આજના જમાનામાં શેમાં વધુ લાભ દેખાય છે તમને પુરુષ થવામાં કે સ્ત્રી?

12 August, 2019 03:07 PM IST  |  મુંબઈ | મૅન્સ વર્લ્ડ - વર્ષા ચિ​તલિયા

આજના જમાનામાં શેમાં વધુ લાભ દેખાય છે તમને પુરુષ થવામાં કે સ્ત્રી?

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા બે દાયકામાં ભારતીય મહિલાઓની સામાજિક પરિસ્થિતિમાં ઝડપથી સુધારો થયો છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમવોડી જ નહીં, પુરુષો કરતાં ચડિયાતી પુરવાર થઈ છે એ નિર્વિવાદ છે. તેમ છતાં આજે પણ ૩૮ ટકા લોકોનું માનવું છે કે આપણા દેશમાં પુરુષ હોવાના વધુ ફાયદા છે. થોડા સમય પહેલાં ઇપ્સોસ ગ્લોબલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભારતીયોની આ વિચારધારા બહાર આવી હતી. આ સર્વેમાં પૂછવામાં આવેલા અન્ય પ્રશ્નોના જવાબ પણ આશ્ચર્ય ઉપજાવે છે. ૬૯ ટકા લોકોનું કહેવું હતું કે મહિલાઓને સમાનાધિકાર ભલે મળી ગયો હોય, પરંતુ પુરુષના સપોર્ટ વગર તેમના માટે આગળ વધવું શક્ય નથી.
વિમેન એમ્પવારમેન્ટના યુગમાં આવી માનસિકતા કેટલી યોગ્ય છે? શું પુરુષ હોવાના ખરેખર વધુ ફાયદા છે?

આપણા દેશની વર્તમાન પરિસ્થિતિ, કાયદાકીય જોગવાઈઓ અને મહિલાઓને મળતી સવલતો જોતાં સ્ત્રી હોવાના વધુ ફાયદા દેખાય છે. તાજેતરમાં ટ્રિપલ તલાકનું જે બિલ પાસ થયું છે એનો ફાયદો દેશની લાખો મુસ્લિમ મહિલાઓને મળવાનો જ છે એવો જવાબ આપતાં કાંદિવલીના ભૂપેશ શિરોદરિયા કહે છે, ‘આજથી થોડા દાયકા પહેલાં સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ જુદી હતી. તેમના પર ઘણા પ્રતિબંધો હતા, જ્યારે પુરુષોને પહેલેથી જ બધી છૂટછાટ છે એટલે એવું લાગતું કે પુરુષ બનીને જન્મ્યા હો તો તમે જગ જીતી લીધું. હવે એવું રહ્યું નથી. મહિલાઓ પોતે આવી લઘુતાગ્રંથિમાંથી બહાર નીકળી છે અને તેમને સમાન સામાજિક દરજ્જો મળ્યો છે. મારી વાઇફની જ વાત કરું તો તેને ક્યાંય જવું હોય તો મને જાણ કરે છે, પરમિવશન નથી લેતી. આવી લિબર્ટી મેં આપી છે, પરંતુ બધા પુરુષો આવી સ્વતંત્રતા આપતા નથી. સ્ત્રી સશક્તીકરણના જમાનામાં પત્નીને નાઇટ ક્લબમાં જવાની છૂટ કેટલા પુરુષો આપતા હશે?

આવી મહિલાઓને કદાચ થતું હશે કે પુરુષોને કેવું સારું, રાત્રે પણ ફરી શકે. આ વ્યક્તિગત વિચારધારા છે. હા, સેફ્ટીની દૃષ્ટિએ જોવા જઈએ તો પુરુષ હોવાના કેટલાક ફાયદા ચોક્કસ છે. બાકી, મારી સલાહ છે કે આપણા દેશમાં સ્ત્રી કે પુરુષ બનીને રહેવાના ફાયદા જોવા કરતાં સૌએ ભારતીય બનીને રહેતાં શીખવાની વધુ જરૂર છે.’

પુરુષ નહીં પણ સ્ત્રી હોવાના ફાયદા છે એવું કહેવા કરતાં સ્ત્રી હોવાનો ગર્વ છે એમ કહેવું મને વધુ ઉચિત લાગે છે એવો મત વ્યક્ત કરતાં વસઈનાં સેજલ આશર કહે છે, ‘મને કોઈ પણ જન્મમાં સ્ત્રી બનીને જ રહેવું ગમશે. આપણા દેશમાં સ્ત્રીને નારીશક્તિ કહી છે એની પાછળ તર્ક છે. દરેક પરિસ્થિતિને હૅન્ડલ કરવાની તાકાત સ્ત્રીમાં છે. તે ધારે તો એકલી બધે પહોંચી વળે એમ છે, જ્યારે પુરુષો માટે સ્ત્રીના સાથ વગર જીવવું આકરું થઈ પડે. મેં એવા અનેક પુરુષો જોયા છે જેઓ પત્નીના મૃત્યુ બાદ ભાંગી પડે છે. એકલપંડે ઘરનાં અને બહારનાં કામ કરવાનું તેમનું ગજું નથી. રાત્રે એકલા ઘરની બહાર નીકળી ન શકાય જેવા વાહિયાત
પ્રતિબંધ કે માનસિકતાના કારણે કંઈ પુરુષ હોવાના ફાયદા છે એમ ન કહેવાય. હા, સામાજિક વિચારધારાને જડમૂળથી બદલવી સહેલી નથી. આજે પણ અનેક ઘરોમાં સ્ત્રીઓને પોતાના નિર્ણયો લેવાની કે પતિ અથવા ફૅમિલી વગર બહાર જવાની પરવાનગી મળતી નથી એ વાસ્તવિકતા છે. તેમને પુરુષ હોવાના ફાયદા દેખાતા હશે. મને પુરુષ હોવામાં લાભ દેખાતો નથી, કારણ કે મારા પર આ પ્રકારના નિયમો લાદવામાં આવ્યા નથી. હું ધારું તો ફ્રેન્ડ્સ સાથે નાઇટ શોમાં મૂવી જોવા જઈ શકું છું. જોકે કોઈ પણ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે સ્ત્રીને હસબન્ડનો સપોર્ટ જરૂરી છે એ વાત સાથે હું સહમત છું.’

પુરુષ હોવાના આમ જોવા જઈએ તો કોઈ એક્સ્ટ્રા ફાયદા નથી પણ વર્ષોથી ચાલી આવતી સામાજિક પ્રણાલિકા અને માનસિકતાના કારણે બધાને પુરુષ હોવામાં ફાયદા દેખાય છે એવો મત વ્યક્ત કરતાં કિંગ્સ સર્કલના જિજ્ઞેશ શાહ કહે છે, ‘એક સમય હતો જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે તો પાણીનો ગ્લાસ લઈને બહેને જવું પડે, ભાઈ પલંગ પર પડ્યો રહે તો ચાલે. આજે પણ આવી માનસિકતાના લીધે ઘણી બહેનોને પુરુષ હોવાના ફાયદા દેખાય એ સ્વાભાવિક છે. ફિઝિકલ સ્ટ્રેન્ગ્થના લીધે પુરુષોને અમુક ઇન્ડસ્ટ્રીમાં ફાયદો છે ખરો, પરંતુ મહિલા હોવાના ગેરલાભ છે એવું કહેવું અતિશયોક્તિ ભરેલું છે. જો કોઈ મહિલા એમ કહેતી હોય કે અમારે તો ઘરમાં પૂછવું પડે તો એમાં કંઈ પુરુષ સત્તાધીશ છે એવું પ્રતીત નથી થતું. પુરુષોમાં પ્રોટેક્શનની ભાવના હોય છે તેથી તેઓ ઘરની સ્ત્રીઓને અમુક જગ્યાએ અને અમુક સમયે બહાર જવાની પરવાનગી આપતા નથી. રહી વાત ઇક્વાલિટીની તો હું એટલું ચોક્કસ કહીશ કે પુરુષ સમોવડી બનવા મહિલાને સપોર્ટની સો ટકા જરૂર પડે છે. પુરુષના સાથ વગર એકલી જંગ લડવા નીકળે તો પડછાટ ખાવી પડે. પુરુષો માયકાંગલા નથી. તેઓ પોતાની પ્રગતિ કરી રહ્યા છે, પણ ઘરની મહિલાઓની ટૅલન્ટ અને એબિલિટીને ઓળખી ફ્લેક્સિબલ ડિસિઝન લેતા થયા છે. પુરુષો કૂણા પડ્યા છે તેથી જ મહિલાઓ માટે ડેવલપમેન્ટના રસ્તા ખૂલ્યા છે.’

કાયદાકીય રક્ષણ, સવલતો અને તાજેતરમાં પસાર થયેલા ટ્રિપલ તલાક બિલ બાદ મને જરાય એવું લાગતું નથી કે મહિલા હોવાના ગેરલાભ છે. સેફ્ટીની દૃષ્ટિએ પુરુષ હોવાના કેટલાક ફાયદા છે ખરા પણ હવે આપણે આવી લઘુતાગ્રંથિમાંથી બહાર આવી ગયા છીએ.
- ભૂપેશ શિરોદરિયા

સ્ત્રી હોવાના ગેરલાભ કે પુરુષ હોવાના ફાયદા વ્યક્તિગત મત હોઈ શકે. આપણા દેશમાં સ્ત્રીને શક્તિ કહી બિદરાવવામાં આવી છે એનો મને ગર્વ છે. ફાયદો હોય કે ન હોય, હું કોઈ પણ જન્મમાં સ્ત્રી બનીને જ રહેવું પસંદ કરીશ.
- સેજલ આશર

આ પણ વાંચો : જરા પોતાની જાતનાં પણ વખાણ કરો યાર

પુરુષ સમોવડી બનવા સ્ત્રીને પુરુષના સપોર્ટની સો ટકા જરૂર પડે છે. હવે પુરુષો કૂણા પડ્યા છે. ઘરની મહિલાઓની ટૅલન્ટ અને એબિલિગટીને ઓળખી તેઓ ફ્લેક્સિબલ ડિસિઝન લેતા થયા છે તેથી મહિલાઓ માટે પ્રગતિના દરવાજા ખૂલી ગયા છે.
- જિજ્ઞેશ શાહ

columnists Varsha Chitaliya