસ્સામાં તેને મારવા દોડનારો શાહિદ કપૂર પણ રિયલ લાઇફમાં આવી હિંમત દાખવી ન શકે એવું તેણે એક ટીવી-શોમાં કબૂલ્યું છે. કામવાળી બાઈ સાથે ભીડવું એટલે પત્નીને નારાજ કરવી એવું લગભગ બધા જ પુરુષો અંદરખાને માનતા હોય છે ત્યારે તેમના જીવનમાં બનેલી આવી ખાટી-મીઠી વાતોને માણીએ...

તાજેતરમાં રજૂ થયેલી ‘કબીર સિંહ’ ફિલ્મના એક દૃશ્યમાં ઘરની નોકરાણીના હાથે કાચનો ગ્લાસ ફૂટતાં શાહિદ કપૂર ગુસ્સામાં તેને મારવા દોડે છે. આ સીન જોઈને થિયેટરમાં પ્રેક્ષકો ખૂબ હસે છે, પરંતુ શું રિયલ લાઇફમાં આવી રીતે નોકરાણી પર ગુસ્સો ઉતારી શકાય? આવો જ પ્રશ્ન એક ચૅટ-શોમાં શાહિદને પૂછવામાં આવતાં તેણે મજેદાર જવાબ આપતાં કહ્યું, ‘રિયલ લાઇફમાં નોકરાણી પર ગુસ્સો કરવો તો દૂર રહ્યો, ગ્લાસ ફૂટ્યા બાદ કાચ પણ આપણે જાતે ઉપાડવા પડે.’ સાવ સાચી વાત. અનુભવી પતિદેવોનું કહેવું છે કે નોકરાણી સાથે પંગો લેવો એટલે વાઇફને નારાજ કરવી. કામવાળી બાઈ કે નોકરાણી પર ગુસ્સો કરવાની હિંમત દુનિયાનો કદાચ કોઈ પુરુષ દાખવી ન શકે. ચાલો ત્યારે કેટલાક પુરુષોની લાઇફમાં બનેલા આવા રમૂજી કિસ્સાઓ તેમ જ આવી ઘટના બાદ પત્નીના રીઍક્શન વિશેની ખાટી-મીઠી વાતોનો આનંદ લઈએ.

ઘરઘાટી પાછળ દોડવાનો અખતરો કરો તો પોતે ઘાટી બનવું પડે - શ્રીપાલ સંઘવી, દાદર

શાહિદ કપૂર કુંવારો હતો એટલે દોડ્યો એવું નથી, એ ફિલ્મ હતી એટલે દોડ્યો હતો એવો મત વ્યક્ત કરતાં દાદરના બિઝનેસમૅન શ્રીપાલ સંઘવી કહે છે, ‘પરણેલો હોય કે બૅચલર, કોઈ પણ પુરુષ ઘરઘાટી પાછળ દોડવાનો અખતરો ન કરી શકે. હા, પરણેલા માટે આવો અખતરો વધુ જોખમી છે, કારણ કે જો આવું કરવા જાય અને ઘાટી ભાગી જાય તો વાઇફ માટે પોતે ઘાટી બનવાનો વારો આવે. શાહિદે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારા ઘરમાં નોકર-ચાકર છે એ મારી વાઇફ પિયરથી લઈને આવી છે અને વાઇફનાં પિયરિયાંને કંઈ ન કહેવાય. અમારા ઘરમાં તો છાશવારે કાચનાં વાસણ તૂટે છે. જો તેને કહો તો ઘરમાં બીજાં વાસણ ખખડવા માંડે. ઘરઘાટીને લઈને ઘણા ઇશ્યુઝ છે. તમે બે-ચાર દિવસ ઑફિસ ન જાઓ તો તમારો પગાર કપાઈ જાય, પણ તેનો પગાર ન કાપી શકો. ધંધાની સીઝનમાં તમારી દુકાનના માણસને કહો કે રાતે મોડે સુધી બેસવું પડશે તો તે ના નહીં પાડે, પરંતુ ઘાટીના મામલામાં ઊલટું છે. હું બપોરે ઘરે જમવા જાઉં છું, જો મોડું થઈ જાય તો મારી વાઇફ મીનલનો ફોન આવે કે ઘાટી ચાલ્યો જશે. એક વાર તે પોતાં મારતો હતો અને હું ચાલીને જતો રહ્યો. કામની વચ્ચે અવર-જવર કરવા બદલ મારી ભૂલ થઈ ગઈ એવું મારે કહેવું પડ્યું, બોલો. બીજું એ લોકોનાં યુનિયન પણ છે એથી જોશમાં આવીને કોઈ પણ પગલું ભરો તો મુસીબતમાં મુકાઈ જાઓ.’

અમારા ઘરમાં શાહિદ કપૂર જેવો રોલ મારો હોય છે - ભાવના જોશી, કાંદિવલી

‘કબીર સિંહ’ મૂવી અમે લોકોએ હજી સુધી જોઈ નથી, પણ કામવાળા પર ગુસ્સો કરવાની વાત પૂછો છો તો હું કહીશ કે આ બાબતમાં મારા હસબન્ડ ભાવેશ બહુ શાંત છે એમ જણાવતાં કાંદિવલીનાં ભાવના જોશી કહે છે, ‘મારા ઘરમાં તો હું પોતે જ કામવાળીનો ઊધડો લઈ નાખું. ગૃહિણીઓને સમયસર કામ જોઈએ, કારણ કે તેમને બપોરે આરામ કરવાનો હોય. કામવાળાની એક ટેવને લીધે મને ગુસ્સો આવી જાય. ૧૨ વાગ્યે આવવાનું કહીને બે વાગ્યા સુધી ન આવે એટલે આપણી ઊંઘમાં ખલેલ પડે. ત્યારે એમ થાય કે ડિપેન્ડેબલ રહેવા કરતાં જાતે કામ કરી લેવું સારું. હું તેને કહી દઉં કે તારે સમયસર ન આવવું હોય તો કાલથી આવતી જ નહીં. ભાવેશ કૂલ છે. તેઓ કહે, ‘હશે, જવા દેને.’ બાઈને ખબર હોય છે કે મારો ગુસ્સો દૂધના ઊભરા જેવો છે, હમણાં શમી જશે એટલે તે ક્યારેય નારાજ થઈને ગઈ નથી. તૂટફૂટ જેવા કારણસર તો કોઈ પર ગુસ્સો કરાય નહીં. આપણાથી પણ ઘરમાં કેટલી વસ્તુ તૂટે જ છેને. મારું માનવું છે કે ફરજિયાતપણે ઘરઘાટીને પ્રાથમિકતા આપવી પડે અને પુરુષોએ ચૂપચાપ ચલાવી લેવું પડે એવો માહોલ મહિલાઓએ જાતે જ ઊભો કર્યો છે. ઘરનાં કામ કરવાં પડશે એવા ડરથી તમે હસબન્ડના સમયપત્રકને બદલી નાખો એવું હોવું ન જોઈએ. તમારે કોને પ્રેફરન્સ આપવો છે એમાં ક્લિયર હો તો પુરુષોએ ગમ ખાઈને બેસવું ન પડે.’

કામવાળી બાઈ પત્નીના સ્વાસ્થ્યનું બૅરોમીટર છે - નયન કામદાર, ઘાટકોપર

દુનિયાનો કોઈ પણ પુરુષ કામવાળી બાઈને કંઈ ન કહી શકે એ વાત ૧૦૦ ટકા સાચી છે એવો અભિપ્રાય આપતાં ઘાટકોપરના નયન કામદાર કહે છે, ‘શાહિદ પણ આખરે તો પરણેલો જ છેને. પરણેલા પુરુષો ઘરની નોકરાણીનાં કામકાજ અથવા રજાઓ સામે વાંધો ઉઠાવે તો પત્નીનો ગુસ્સો વહોરવો પડે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ મારી વાઇફ બંદિની તેના પડખે જ ઊભી રહે. આ બાબતે મને ઘણી વાર ગુસ્સો આવી જાય છે. હજી હમણાંની જ વાત કરીએ તો અમારી બાઈને દેશમાં જવું હતું અને ૧૫ દિવસની રજા માગી. મેં કહ્યું કેઆટલા દિવસની રજા હોતી હશે? ખોટા-ખોટા ખાડા પાડે છે તો પગાર કાપી લેજે. તેને પૂરો પગાર આપવાનો અને આ સમયગાળા દરમ્યાન બીજી રાખો એને પણ પૈસા ચૂકવવાના એટલે મને થોડું ખટક્યું, પરંતુ બંદિનીએ તરત જ જવાબ આપ્યો કે કામવાળા મળતા નથી, એમ કાંઈ પગાર કાપી ન શકાય. પત્યું! પતિદેવની બોલતી બંધ. મારું માનવું છે કે કામવાળી બાઈ પત્નીના સ્વાસ્થ્યનું બૅરોમીટર છે. તેની હાજરીથી ઘરનું વાતાવરણ મસ્ત રહે અને છુટ્ટી કરે એ દિવસે મારી પત્ની ઘરના બધાની છુટ્ટી કરી નાખે. એ બન્ને વચ્ચે એવું જબરદસ્ત કનેક્શન છે કે આખી દુનિયા એક તરફ, કામવાળી બાઈ એક તરફ. વાઇફની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે કામવાળાની ભૂલ શોધવાની ભૂલ ન કરતા પતિએ ચૂપ રહેવું જોઈએ. જોકે મારો દીકરો ક્યારેક તેના પર ગુસ્સે થઈ જાય છે ખરો. એ વખતે મારે સંભાળી લેવું પડે છે.’

આ પણ વાંચો : મહિલાઓને મજાક કરવાની મનાઈ છે!

કામવાળાની ગેરહાજરીમાં પુરુષ પોતાને રાજા સમજે છે - વિરાગ મહેતા, ગોરેગામ

નોકરાણી સાથે પંગો લેવાની ડૅરિંગ કરનારા પુરુષોની સંખ્યા ૦.૦૧ ટકા હશે એવો જવાબ આપતાં ગોરેગામના વિરાગ મહેતા કહે છે, ‘આપણે કામવાળા વગર જીવી શકતા નથી. ઘરની દરેક વ્યક્તિનું શેડ્યુલ તેમની સાથે જોડાઈ જાય છે. આજે જે આરામદાયક લાઇફ આપણે જીવીએ છીએ એ તેમને જ આભારી છે. શાહિદની જેમ નોકરાણીને ભગાડી દેનારા પુરુષો બહુ ઓછા હશે. સામાન્ય રીતે તેમની એન્ટ્રી થાય એ પહેલાં પુરુષોની ઘરમાંથી એક્ઝિટ થઈ જતી હોય છે એથી તેમના કામમાં કચાશ હોય તોય ગુસ્સો ઠાલવવો પડે એવી નોબત આવતી જ નથી. ગુજરાતી બૈરાંઓને તો તેમની દયા બહુ આવે. ગૃહિણીઓ ઘરના મેમ્બરની જેમ જ કામવાળાને ટ્રીટ કરે છે. જમવાની થાળી સુધ્ધાં તૈયાર રાખે. પત્નીની સૌથી નજીકની વ્યક્તિ હોય એથી તેમની સાથે મગજમારી કરવાનું રિસ્ક ન લઈ શકાય, પરંતુ જ્યારે તેઓ લાંબી રજા પર જાય અને રિપ્લેસમેન્ટમાં કોઈને મૂકીને ન જાય તો પત્નીને હેરાન કરવાનું જોખમ ઉઠાવી શકાય. મારું અંગતપણે માનવું છે કે ઘરનોકર રજા પર હોય તો પુરુષ ઘરમાં રાજાની જેમ રહી શકે છે. એક તો તેમનાં ટાઇમિંગ સાચવવાની માથાકૂટ ન રહે, મન ફાવે ત્યારે આવ-જા કરી શકાય અને ઉપરથી પત્નીને સતાવવાની તક મળે. અમે નવાં-નવાં પરણ્યાં છીએ એટલે કદાચ મારી અને યશા વચ્ચે હજી સુધી આ બાબતે તૂતૂમૈંમૈં થઈ નથી, પણ આવું રિસ્ક દરેક પુરુષે પોતાની રીતે લેવું.’

columnists