એક પુરુષ જ્યારે બીજા પુરુષની પજવણીનું કારણ બને

10 June, 2019 11:21 AM IST  |  | રુચિતા શાહ - મૅન્સ વર્લ્ડ

એક પુરુષ જ્યારે બીજા પુરુષની પજવણીનું કારણ બને

પ્રતીકાત્મક તસવીર

મૅન્સ વર્લ્ડ

૨૫ વર્ષનો આકાશ અત્યારે વાતે-વાતે ઇરિટેટ થઈ જાય છે. તેણે સિવિયર ડિપ્રેશનની ગોળીઓ લેવી પડે છે. તેની સાથે કોઈ સહેજ પણ વાત કરવાની કોશિશ કરે તો તે હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે. તેની નોકરી છૂટી ગઈ છે. તેના પરિવારમાં તે એકમાત્ર કમાનાર વ્યક્તિ હોવાને લીધે પરિવારની નાણાકીય હાલત પણ એકદમ કફોડી છે. સતત સાઇકિયાટ્રિક ઑબ્ઝર્વેશન હેઠળ તેણે રહેવું પડે છે અને તેનો ઇલાજ ચાલી રહ્યો છે.

બે વર્ષ પહેલાં આકાશ એકદમ નૉર્મલ હતો. સ્ટાર્ટ અપ કંપનીમાં મૅનેજરની પોસ્ટ પર તેની ઊંચા પગારની જૉબ લાગી. એ જ ગાળામાં તેનાં લગ્ન થયાં. આવક સારી અને જૉબ સિક્યૉર હોવાને કારણે તેણે ઊંચી લોન પર પોતાનું ઘર અને ગાડી લીધાં. બધું જ એકદમ પર્ફેક્ટ હતું. એકદમ હૅન્ડસમ અને સ્માર્ટ દેખાતા આ યુવકની લાઇફમાં વર્કલોડને કારણે નહીં, પરંતુ તેની ઑફિસમાં તેના બૉસ દ્વારા કરવામાં આવતી છેડતી અને શારીરિક સંબંધને લગતી અછડતી ડિમાન્ડને કારણે તે મનોમન મૂંઝાઈ રહ્યો હતો. ઘરમાં પત્ની હતી અને તે એક નૉર્મલ યુવક હતો. જોકે તેનો સમલૈંગિક બૉસ તેને પોતાનો પાર્ટનર બનાવવા માગતો હતો. તેણે જૉબની શરૂઆત કરી ત્યારે તેના બૉસનું તેની સાથેનું સૉફ્ટ બિહેવિયર તેને ખૂબ જ નૉર્મલ લાગતું હતું અને તેના કામમાં સારા પર્ફોર્મન્સનું પરિણામ લાગતું હતું. જોકે જેમ-જેમ સમય વીતતો ગયો એમ-એમ તેનું વર્તન બદલાવા માંડ્યું. તેને એકલો કૅબિનમાં બોલાવવામાં આવે અને તેની સામે અમુક પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવે, તેને અજુગતો સ્પર્શ કરવામાં આવે જેની પાછળનો હેતુ સમજાતાં જ અનિકેતે ડિસ્ટન્સ વધારવાનું શરૂ કર્યું. ત્યારે તેના બૉસે તેની સામે ખુલ્લી ઑફર મૂકી તેના હોમોસેક્સ્યુઅલ પાર્ટનર બનવાની. અનિકેતે એને ઠુકરાવી એટલે તેની પજવણી શરૂ થઈ. તેના કાર્યમાંથી ખામીઓ કાઢીને તેને અન્ય સ્ટાફર્સની સામે અપમાનિત કરવો, તેના પગારને અટકાવવો, ઓવરટાઇમ કરવો પડે એટલો કામનો બોજો તેના પર નાખી દેવો વગેરે શરૂ થયું. ઘરમાં પત્ની હતી જે પતિના બદલાઈ રહેલા વર્તનને જોઈ રહી હતી, પરંતુ તેને સમજાતું નહોતું. આ પ્રકારની તેની વાત પર કોઈ ભરોસો નહીં કરે અને આ વાત લોકો સાથે શૅર કરવામાં તેની પણ ફજેતી થશે એમ વિચારીને અનિકેત મનોમન ઘૂંટાઈ રહ્યો હતો. તેણે દર મહિને ચૂકવવા પડતા લોનના ઊંચા હપ્તા અને ઘરની જવાબદારીઓને કારણે જૉબ છોડવી તેના માટે શક્ય નહોતી. બૉસનું ટૉર્ચર અકબંધ રહેવાને કારણે બે-ત્રણ વાર તેણે નમતું જોખીને તેમની ઇચ્છા પ્રમાણે વર્તી પણ લીધું, પરંતુ એ પછી પત્ની સાથે ચીટ કર્યાની અને પોતાની અનિચ્છાએ એક એવો સંબંધ બાંધ્યાની ગિલ્ટ તેના મગજમાં તીવ્ર થતી ગઈ. એની અસર તેની માનસિક હાલત પર થઈ. અતિશય ચિંતા, ગિલ્ટ અને ડરને કારણે તે ડિપ્રેશનમાં જવા માંડ્યો. એની તીવ્રતાએ તેના રૂટીનને ખોરવવાનું શરૂ કર્યું. એ પછી તેણે મનોચિકિત્સકનો સંપર્ક કર્યો. અત્યારે બધાં કામકાજ છોડીને તે પોતાનો ઇલાજ કરાવી રહ્યો છે.

ઑફિસમાં અને કામનાં સ્થળોએ સ્ત્રીઓ જાતીય શોષણનો ભોગ બનતી હતી. હવે પુરુષો પણ એનો ભોગ બની રહ્યા છે. એક પુરુષ દ્વારા એક પુરુષનું જાતીય શોષણ થતું હોય એવા અઢળક કિસ્સાઓ મનોચિકિત્સકો પાસે આવી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાની ક્વીન્સલૅન્ડ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજી અને રૉયલ મેલબર્ન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના રિસર્ચરોએ તેમની પાસે વર્કપ્લેસ પર આવેલી જાતીય સતામણીની ફરિયાદોને રિવ્યુ કરીને તારવ્યું છે કે હવેના સમયમાં પુરુષો પણ પ્રોફેશનલ વર્લ્ડમાં સેક્સ્યુઅલ અબ્યુસનો ભોગ બની રહ્યા છે. વેલ, તમને લાગતું હોય કે આ માત્ર ઑસ્ટ્રેલિયાની જ વાત છે તો એવું નથી. મુંબઈમાં પણ આવું થાય છે. બે દાયકાથી ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં સમિંદરા સાવંત કહે છે, ‘એક સામાજિક સંસ્થા અંતર્ગત અનેક પ્રકારના અભિયાનનો હિસ્સો બનવાને કારણે બધા પ્રકારના લોકોના સંપર્કમાં હું આવી છું અને એ પછી કહું છું કે હવે મુંબઈમાં પણ કામના સ્થળે પુરુષોની જાતીય સતામણીના બનાવો વધી રહ્યા છે. તમને જાણીને આઘાત લાગશે કે પુરુષો દ્વારા પુરુષોનું જાતીય શોષણ થતું હોય એવા સાતથી આઠ ટકા કેસ છેલ્લા એક વર્ષમાં મારી પાસે આવ્યા છે. બેશક, ઓપોઝિટ જેન્ડર દ્વારા થતી જાતીય સતામણીના બનાવો કરતાં આ કિસ્સાઓ ઓછા છે, પરંતુ હવે આ પ્રમાણમાં નોંધનીય ઉમેરો થઈ રહ્યો છે.’

માત્ર પુરુષો દ્વારા જ નહીં, મિડલ એજ મહિલાઓ પણ બૉસની પૉઝિશનમાં હોય ત્યારે પોતાને મળેલા પાવરનો યુવાન એમ્પ્લૉઈ માટે કરતી હોય એવા પ્રસંગો બન્યા છે એમ જણાવીને સમિંદરા સાવંત કહે છે, ‘હજી ત્રણ મહિના પહેલાં જ મારી પાસે એક કેસ આવેલો જેમાં નવા-નવા જૉઇન થયેલા એક યુવકને તેની મહિલા બૉસ તેને સતાવતી હતી. શરૂઆતમાં તેને હતું કે તે બૉસનો ફેવરિટ છે અને તેના કામથી ખુશ થઈને જ બૉસ તેને ફેવર કરી રહી છે, પરંતુ પાછળથી બૉસનો બદઇરાદો સમજાવા માંડ્યો. એનો મૌનપણે પ્રતિકાર કરવો તેના માટે અઘરું હતું અને ધીમે-ધીમે આખી વાત મનમાં ને મનમાં રાખી દેવાથી તે અંદરથી ડિસ્ટર્બ રહેવા માંડ્યો. નવી જૉબ ન મળે ત્યાં સુધી આ જૉબ બદલી નહોતો શકતો. સદનસીબે મન પર ભાર વધતાં તેણે સાઇકિયાટ્રિસ્ટની મદદ લેવાનું નક્કી કર્યું. થોડોક હળવો થયો એટલે નવી જૉબ વિશે પણ ગંભીરતાથી વિચારવા માંડ્યો. નવી જૉબ મળી અને પ્રૉબ્લેમ સૉલ્વ થયો. જોકે અહીં એક વાત ખાસ ઉમેરીશ કે મોટા ભાગે વર્કપ્લેસ પર જ્યારે સ્ત્રી દ્વારા પુરુષની જાતીય સતામણીનો દોર શરૂ થાય ત્યારે એ અફેરમાં કન્વર્ટ થઈ જતો હોય છે. પુરુષો રાજી થઈને પોતાની બૉસ જોડે તેની ઇચ્છા મુજબનો સંબંધ રાખવા તૈયાર હોય છે, પરંતુ જ્યારે પુરુષ દ્વારા આવી કોઈ ઑફર આવે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ હોય છે.’

આપણે ત્યાં પુરુષો સ્ત્રીઓનું જાતીય શોષણ કરે એના માટે કાયદા-કાનૂન છે; પરંતુ પુરુષ કોઈ જાતીય શોષણનો ભોગ બને તો તે પોતાનું મોઢું ક્યાંય ખોલી શકતો નથી, કારણ કે કાં તો તેની વાતને હસી કાઢવામાં આવે અથવા તેણે પોતાની ફજેતીનો પણ સામનો કરવો પડે. ઑફિસની પૉલિસીમાં પણ પુરુષની જાતીય સતામણી માટે ભાગ્યે જ કોઈ નિયમો હોય છે. એમાં પણ પરિસ્થિતિ ત્યારે બદતર થઈ જાય જ્યારે કોઈ પુરુષ દ્વારા જ બીજા પુરુષની સતામણી થતી હોય. આવા કિસ્સાઓ અત્યારે મુંબઈમાં વધુ જોવા મળી રહ્યા છે એનું કારણ આપતાં સમિંદરા સાવંત કહે છે, ‘હવે આપણે ત્યાં હોમોસેક્સ્યુઅલિટીને સ્વીકૃતિ મળી રહી છે, પરંતુ હજીયે સામાજિક દૃષ્ટિએ એને શરમની નજરે જ જોવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ સહજ રીતે આ બાબતને સ્વીકારી નથી શકતી કે પોતે સમલૈંગિક છે અને ધારો કે તે સ્વીકારી પણ લે તો તેને પોતાનો પાર્ટનર નથી મળતો. એટલે જ તે આ રીતે લોકોને અંધારામાં રાખીને કે પોતાનાથી નબળા લોકો પર દબાણ કરીને પોતાને ગમતો આનંદ મેળવી લે છે. આપણા સમાજમાં પુરુષોના જાતીય શોષણ માટે કોઈ નિયમો કે કાયદો નથી એટલે પણ કદાચ આ લોકોને છૂટો દોર મળી જાય છે. પોતાની વાત ક્યારેય બહાર નહીં આવે એવી ખાતરી તેમને હોય છે એટલે તેઓ બિનધાસ્ત આ દિશામાં આગળ વધે છે અને ખાસ કરીને નવા જોડાયેલા એમ્પ્લૉઈને કે ઇન્ટર્ન તરીકે કામ કરતા લોકોને પોતાની હવસનો શિકાર બનાવે છે. ઓછા પગારના એમ્પ્લૉઈ તો જૉબ છોડીને બીજે પણ જઈ શકે છે, પરંતુ જ્યારે ઊંચા પગાર પર કે સારી પોસ્ટ પર કોઈ કર્મચારી આવ્યો હોય અને પરિવારની બધી જ જવાબદારી તેના માથે હોય ત્યારે તેના બૉસ કે તેના સિનિયર કલીગ દ્વારા થતી શારીરિક પજવણીમાં તેની હાલત કફોડી થઈ જાય છે. ન કહી શકાય કે ન સહી શકાય એવી પરિસ્થિતિમાં સતત અંદરોઅંદર અનુભવાતી ઘુટનને કારણે માનસિક રોગ થવાની શક્યતા તેના માટે વધી જાય છે.’

આ પણ વાંચો : તમારા હસબન્ડે પણ ક્યારેય કહ્યું છે કે રસોઈ તો મમ્મીના હાથની જ

બૉસના જેન્ડરથી તેનું કૅરેક્ટર નક્કી નથી થતું એ યાદ રહે : સમિંદરા સાવંત, ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ

ઑફિસમાં પુરુષ કે મહિલા બૉસ દ્વારા થતી છેડખાની કે જાતીય સતામણીને પુરુષો મનમાં જ દબાવીને રાખે છે જેનો અંત કોઈ પણ જાતના માનસિક રોગમાં જ પરિણમે છે. ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ સમિંદરા સાવંત કહે છે, ‘આપણે ત્યાં આજે પણ સેમ જેન્ડરના બૉસ હોય તો દરેક બાબતને લાઇટલી લેવામાં આવે છે. તમારી યુવાન દીકરી જો ઑફિસમાં મોડે સુધી ઓવરટાઇમમાં કામ કરતી હોય અને તેનો બૉસ જો મહિલા હોય તો તમને તેની ઓછી ચિંતા થશે, પણ જો મેલ બૉસ હશે તો તમે તેને ટકોર કરશો. એવી જ રીતે દીકરાનો બૉસ જો પુરુષ હોય તો તેની સાથે દીકરો ગમે એટલો સમય પસાર કરે તમને એમાં કંઈ અજુગતું નથી લાગતું. જોકે હવે સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. આજના સમયમાં સ્ત્રી-પુરુષના પ્રેફરન્સિસમાં આવી રહેલા બદલાવો અને હોમોસેક્સ્યુઆલિટીની સ્વીકૃતિને કારણે સેક્સ્યુઅલ એબ્યુઝ હંમેશાં વિરુદ્ધ જેન્ડરની વ્યક્તિ જ કરશે એ ધારણામાં રચ્યા-પચ્યા રહેવાની જરૂર નથી. એટલે સૌથી પહેલાં તમે અલર્ટ રહો. કોઈ તમારો લાભ લેવાની અથવા તમારી સાથે અજુગતું વર્તન કરવાની કોશિશ કરતું હોય તો એ તમારાથી છાનું નહીં રહે. માત્ર તમારે થોડીક અલર્ટનેસ રાખવાની જરૂર છે. ઘણી વાર તમે મળી રહેલા સિગ્નલને ઇગ્નોર કરીને ‘આવું કંઈ નથી, આવું ન હોય, હું ખોટી દિશામાં વિચારું છું’ એમ ધારવામાં આવે છે. જે આ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતા લોકોને લિફ્ટ આપવાનું કામ કરે છે. તમે પુરુષ હો કે સ્ત્રી, આ પ્રકારની એકેય હલકાઈ તમે નહીં ચલાવી લો એનું સ્ટ્રિક્ટ સિગ્નલ સામેવાળી વ્યક્તિને મળી જવું જોઇએ. તેમ જ આવું કંઈ બની રહ્યું હોય તો એ વાત તમારા ફ્રેન્ડ્સ કે ફૅમિલી સાથે શૅર કરો. જો પોતાની કોઈ વ્યક્તિ સાથે શૅર ન કરી શકો તો સાઇકિયાટ્રિસ્ટ સાથે શૅર કરો. યાદ રાખજો કે અમુક વાતો કહી દેવાથી મન હળવું થતું હોય છે અને પછી એનું સૉલ્યુશન ઝડપથી મળતું હોય છે.’

columnists