પુરુષોનાં કપડાંમાં જોર પકડી રહી છે ઍનિમલ પ્રિન્ટની ફૅશન

25 February, 2019 11:23 AM IST  |  | દર્શિની વશી

પુરુષોનાં કપડાંમાં જોર પકડી રહી છે ઍનિમલ પ્રિન્ટની ફૅશન

રણવીર સિંહ

મૅન્સ વર્લ્ડ 

ફૅશન એક એવી વસ્તુ છે જેને નથી નડતી કોઈ ઉંમર કે નથી નડતી કોઈ જાત કે નથી નડતો કોઈ ધર્મ. બસ નજર પડે, મગજમાં ક્લિક થાય અને ટ્રેન્ડ બની જાય. આમ પણ આજના નૅનો ટેક્નૉલૉજીના યુગમાં નવી ફૅશનને આપણા ડોરસ્ટેપ સુધી આવતાં વાર લાગતી નથી. કપડાંની ફૅશન પણ કંઈક આવી જ છે. ગમે અને ક્લિક થાય અને એમાં પણ કોઈ હીરો અથવા હિરોઇને જો ઑનસ્ક્રીન અથવા ઑફસ્ક્રીન એ પહેર્યાં હોય તો પછી પૂછવાનું જ શું? એ ફૅશન ઇન થઈ જાય છે. એક ઉદાહરણ તરીકે સાધુ-સંન્યાસીઓ ભગવાનના મંત્ર અને ઓમ અક્ષરવાળાં કપડાં અગાઉથી પહેરતા આવ્યા છે, પરંતુ રોજિંદા જીવનમાં એવાં કપડાં પહેરવાનું અગાઉ કોઈ વિચારતું નહોતું. પરંતુ બાદમાં ફિલ્મો અને સિરિયલોમાં નાયકો અને નાયિકા દ્વારા પહેરવામાં આવતાં આવાં વસ્ત્રોનો એક ફૅશન ટ્રેન્ડ ચાલુ થઈ ગયો. એવી જ રીતે અત્યારે ઍનિમલ પ્રિન્ટની ફૅશન જોરમાં છે.

આમ તો ઍનિમલ પ્રિન્ટની ફૅશન કોઈ નવી નથી. ઍનિમલ પ્રિન્ટના મહિલાઓ માટેના કપડાં ઘણાં વખતથી વેચાઈ છે પરંતુ ઍનિમલ પ્રિન્ટના વસ્ત્રો પુરુષો માટે નવો ટ્રેન્ડ છે એમ કહીએ તો ચાલે. ઍનિમલ પ્રિન્ટની ફૅશન અત્યારે પુરુષ વર્ગને ઘણી પસંદ પડી રહી છે અને એમાં પણ આવી પ્રિન્ટનાં જૅકેટ આજે હૉટ ફેવરિટ છે જેનો સમગ્ર ફાળો તો નહીં, પરંતુ મોટા ભાગનો ફાળો ‘ગલી બૉય’ રણવીર સિંહને જાય છે. આમ તો રણવીર સિંહ નિતનવાં અને ઉટપટાંગ ફૅશનનાં કપડાં પહેરવા માટે જાણીતો છે પરંતુ આ વખતે તેની ઍનિમલ પ્રિન્ટની ફૅશનનું તીર નિશાના પર લાગી ગયું છે. અને એ પણ એવું લાગ્યું છે કે આજે આવા પ્રકારનાં કપડાં બનાવવા માટે ફૅશન-ડિઝાઇનરો પાસે યુવાનો તો ઠીક પરંતુ અંકલ લોકો પણ આવે છે. આવી તો ઘણી રસપ્રદ માહિતી અમને ફૅશન-ડિઝાઇનરો પાસેથી જાણવા મળી છે જે અહીં પ્રસ્તુત છે.

આવી ફૅશન કયા ભેજાની ઊપજ?

મોટા-મોટા ફૅશન-ડિઝાઇનરો રોજ માર્કેટમાં નવી-નવી વરાઇટી લઈને આવે છે જેમાંની મોટા ભાગની ઑડ કહી શકાય એવી વરાઇટીનાં કપડાં બજારમાં ચાલતાં નથી અને ફેંકાઈ જાય છે. આટલા પૈસા ખર્ચીને બનાવવામાં આવતાં કપડાં ઘણી વખત રદ્દીના ભાવે વેચાતાં હોય છે એમ જણાવીને ફૅશન-ડિઝાઇનર દુર્ગેશ્વર સુરા કહે છે, ‘એથી હવે ઘણા સમયથી આવા ડિઝાઇનરો પોતે તૈયાર કરેલાં ઑફબીટ કપડાં સેલિબ્રિટીને પહેરાવે છે અને પછી માર્કેટમાં ઉતારે છે. અને જો લોકોને કપડાં ગમે તો ટ્રેન્ડ બની જાય છે. આવું જ કંઈક ઍનિમલ પ્રિન્ટમાં થયું છે. જ્યારથી રણવીર સિંહ ટેલિવિઝન પર ઍનિમલ પ્રિન્ટનાં કપડામાં દેખાયો ખાસ કરીને ઍનિમલ પ્રિન્ટના જત્યારથી લોકોને આ પ્રિન્ટ મનમાં વસી ગઈ છે. એ દિવસથી લઈને આજ દિવસ સુધીમાં મારી પાસે ઍનિમલ પ્રિન્ટનાં કસ્ટમાઇઝ્ડ કરેલા જૅકેટ અને શેરવાની બનાવવા માટે કેટલાય લોકો આવી ગયા છે. ઍનિમલ પ્રિન્ટને લોકો શર્ટ-પૅન્ટ પર વધુ પસંદ નથી કરતા, પરંતુ જૅકેટ અને શેરવાની પર આવી પ્રિન્ટ વધુ પસંદ કરે છે.’

ફેસ પ્રિન્ટ આઉટ, બૉડી પ્રિન્ટ ઇન

કોણ પહેરે અને કોણ નહીં એ વિશે ઍથ્નિક વેઅર ડિઝાઇનર રાહુલ ગાલા કહે છે, ‘દરેક ધર્મ અને સમાજમાં માન્યતા અલગ-અલગ હોય છે. એને લીધે અમુક ફૅશન સીમિત બની જાય છે. આપણામાંના ઘણા લોકો ભગવાન તેમ જ ઍનિમલના ફેસ ધરાવતાં કપડાં પહેરવાનું પસંદ કરતા નથી. અમુક બાબતોની સાથે ધાર્મિક અને શ્રદ્ધા જોડાયેલી હોવાથી આવી પ્રિન્ટ કેટલાક લોકોમાં પહેરાતી નથી. પરંતુ ઍનિમલની ફેસ સિવાયની બૉડી પૅટર્ન અને ડિઝાઇનનાં જૅકેટ જબરદસ્ત ટ્રેન્ડમાં છે.’

કબ, કિધર ઔર કેસે પહને?

રાહુલ ગાલા કહે છે, ‘ઍનિમલ પ્રિન્ટનાં જૅકેટ પહેરીને તમે ઑફિસમાં તો નહીં જ જઈ શકો. આવાં કપડાં પાર્ટી વેઅર માટે પર્ફેક્ટ છે. તેમ જ સાંજના સમયે આવા પ્રકારનાં ઑફબીટ કપડાં વધુ સારાં લાગે છે.’ ï

ઑફબીટ કપડાંની વાત આવે ત્યારે એને કેવી રીતે પહેરવાં એનો પહેલો વિચાર આવે છે. આ બાબતે દુર્ગેશ્વર સુરા કહે છે, ‘આજે તો જે પહેરે એ ફૅશન છે. લોકો પોતપોતાની પસંદગીથી અને જે રીતે સારું લાગતું હોય એ રીતે કપડાં પહેરે છે. પરંતુ જો મને પૂછો તો કુરતાની ઉપર જૅકેટ વધુ સૂટ થશે અને નીચે પોલો પૅન્ટ કે જે અત્યારે ટ્રેન્ડમાં છે એ વધુ સુંદર લાગશે. બાકી દરેકની અલગ-અલગ ચૉઇસ.’

કેટલું પૉકેટ-ફ્રેન્ડ્લી?

સામાન્ય રીતે આવી પ્રિન્ટનાં કપડાં મોંઘાં પડે છે, પરંતુ તમે એના માટે કેવું અને કેટલું મટીરિયલ વાપરો છો એના પર પણ વધુ ડિપેન્ડ કરે છે. તેમ જ જેટલું એને કસ્ટમાઇઝ્ડ કરવામાં આવે એટલો એનો ભાવ પણ વધે છે. આવા પ્રકારનાં જૅકેટ ૫૦૦થી લઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધીમાં પણ બજારમાં વેચાય છે.

આ પણ વાંચો : બૉલીવુડ એક્ટ્રેસિઝ પાસેથી પીળા રંગના સ્ટાઈલિશ આઉટફિટ્સ પહેરવાની ટિપ્સ

ઍનિમલ પ્રિન્ટનો ઇતિહાસ શું કહે છે?

ઍનિમલ પ્રિન્ટનો ઇતિહાસ જૂનો અને જાણીતો છે. પહેલાંના સમયમાં (આજે પણ કેટલાંક સ્થળે) આદિવાસી લોકો ઍનિમલ પ્રિન્ટનાં તો નહીં, પરંતુ પ્રાણીઓની ખાલનાં વસ્ત્રો પહેરતા હતા. અહીં સુધી અંગ્રેજોથી માંડીને આપણા દેશના અનેક રાજા-મહારાજાઓ પણ પ્રાણીઓની ખાલમાંથી બનતી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખતા હતા. જોકે એ સમયે ફૅશન શબ્દ ચલણમાં નહોતો. તેથી એને શોખ અને પરંપરા પણ ગણવામાં આવતી. પરંતુ આજે ફરી આ શોખ ફૅશનના નામે લોકોને પસંદ પડી રહ્યો છે. હવે જોવું રહ્યું આ ફૅશન કેટલો સમય ઇન રહે છે.

columnists life and style