ખાવાનો શોખ ખરો પણ કેટલું ખાવું તેનું ધ્યાન પણ રાખવું

20 May, 2019 12:34 PM IST  |  | રુચિતા શાહ - મૅન્સ વર્લ્ડ

ખાવાનો શોખ ખરો પણ કેટલું ખાવું તેનું ધ્યાન પણ રાખવું

ફ્રેડી દારૂવાલા

અક્ષય કુમારની હૉલિડે ફિલ્મનો ડૅશિંગ વિલન યાદ છે? એ વિલન એટલે ફ્રેડી દારૂવાલા. સલમાન સાથે રેસ ૩માં કામ કરી ચૂકેલા આ ફિટ ઍન્ડ ફાઇન ઍક્ટરે તાજેતરમાં એક વેબસિરીઝ પૉઇઝનમાં પણ કામ કર્યું છે. હિન્દી અને ગુજરાતી મળીને લગભગ અડધો ડઝન કરતાં વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ ડૅશિંગ ઍક્ટરની તંદુરસ્તીનાં રહસ્યો વિશે તેણે મિડ-ડે સાથે કરેલી વાતો તેના જ શબ્દોમાં પ્રસ્તુત છે

મૅન્સ વર્લ્ડ

ખાઈ-પીને જલસા કરવામાં માનનારી પ્રજા એટલે આપણે. મને ખરેખર એ વાતનો ગર્વ છે. જ્યાંના ભોજનની ચર્ચાઓ દેશ-વિદેશમાં થાય છે એ સુરત શહેરમાં જનમ્યો છું એટલે તો મારા સ્વાદિષ્ટ ભોજનના શોખની વાત જ શું કરવી. જોકે એને પોષીને પણ મેઇન્ટેઇન કેમ કરવું એની સભાનતા મને છે. સુરતમાં ભણ્યો છું. ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગ કર્યું અને એમબીએ પણ કર્યું છે. મને યાદ છે કે હું મારા ગામેથી કૉલેજમાં જવા માટે રોજનું ૬૦ કિલોમીટરનું ટ્રાવેલિંગ કરતો હતો. જોકે ભણતો હતો ત્યારથી જ ઍક્ટિંગ માટેનો ચસકો હતો. સાઇડ બાય સાઇડ મૉડેલિંગ શરૂ કર્યું અને એમાં જ મને કેટલીક સારી બ્રૅન્ડના ઍડ કૅમ્પેનમાં કામ કરવાનો અવસર મળ્યો. ઍક્ટિંગ વર્કશૉપ્સ પણ અટેન્ડ કરતો, જેમાં અનાયાસ ‘હૉલિડે’ માટે મને કાસ્ટ કરવામાં આવ્યો. હવે એક બાજુ તમે સુરતી હો, અભ્યાસ એમબીએનો કરતા હો અને પછી ઍક્ટિંગમાં આવવાનો નિર્ણય કરીને બધું પડતું મૂકો તો વિચારો કે તમારે તમારા લુક માટે કેટલું કૉન્શિયસ રહેવું પડે. મને યાદ છે કે હું મારા કૉલેજ ડેઝથી જ ફિટનેસ માટે ખૂબ અલર્ટ થઈ ગયો હતો, જેનું કારણ તમને હાસ્યાસ્પદ લાગશે. દરઅસલ કૉલેજમાં હતો ત્યારે ખૂબ જ પાતળો હતો. કોઈ છોકરીનું અટેન્શન ન મળે. દેખાવમાં સારો લાગતો, પણ પાતળા બાંધાને કારણે પર્સનાલિટી નહોતી પડતી એટલે નક્કી કર્યું કે ભાઈ, દેખાવ માટે કંઈક કરવું પડશે. એમાં જ અલગ-અલગ એક્સરસાઇઝ કરી. એમાં જ સ્પોર્ટ્સ તરફ ખેંચાતો ગયો. જેમ જેમ સ્પોર્ટ્સમાં ઇન્વૉલ્વમેન્ટ વધ્યું એમ એમ શરીર કસાવા માંડ્યું. શરૂઆતના તબક્કામાં તો મોટા ભાગે સ્પોર્ટ્સના માધ્યમે જ ઘણી ફિઝિકલ ઍક્ટિવિટી થઈ જતી હતી. આજેય જિમની તુલનાએ સ્પોર્ટ્સને પહેલી પ્રાયોરિટી આપું. જોકે હવેના શેડ્યુલમાં એ બંધબેસતું નથી એટલે જિમમાં જ જવું પડે છે.

એક્સરસાઇઝ રૂટીન

અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ જુદાં જુદાં ફૉર્મની અને જુદા જુદા બૉડી પાર્ટની એક્સરસાઇઝ કરતો રહું છું. ડાન્સ અને ઍક્શન ક્લાસ મારા રૂટીનનો હિસ્સો છે. હું ડિસ્ટ્રિક્ટ લેવલ પર ક્રિકેટ રમ્યો છું. બાસ્કેટબૉલ રમવાનો શોખ છે. મોટરસાઇકલનો ગાંડો શોખ છે. જિમમાં ત્રણ બાબતો મારા માટે મહત્વની છે. સ્ટ્રેગ્ન્થ ટ્રેઇનિંગ, કાર્ડિયો અને ફ્લેક્સિબિલિટી. આ ત્રણેય મારા માટે મહત્વનાં છે. એ સિવાય હું નિયમિત ઘરે ટીચર બોલાવીને યોગ કરું છું. રોજેરોજ મેડિટેશન પણ કરું છું.

ખાવામાં ધ્યાન

મીઠાઈ મારી નબળાઈ છે. લગભગ દર બે કલાકે ખાઉં છું એમાં સ્વીટ હોય તો જીવન સફળ થઈ જાય એવી લાગણી થઈ જાય છે. અત્યારે જેમ કે કેરીની સીઝન છે તો કેરી વિનાનું એકેય મીલ ન હોય. એક વાત અહીં કહીશ કે તમને ભાવે એ ખાવું જોખમી નથી, પણ એની ખોટી માત્રા નુકસાનકર્તા છે. હું તો દરેકને સલાહ આપીશ કે જે ભાવે એ ખાઓ, પણ કન્ટ્રોલ સાથે. બીજું, તમારા ઓવરઑલ ફૂડમાં સંપૂર્ણ ન્યુટ્રિશન્સ જવાં જ જોઈએ. દરેકેદરેક પોષક તત્વો મહત્વનાં છે. એનું બૅલૅન્સ રાખો. હું પ્રોસેસ્ડ ફૂડ સદંતર નથી ખાતો. ઘરનાં બનેલાં શાક-રોટલી મને વધુ ભાવે. નવી-નવી વાનગીઓ ટ્રાય કરવી મારો શોખ છે. હું બધું જ ખાઉં છું પણ ઘણું બધુ નથી ખાતો. કદાચ આ મારી ફિટનેસનું રહસ્ય છે એમ તમે કહી શકો. રાઇસ અને ઘઉં પણ કન્ટ્રોલમાં ખાઉં છું.

આ પણ વાંચો : ભારતીય પુરુષ પોતાનાથી વધુ કમાતી મહિલાના પતિ હોવનું ગર્વ લે?

બીજું, એ વાતનું ધ્યાન પણ રાખું જ કે જે ખાધું છે એ બરાબર પચી જાય એટલી ફિઝિકલ ઍક્ટિવિટી કરું. દેખાવ મારા જીવનનો અને મારી કરીઅરનો મહત્વનો હિસ્સો છે એટલે એનું ધ્યાન રાખવા માટે જે કરવું પડે એ કરી જ લઉં છું. જુઓ, એક અરસા પછી તમને સમજાઈ જશે કે તમારા શરીરને શેની જરૂર છે અને શેની નથી. જેની જરૂર નથી એ તરફથી ધીમે ધીમે તમારું મન ઑટોમૅટિક જ પાછું હટી જશે.

columnists