જાએં તો આખિર જાએં કહાં?

11 February, 2019 12:08 PM IST  |  | વર્ષા ચિતલિયા

જાએં તો આખિર જાએં કહાં?

પ્રતીકાત્મક તસવીર

મેન્સ વર્લ્ડ

આપણા દેશના કાયદા મહિલાઓની તરફેણ કરે છે, પણ નૅશનલ ક્રાઇમ બ્યુરો રિપોર્ટના ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર એક વિવાહિત મહિલાની આત્મહત્યા સામે બે પરણેલા પુરુષો આત્મહત્યા કરે છે. વૈવાહિક જીવનમાં વાદવિવાદના કેસમાં પુરુષોની વિરુદ્ધ નોંધાયેલા ૭૦ ટકા કેસ ખોટા હોય છે એવું નોંધવામાં આવ્યું છે. પરણેલા પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે એની પાછળનાં કારણો તેમ જ આ રિપોર્ટ સંદર્ભે ચર્ચા કરીએ.

પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે એનું કારણ કેટલીક માથાભારે મહિલાઓ છે એવો જવાબ આપતાં મેન્સ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ જૈનિશ સરવૈયા કહે છે, ‘આજના સમયમાં છૂટાછેડા મહિલાઓ માટે ધીકતી કમાણી કરી આપતો બિઝનેસ બની ગયો છે. કાયદાની ઓથ લઈને પુરુષને હેરાન કરવામાં અને તેને નિચોવી નાખવામાં તેઓ કોઈ કચાશ રાખતી નથી. આપણા દેશના કાયદા એવા છે કે પુરુષને પોતાની જાતને નિર્દોષ પુરવાર કરતાં નાકે દમ આવી જાય છે. પત્ની કેસ નાખે એટલે સૌથી પહેલાં તો પોલીસ એમ જ કહેશે, તુઝી ચ ચુક અસેલ, ઘ્યા હ્યાલા આત મધે. ફૅમિલી કોર્ટમાં કેસને બોર્ડ પર ચડતાં છ મહિના થઈ જાય છે. એ પછી તારીખો પડ્યા કરે. સામે પક્ષે પત્ની ભરણપોષણપેટે મોટી રકમનો દાવો કરે છે. દસ લાખ જોઈએ ને પચીસ લાખ જોઈએ. બિચારો ક્યાંથી આપે? અરે તમને ભગવાને હાથ-પગ આપ્યા છે, તમે શિક્ષિત છો તો જાતે કમાઈને તમારું પેટ ન ભરી શકો? જેન્ડર ઇક્વાલિટીની વાત કરો છો તો અહીં કેમ અબળા બનીને પૈસા એંઠો છો? ઘણી વાર પુરુષો ત્રાસીને કહે કે લઈ લે તારે જોઈએ એટલા, પણ મારો પીછો છોડ તો હું કામધંધે ચડું. સામાજિક પ્રેશર, પૈસાની તંગી અને કોર્ટ-કચેરીના ધક્કા ખાઈને જ્યારે તે તૂટી જાય છે ત્યારે જીવન ટૂંકાવી દે છે.’

પુરુષોની વિટંબણા એ છે કે તેમની વાત સાંભળવાવાળું કોઈ છે જ નહીં. તેને પ્રતાડિત કરવામાં આવે તો કોને જઈને કહે એવો આક્રોશ વ્યક્ત કરતાં તેઓ કહે છે, ‘રસ્તામાં કોઈ મહિલાની છેડતી થાય તો મહિલા આયોગ તાબડતોબ ઍક્શનમાં આવી જાય છે, પરંતુ પુરુષ પર અત્યાચાર થાય તો કોને જઈને કહેવું એની તેને ખબર નથી. મહિલાઓને કાયદાનું રક્ષણ આપવામાં આવ્યું છે તો પુરુષોને કેમ નથી આપવામાં આવતું? શું પુરુષો એટલા ખરાબ છે કે પછી ભારતના વિકાસમાં તેમનું કોઈ યોગદાન જ નથી? જ્યાં સુધી તેમની વાત સાંભળવામાં નહીં આવે અને પુરુષ આયોગ નહીં બને ત્યાં સુધી આત્મહત્યાનું પ્રમાણ ઓછું નહીં થાય.’

NCRBના આંકડા કરતાં પણ ગ્રાઉન્ડ લેવલ પર હાલત વધુ ખરાબ છે એમ જણાવતાં પુરુષોના અધિકાર માટે લડત ચલાવતા વીરેન લાલન કહે છે, ‘બે વર્ષ પહેલાં ભારતમાં દર નવ મિનિટે એક વિવાહિત પુરુષ આત્મહત્યા કરે છે એવો રિપોર્ટ આવ્યો હતો. આજે દર છ મિનિટે એક પુરુષ પત્નીથી કંટાળીને જીવન ટૂંકાવે છે એવી માહિતી અમને મળી છે. આજે પૈસો પરમેશ્વર બની ગયો છે એ નરી વાસ્તવિકતા છે. કેટલીક મહિલાઓ તો પોતાના બાળકને ATM કાર્ડની જેમ વાપરે છે. મારે નાનું બાળક છે એટલે આટલો ખર્ચ તો આપવો જ પડશે. બાળકને મેઇન્ટેનન્સ મેળવવાનો જરિયો બનાવી દીધો છે. પુરુષ તેના અભ્યાસનો ખર્ચ ઉપાડે છે, એની ખાધાખોરાકી આપે છે તેમ છતાં મહિને એક વાર અડધો કલાક પોતાના બાળકને મળવા માટે તેને આજીજી કરવી પડે છે. આનાથી ભૂંડી દશા શું હોઈ શકે?’

પુરુષોની ફરિયાદ સાંભળવા માટે કોઈ દરવાજો તો હોવો જ જોઈએ એમ જણાવતાં તેઓ કહે છે, ‘મહિલા આયોગને દર વર્ષે મોટી રકમ ફાળવવામાં આવે છે. ભારતમાં ૭૩ ટકા પુરુષો ટૅક્સ ભરે છે. પુરુષોના ટૅક્સના પૈસા એની જ વિરુદ્ધ વપરાય છે. અરે, પ્રાણીઓ અને વૃક્ષો માટે પણ મિનિસ્ટ્રી છે તો પુરુષો માટે કેમ નહીં? સમાનતાની વાત છે તો આ બાબતમાં કેમ ભેદભાવ દેખાય છે? હકીકતમાં આપણી જુડિશ્યલ સિસ્ટમ એવી છે જેમાં એવી મહિલાની ફેવર કરવામાં આવે છે જે પત્નીના રૂપમાં છે. સાસુ, નણંદ, જેઠાણી સહિત આખા પરિવારને તે કોર્ટમાં ઢસડી જાય છે. આ મહિલાઓની વાત પણ ક્યાં સાંભળવામાં આવે છે? કોર્ટ મહિલાની નહીં, પત્નીની વાત સાંભળે છે. જો પુરુષોને કાયદાકીય રક્ષણ નહીં મળે તો એ સમય દૂર નથી જ્યારે પુરુષો લગ્ન કરવાનું જ બંધ કરી દેશે.

સાડાત્રણ વર્ષની પુત્રીની કસ્ટડી પપ્પાને સોંપવામાં આવી સામાન્ય રીતે પાંચ વર્ષથી નીચેના બાળકની કસ્ટડી માતાને સોંપવામાં આવે છે, પરંતુ તાજેતરમાં મુંબઈ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતાં સાડાત્રણ વર્ષની પ્રિશાની કસ્ટડી તેના પપ્પા રાહુલ ખુમાણને આપી છે. કેસની વિગત મુજબ રાહુલ અને તેની પત્ની વચ્ચે વાદવિવાદ થતાં મામલો કોર્ટમાં ગયો. કેસ શરૂ થતાં પહેલાં જ પ્રિશાની માતા તેને છોડીને ચાલી ગઈ હતી. પતિ પાસેથી ભરણપોષણપેટે મોટી રકમ પડાવવા તેને અચાનક પુત્રીની યાદ આવી. રાહુલના વકીલોની દલીલ અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવાના આધારે પ્રિશાની કસ્ટડી તેના પપ્પાને મળી છે. કેસ વિશે વાત કરતાં રાહુલ કહે છે, ‘માતાને કોઈ ગંભીર રોગ હોય, તે વિદેશમાં રહેતી હોય અથવા બીજાં લગ્ન કરવા માગતી હોય એવા કેસમાં જ પપ્પાને કસ્ટડી મળે છે; પરંતુ મારા કેસમાં આ ત્રણેય બાબતો ન હોવા છતાં કોર્ટે પ્રિશાની કસ્ટડી મને સોંપી છે. દોઢ વર્ષની બાળકીને છોડીને ચાલી જતાં જે માતાનો જીવ ચાલ્યો હોય તેને બાળકની કસ્ટડી ન જ મળવી જોઈએ. છેલ્લાં બે વર્ષથી પ્રિશાની દેખભાળ, પ્રાથમિક એજ્યુકેશન અને હેલ્થને લગતી તમામ બાબતોમાં મમ્મીની નહીં; પણ પપ્પાની ભૂમિકા મહત્વની હોવાની કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે બાળકની કસ્ટડી તેને જ મળે જે તેની દેખરેખ રાખવા સક્ષમ હોય.’

આ તો બેધારી તલવાર છે 

મિલકત સંબંધિત કેસ હૅન્ડલ કરતા ઍડ્વોકેટ વિનોદ સંપટ કહે છે, ‘પુરુષ હોય કે સ્ત્રી, કાનૂની આંટીઘૂંટી ભલભલાને હંફાવી નાખે છે. આજની મહિલાઓ માટે પતિ કરતાં પૈસા મહત્વના છે એ સાચી વાત છે, પરંતુ પુરુષો કંઈ દૂધે ધોયેલા નથી હોતા. મેં એવી લેડીઝ જોઈ છે જે કહે છે હું બ્યુટિફુલ છું; હસબન્ડ તો ગલીએ-ગલીએ મળી જશે, પણ ફ્લૅટ નહીં મળે. તો સામે એવા પુરુષો પણ જોયા છે જે ગર્લફ્રેન્ડ સાથે રહેવા તેમ જ પત્નીને ભરણપોષણ કે મિલકતમાં ભાગ ન આપવો પડે એટલે કાવાદાવા કરી પત્નીના ચારિત્ર્યને ઉછાળે છે. તેની પાછળ જાસૂસ લગાવે છે. મહિલાઓનો દાયરો સીમિત હોય છે. સામાન્ય રીતે તેઓ પારિવારિક કલેશના કારણે જીવન ટૂંકાવે છે. જ્યારે પુરુષોના માથે બહારના કમિટમેન્ટ્સનું પ્રેશર પણ હોય છે. વ્યક્તિ જ્યારે બધી બાજુથી ઘેરાઈ જાય છે ત્યારે એની બુદ્ધિ બહેર મારી જાય છે અને ન ભરવાનું પગલું ભરી બેસે છે.’ - વિનોદ સંપટ, ઍડ્વોકેટ

આ પણ વાંચો : વર્કિંગ વિમેન વચ્ચે જામી છે રસાકસી, ખરેખર?

મહિલાઓ માટે છૂટાછેડા ધીકતી કમાણી કરી આપતો બિઝનેસ બની ગયો છે. જાહેરમાં જેન્ડર ઇક્વાલિટીની વાતો કરનારી મહિલાઓ કોર્ટમાં અબળા બની પુરુષને નિચોવી નાખે છે - જૈનિશ સરવૈયા, મેન્સ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ

આપણા દેશમાં પ્રાણીઓ અને વૃક્ષો માટે મિનિસ્ટ્રી છે તો સરકારને ટૅક્સ ભરનારા પુરુષોની વાત સાંભળવા કેમ કોઈ દરવાજો નથી? - વીરેન લાલન, મેન્સ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ

Varsha Chitaliya columnists