તમારા હસબન્ડે પણ ક્યારેય કહ્યું છે કે રસોઈ તો મમ્મીના હાથની જ

03 June, 2019 12:08 PM IST  |  | વર્ષા ચિતલિયા - મૅન્સ વર્લ્ડ

તમારા હસબન્ડે પણ ક્યારેય કહ્યું છે કે રસોઈ તો મમ્મીના હાથની જ

પ્રતીકાત્મક તસવીર

મૅન્સ વર્લ્ડ

ટેલિવિઝનમાં આવતી મસાલાની જાહેરખબરમાં એક મહિલા રસોડામાં છોલે બનાવતાં પહેલાં તેનાં સાસુને ફોન કરીને પૂછે છે કે કયા મસાલા નાખું જેથી છોલેમાં તમારા હાથ જેવો સ્વાદ આવે? સાંજે પતિ ઘરે આવીને છોલે ખાતાં-ખાતાં પત્નીને પૂછે છે કે મમ્મી આવ્યાં છે? આ જાહેરખબરનો હેતુ પ્રોડક્ટની પબ્લિસિટી માટેનો છે તેમ છતાં એમાં મેસેજ છે કે દરેક પુરુષને તેની મમ્મીમાં પર્ફેક્ટ કુક દેખાય છે. આજે રસોઈ સરસ બની છે, પણ મારી મમ્મી જેવી નહીં. આવા શબ્દો દરેક પુરુષે લાઇફમાં એકાદ વાર તો તેની પત્નીને કહ્યા જ હશે.

મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાતને સ્વાદ સાથે કોઈ લેવાદેવા નથી. તો પછી પતિને રીઝવવા પત્નીએ સાસુ જેવી રસોઈ કેમ બનાવવી જોઈએ? એનાં સાઇકોલૉજિકલ કારણોની ખણખોદ કરતાં જાણવા મળ્યું છે કે પુરુષ પોતાની પત્નીમાં માતાનું પ્રતિબિંબ શોધતો હોય છે. પુરુષોમાં જોવા મળતી આ માનસિકતા માત્ર ભારત સુધી સીમિત નથી. યુકેના રિલેશનશિપ એક્સપર્ટ રિચેલ લૉયડે કરેલા એક સાઇકોલૉજિકલ રિસર્ચ અનુસાર વિશ્વના ૬૪ ટકા પુરુષો મમ્મી જેવી પર્સનાલિટી અને ગુણોમાં સમાનતા ધરાવતી યુવતીને જીવનસાથી તરીકે પસંદ કરે છે. પુરુષોની માનસિકતા જોતાં આ રિસર્ચમાં તથ્ય તો છે જ. ચાલો ત્યારે પુરુષોને જ પૂછીએ કે તેઓ મમ્મીની રસોઈ ઉપરાંત તેમના કયા ગુણ પત્નીમાં હોવા જોઈએ એવું ઝંખે છે.

તમે જેની છત્રછાયામાં મોટા થયા હો તેનો પ્રભાવ તમારા મન પર હોય

રસોઈ અને ડ્રેસિંગ આ બન્નેમાં મમ્મી અને પત્ની અલગ તરી આવે છે એ વાત સાથે સહમત થતાં વિદ્યાવિહારના પ્રશાંત સોલંકી કહે છે, ‘તમે જેની છત્રછાયામાં મોટા થયા હો તેનો પ્રભાવ તમારા મન પર હોય. તમે એવું જ વિચારો કે મમ્મી જેવી યુવતી જ મને સમજી અને સાચવી શકશે. એટલે જ પુરુષો પોતાની જીવનસંગિનીમાં એવા ગુણો શોધતા હોય છે. મારી વાઇફની રસોઈ મમ્મી જેવી નથી થતી. તે ગમેએટલો પ્રયત્ન કરે એમાં સ્વાદ આવતો નથી. હું ઘણી વાર કહું કે મમ્મી પાસેથી ભીંડા અને આખા રીંગણાનું શાક બનાવતાં શીખી જા. જોકે મારાં મમ્મી જ તેને કહે કે શાક હું બનાવી આપીશ, તું ખાલી રોટલી બનાવી દેજે. મને લાગે છે કે લગ્નની શરૂઆતનાં વર્ષોમાં દરેક પુરુષને આવું લાગતું હશે. રસોઈની મજા મરી ન જાય એટલે કદાચ તેઓ મમ્મી જેવી આવડત ધરાવતી યુવતીને પસંદ કરતા હશે. એમાંય આજની યુવતીઓને રસોડામાં રસ ઓછો પડે છે. મારા કેસમાં રસોઈ મહત્વની નથી. મારી પત્નીમાં મને મમ્મી જેવો અન્ય ગુણ દેખાયો હતો. તેનામાં સેવિંગ કરવાની જે આવડત છે એ બેસ્ટ ક્વૉલિટી લાગે છે. બીજું, સામાજિક વ્યવહારો સાચવવા અને લોકો સાથે માન-સન્માનથી વાત કરવાની કળા પણ મમ્મી જેવી જ છે. હા, ડ્રેસિંગમાં તે મમ્મીની તોલે ન આવે. તે જીન્સ અને ટી-શર્ટના જમાનાની છે. સાડી તો પહેરતાં જ નથી આવડતી. હું ઇચ્છું છું કે તે મમ્મી પાસેથી સાડી પહેરતાં શીખે.’

માતા હોય કે પત્ની, તેનામાં અન્નપૂર્ણાનું રૂપ હોવું જોઈએ

હું એવું માનું છું કે રસોઈ બનાવતી દરેક સ્ત્રી એ પછી માતા હોય કે પત્ની, તેનામાં અન્નપૂર્ણાનું રૂપ હોવું જોઈએ. જો આ ગુણ તેનામાં હોય તો પુરુષ સરખામણી કરતો નથી એવો મત વ્યક્ત કરતાં કાંદિવલીના ભાવેશ જોશી કહે છે, ‘પુરુષ તેની માતાથી સૌથી વધુ નજીક હોય છે તેથી સ્વાભાવિક છે કે તેના ગુણોનો પ્રભાવ પડે. મમ્મીની જગ્યા તો દુનિયાની કોઈ સ્ત્રી લઈ ન શકે, પરંતુ પત્ની સાથે તેની સરખામણી કરવી યોગ્ય નથી લાગતી. હા, રસોઈની વાત છે તો હું એટલું કહીશ કે મોઢામાં કોળિયો મૂકતાં જ ખબર પડી જાય કે આજે રસોઈ કોણે બનાવી છે. સ્વાદમાં ફરક હોઈ શકે, આવડતમાં ફરક નથી. મારા માટે જે સ્ત્રી પત્ની છે તેનામાં પણ માતાનું કૅરૅક્ટર તો છે જ. મારા દીકરાની નજરમાં તેની મમ્મીની રસોઈ શ્રેષ્ઠ છે. આ બાબત દરેક પુરુષને લાગુ પડે છે તેમ છતાં મારું અંગતપણે માનવું છે કે આવનારા સમયમાં નવી પેઢી સો ટકા તેની મમ્મીને મિસ કરશે. આજની જનરેશન જન્ક ફૂડથી એવી ટેવાઈ ગઈ છે કે તેમને મમ્મીના હાથની રસોઈ યાદ આવ્યા વગર નહીં રહે. કદાચ એ લોકો સરખામણી કરતા થશે. અમારી પેઢી આ બાબત નસીબદાર છે. બીજું, મને લાગે છે કે મમ્મી અને પત્નીમાં સૌથી મોટો કોઈ તફાવત દેખાતો હોય તો એ છે પહેરવેશ. મેં મમ્મીને હંમેશાં સાડીમાં જોયાં છે. સાડીમાં તેમનું રૂપ જાજરમાન લાગે છે, જ્યારે મારી પત્ની ડ્રેસ અને સાડી બન્ને પહેરે છે. પત્નીની ડ્રેસિંગ સેન્સ સારી છે તેથી કમ્પેર નથી કરતો, પણ કોઈક વાર એવો વિચાર જરૂર આવે કે મમ્મીની જેમ સાડી પહેરે તો હજી વધુ સુંદર લાગે.’

આ પણ વાંચો : પુરુષત્વ જોખમમાં

મારી મા જેવી પૂરણપોળી પત્નીથી બનતી નથી, પણ તેનામાં મા જેવા બીજા અનેક ગુણો છે

મમ્મી જેવી પર્સનાલિટી ધરાવતી સ્ત્રીને જીવનસાથી તરીકે પસંદ કરનારા પુરુષોની સંખ્યા વધુ હોવી એ નવાઈની વાત નથી એવો જવાબ આપતાં વિરારના નરેન્દ્ર શાહ કહે છે, ‘મારી પત્નીના હાથની તમામ રસોઈ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ પૂરણપોળી તો મારી માના હાથની જ. તેણે અનેક પ્રયાસો કર્યા છે, પણ મમ્મી જેવી નથી બનતી. સાઇકોલૉજિકલ રિસર્ચ પ્રમાણે કદાચ માતા પ્રત્યેનો પ્રેમ હોઈ શકે. દરેક પુરુષને પોતાની મમ્મીમાં પર્ફેક્ટ કુક દેખાય છે એ વાત સાચી છે. જોકે લગ્ન બાદ સામાન્ય રીતે રસોડું વહુના હાથમાં આવી જાય એટલે ધીમે-ધીમે કોઈ સ્પેશ્યલ વાનગી સિવાયની રસોઈ બધાને ભાવવા લાગે છે. મારું માનવું છે કે માત્ર મમ્મી જેવી રસોઈ આવડતી હોય એટલે પુરુષો આકર્ષાય એવું નથી, તેનામાં બીજા પણ એવા ગુણો હોવા જોઈએ જે માતામાં હોય છે. દાખલા તરીકે અમારી પેઢીએ માને હંમેશાં સંઘર્ષ અને વડીલોની સેવા કરતાં જોયાં છે. તેઓ કરકસર કરીને ઘર ચલાવતાં હતાં. ઓછા બજેટમાં ઘર ચલાવી શકે એવો ગુણ ધરાવતી યુવતીમાં અમને માતાનું પ્રતિબિંબ દેખાય. પુરુષો ઇચ્છતા હોય છે કે મારી માની જેમ પત્ની વડીલોનો આદર કરે. સૌથી મહત્વની વાત તેનામાં સહનશીલતા હોવી જોઈએ, કારણ કે માતાનું ચરિત્ર આવું જ હોય છે. લગ્નજીવનનાં વર્ષો બાદ મારી માનો સહનશીલતાનો ગુણ પત્નીમાં વિકસ્યો છે એ બાબત મને વધુ આકર્ષે છે.’

Varsha Chitaliya columnists