પુરુષત્વ જોખમમાં

27 May, 2019 12:54 PM IST  |  | રુચિતા શાહ - મૅન્સ વર્લ્ડ

પુરુષત્વ જોખમમાં

પુરુષત્વ જોખમમાં??

અમેરિકન રિસર્ચરોના કહેવા મુજબ ૧૯૮૭થી લઈને આજ સુધીમાં પુરુષોમાં મેલ હૉમોર્ન ગણાતા ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. સરેરાશ દર વર્ષે દોઢ ટકા ઘટાડો સતત ચાલુ છે. આ હૉમોર્ન્સની કમીને લીધે પુરુષ તરીકેની કેટલીક ખૂબીઓ ઘટી રહી છે અને આજના ઘણા પુરુષો શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે

મૅન્સ વર્લ્ડ

સ્ત્રી અને પુરુષના અસ્તિત્વમાં બે હૉમોર્નનું અદ્ભુત મહત્વ છે. સ્ત્રીના સ્ત્રીત્વને ઉજાગર કરવાનું કામ કરે છે એસ્ટ્રોજન અને પુરુષોનું પુરુષત્વ જાળવવાનું કામ કરે છે ટેસ્ટોસ્ટેરોન. જ્યારે શરીરમાં આ હૉમોર્નની ઉત્પત્તિમાં અથવા એના પ્રમાણમાં વિક્ષેપ ઊભો થાય ત્યારે વ્યક્તિ અનેક પ્રકારની માનસિક અને શારીરિક અસ્થિરતાનો ભોગ બનતી હોય છે. આ અવસ્થાની શરૂઆત એટલે મેનોપૉઝની શરૂઆત. સ્ત્રીઓનો મેનોપૉઝ તો વર્ષોથી પ્રચલિત છે. અલબત્ત, પુરુષોના મેનોપૉઝ વિશે બે અમેરિકન રિસર્ચરોએ ૧૯૪૪માં એક સાઇકિયાટ્રિક જર્નલમાં વિગતવાર ચર્ચા કરી છે, જેમાં તેમણે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે પુરુષોને પણ સ્ત્રીઓની જેમ મેનોપૉઝ જેવાં કેટલાંક લક્ષણોનો સામનો કરવો પડતો હોય છે; જેને એન્ડ્રોપૉઝ તરીકે ઓળખાય છે. મેડિકલની આવી અટપટી જાણકારી સાથે પૂર્વભૂમિકા બાંધવા પાછળનું મુખ્ય કારણ એટલું જ કે આજકાલ પુરુષોમાં હૉમોર્ન્સનું અસંતુલન મહત્વનો મુદ્દો બન્યું છે અને ચિંતાની બાબત એ છે કે આ પ્રક્રિયા કે જેની શરૂઆત પચાસ વર્ષ પછી થતી, જ્યારે હવે ૩૫ વર્ષ અને એથીયે નાની ઉંમરના યુવકોમાં જોવા મળી રહી છે.

ખબર કેમ પડે?

૩૬ વર્ષનો એક યુવાન ડિપ્રેશનના ઇલાજ માટે સાઇકિયાટ્રિસ્ટ પાસે ગયો. તેને એકેય કામમાં રસ નહોતો પડતો. પત્ની સાથેના સંબંધોમાં પણ તે પાછો પડી રહ્યો હતો. જૉબ છોડી દેવાની ઇચ્છા હતી. વાતે-વાતે ગુસ્સે થઈ જતો. ફિઝિકલી પોતે નબળો પડી ગયો હોય એવું તેને લાગતું હતું. સતત મનમાં ડર અને ચિંતાની લાગણીને કારણે તેને પૅનિક અટૅક આવતા અને ફૅમિલી ડૉક્ટરની ઍડ્વાઇસથી તે મનોચિકિત્સક પાસે પહોંચ્યો. તપાસ કરતાં તેના ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં આવી રહેલો ઘટાડો નજરે પડ્યો. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અવિનાશ ડિસોઝા આ પ્રકારના વધી રહેલા કિસ્સાથી વાતની શરૂઆત કરતાં કહે છે, ‘આ પ્રકારની સમસ્યા ધરાવતા લોકોની સંખ્યા વધી છે. સંખ્યાની સાથે એવું પણ કહીશ કે આ અવસ્થાનો સ્વીકાર વધ્યો છે અને એના વિશેની જાગૃતિ પણ વધી છે. મેલ મેનોપૉઝમાં વ્યક્તિ શારીરિક, સેક્સ્યુઅલ અને સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ ફેસ કરતી હોય છે; જે તેમની રૂટીન લાઇફને ખૂબ જ ખરાબ રીતે ડિસ્ટર્બ કરતા હોય છે. એનાં સામાન્ય લક્ષણોમાં એનર્જીનો અભાવ, ડિપ્રેશન અને ગ્લાનિ, કૉન્ફિડન્સનો અભાવ, એકાગ્રતા સાથે કામ કરવાની અક્ષમતા, ઊંઘનો અભાવ, ચરબીનો ભરાવો થવો, સ્નાયુમાં દુખાવો થવો, હાડકાં નબળાં પડવાં, ઇન્ફર્ટિલિટી, શીઘ્રસ્ખલન, વાળ ઓછા થવા જેવાં અઢળક લક્ષણો પુરુષોમાં એન્ડ્રોપૉઝ વખતે જોવા મળતાં હોય છે.’

જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. મંગેશ ઘુલઘલે આ અવસ્થાને એક ઝેરી ચક્રવ્યૂહ તરીકે ગણાવે છે અને કહે છે, ‘આપણે ત્યાં આજે પણ પુરુષો પોતાની નબળાઈઓને સ્વીકારવા તૈયાર નથી હોતા. આ પ્રકારનાં બાયોલૉજિકલ કેમિકલ અસંતુલન વ્યક્તિને ડિપ્રેશનનો અનુભવ કરાવે અને એને કારણે જે સંજોગો ઊભા થાય એમાં તે વધુ ને વધુ ઊંડી ખેંચાતી જતી હોય છે અને જો સમયસર એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ ન કરે તો માનસિક, શારીરિક અને સામાજિક રીતે તેની અવસ્થા વધુ ખરાબ થઈ શકે છે. થોડાક સમય પહેલાં એક યુવક મારી પાસે આવ્યો. તેની ફરિયાદ હતી કે તેની સેક્સ્યુઅલ ડિઝાયર સાવ જ સમાપ્ત થઈ ગઈ છે અને લગ્નને હજી બે જ મહિના થયા છે, પરંતુ પત્નીને જોઈને કોઈ જ એક્સાઇટમેન્ટ તેને નથી જાગતું. યુવકની ઉંમર લગભગ ૩૨ વર્ષની હતી. આ એક સમસ્યાએ તેને મારી તરફ દોર્યો, પણ જેમ-જેમ ઊંડાણમાં ગયા એમ સમજાયું કે પ્રોફેશનલી પણ તે એકેય બાબતમાં ધ્યાન નહોતો આપી શકતો. આખો દિવસ ઇરિટેશનમાં રહેવાને કારણે અને લોકો સાથે બરાબર વ્યવહાર ન કરતો હોવાને કારણે સોશ્યલી પણ લોકોમાં અળખામણો બની ગયો હતો. આ બાબત તેને મનમાં ને મનમાં વધુ ડિસ્ટર્બ કરી રહી હતી. આત્મવિશ્વાસનો ખાતમો બોલાઈ ગયો હતો. આમ એક જ બાબતને કારણે ઍક્શન-રીઍક્શનની ઊભી થયેલી પરંપરામાં તેની અવસ્થા વધુ કફોડી થઈ હતી. મોટે ભાગે આવું થતું હોય છે. પરિસ્થિતિ જ્યારે વધુ વિકરાળ બનવા માંડે ત્યારે મૂળ કારણો છુપાઈ જતાં હોય છે અને સંજોગો વધુ ને વધુ વ્યક્તિને ઊંડા ખાડામાં ફેંકવાનું કામ કરતા હોય છે. સેક્સ્યુઅલ પ્રૉબ્લેમમાં તો મેં જોયું છે કે ઘણી વાર કેટલાક સો-કૉલ્ડ બાબાઓ અને તંબુઓ તાણીને બેસેલા ઠગભગતો દ્વારા અપાતી કેટલીક વાહિયાત દવાઓ અને પડીકીઓ વ્યક્તિને મેન્ટલી અને ફિઝિકલી વધુ ડૅમેજ કરવાનું કામ કરતી હોય છે. આ પરિસ્થિતિમાં પોતાના પુરુષત્વના ગુમાનમાં ગુપ્તપણે સમસ્યાનું સમાધાન શોધતા પુરુષો ગેરમાર્ગે દોરવાઈને પોતાનં અને પરિવારનું એમ બન્નેનું નુકસાન કરી બેસતા હોય છે.’

શું કામ બને?

સ્ટ્રેસ. યસ, અત્યારની મોટા ભાગની તમામ સમસ્યાઓના મૂળમાં સ્ટ્રેસ એટલે કે માનસિક તાણ મુખ્ય કારણ છે. ડૉ. મંગેશ આ વિશે કહે છે, ‘આજના સમયમાં છે એવું સ્ટ્રેસ પહેલાં નહોતું જ એ હું પૂરતા રિસર્ચ પછી કહું છું. એક સામાન્ય ઉદાહરણ આપીને કહીશ કે પહેલાં પુરુષો પર કામનું આજ જેટલું પ્રેશર નહોતું. એક વર્ગ ખેડૂતનો હતો, જે ખેતરમાં જઈને પોતાનું કામ કરતો. એમાં દુનિયાભરની ફિઝિકલ ઍક્ટિવિટી કરવી પડતી જે તેનાં તન અને મનને મૅનેજ કરવાનું કામ કરતી. બીજા વર્ગમાં મોટા ભાગના લોકોને પોતાની આવડત મુજબનું કામ ઘરેથી જ કરવાનું રહેતું. આજ જેટલી કૉમ્પિટિશન ક્યારેય નહોતી. આજ જેટલી ખાવાપીવાની ગંદી આદતો ત્યારે નહોતી. નૅચરલી બધા જ ફૅક્ટર આજના સમયમાં વ્યક્તિને નબળી તંદુરસ્તી તરફ વાળી રહ્યા છે. સ્ટ્રેસ અત્યારની તમામ નબળી સ્થિતિનો મુખ્ય કલ્પ્રિટ છે. બીજી આદતો એને કૉમ્પ્લીમેન્ટ કરનારી છે. જેમ કે સ્ટ્રેસ છે તમારી સાથે એમાં તમે ફિઝિકલ ઍક્ટિવિટી નથી કરતા તો એનાથી સ્ટ્રેસને કારણે સર્જાતી સમસ્યાઓ એલિવેટ થશે, સ્ટ્રેસ છે તમારી સાથે અને તમે પૂરતાં પોષક તત્વોવાળો આહાર નથી લેતા એટલે એ પણ તમારી તમામ સમસ્યાઓમાં ઉમેરો કરશે. આ બધું જ ઇન્ટરકનેક્ટેડ છે. એક રસ્તો ચૂકો એટલે બીજા બધા રસ્તાઓ ગૂંચવાવાના આપોઆપ શરૂ થઈ જશે.’

ટૂંકમાં સમજવું હોય તો એટલું જ કહેવાય કે તમારા શરીરમાં હૉમોર્ન્સના અસંતુલનની શરૂઆત તણાવથી થાય અને પછી ખરાબ લાઇફ-સ્ટાઇલ અને અયોગ્ય ફૂડ હૅબિટ્સ એને વેગ આપે, જે અઢળક સમસ્યાઓ માટે બળતામાં ઘીનું કામ કરે છે.

આ પણ વાંચો : ખાવાનો શોખ ખરો પણ કેટલું ખાવું તેનું ધ્યાન પણ રાખવું

કરવું શું?

કંઈક અજુગતું છે એનો સ્વીકાર એ કોઈ પણ સમસ્યાનો પહેલો ઉપાય હોય છે. સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અવિનાશ ડિસોઝા પોતાના અનુભવને ટાંકતાં કહે છે, ‘હજીયે લોકો ખાસ કરીને પુરુષો પોતાને પણ મેનોપૉઝ જેવી કોઈ સમસ્યા હોઈ શકે એ વાત સ્વીકારતાં સંકોચ અનુભવે છે. સ્ત્રીઓના મેનોપૉઝના કેટલાક દેખીતા શારીરિક ફેરફાર છે, જે પુરુષમાં નથી. જેમ કે સ્ત્રીઓ મેનોપૉઝ પછી માતા નથી બની શકતી અને તેમના માસિકચક્ર પર પૂર્ણવિરામ લાગે છે. દેખીતી રીતે પુરુષોમાં આવા કોઈ ચેન્જ નથી. પુરુષો એન્ડ્રોપૉઝ પછી સ્પર્મ બનાવવાનું બંધ નથી કરી દેતા. બેશક, ઘણા કેસમાં એની ગુણવત્તામાં ફરક પડે છે. નબળાઈઓ આવે છે, પરંતુ એ જનરલ છે. એટલે જ આવી અવસ્થાનો સ્વીકાર કરશો તો જ એના સમાધાનના મૂળ સુધી જઈ શકાશે. સ્ટ્રેસ આ સમસ્યાનું પહેલું કારણ હોય તો એના પર લગામ તાણવી અનિવાર્ય છે. બીજું, ખાવાપીવાની સાચી આદતો અને ઍક્ટિવ લાઇફ-સ્ટાઇલ સાથે વ્યક્તિગત જરૂરિયાત મુજબ ઍન્ટિડિપ્રેસન્ટ પિલ્સથી લઈને હૉમોર્નલ રિપ્લેસમેન્ટ થેરપી અંતર્ગત બીજી કેટલીક દવાઓ અમે આપતા હોઈએ છીએ.’

columnists