હેલો ડૉક્ટર

05 July, 2020 08:53 PM IST  |  Mumbai | Hiten Aanandpara

હેલો ડૉક્ટર

પ્રખ્યાત ભારતીય ચિકિત્સક, શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક, સ્વતંત્રતાસેનાની અને રાજનેતા  બિધાનચંદ્ર રૉયના માનમાં ભારતમાં ૧ જુલાઈ ડૉક્ટર્સ ડે તરીકે ઊજવાય છે. ચિકિત્સા શિક્ષણના સંગઠનમાં તેમણે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ડૉ. રૉય ગાંધીજીના મિત્ર અને ચિકિત્સક હતા. આજે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા શાયરોને સાંકળી આપણા શ્વાસમાં વિશ્વાસ ઉમેરનાર તબીબોને થૅન્ક્સ કહીએ. દાંપત્ય જીવનની સાથે ડૉક્ટર-દરદીના સંબંધને પણ જોડી શકે એવો શેર ડૉ. ફિરદૌસ દેખૈયા પાસેથી મળે છે...

બેઉની દૃષ્ટિ ખરેખર એક હો

બેઉ પાસે એક સમજણ જોઈએ

રક્તમાં પૂરેપૂરું વ્યાપી રહે

સ્વસ્થ એવું એક સગપણ જોઈએ

દરદી અને ડૉક્ટર વચ્ચેનો સંબંધ માત્ર વ્યાવસાયિક ન રહેતાં એક માર્ગદર્શક અને મિત્રનો પણ બની શકે. એક સારો ફૅમિલી ડૉક્ટર સાચી સલાહ આપીને ઘણી વણજોઈતી આપત્તિમાંથી બચાવી શકે. ઇમર્જન્સીના કિસ્સામાં ડૉક્ટર પોતાની પારિવારિક જિંદગીને ખોરવીને અડધી રાતે પણ દરદીની સારવાર માટે ભાગતા હોય છે. ફરજ પ્રત્યેની તેમની સભાનતા અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ દરદીનો જીવ બચાવવામાં સહાયક બને છે. દરદી માંદગીથી કદાચ અકળાઈ જાય, પણ ડૉક્ટરને એમ કરવું પોસાય નહીં. દરદીએ ડૉક્ટર પર મૂકેલો ભરોસો કેટલીક વાર ઈશ્વરની પ્રાર્થનાથી પણ વિશેષ હોય છે. ડૉ. અશરફ ડબાવાલા એક એવી મન:સ્થિતિની વાત કરે છે જે ખાસ્સા અનુભવ પછી ધ્યાનમાં આવી શકે...

ખંજન મળે તો ખંજન, બંધન મળે તો બંધન

તું આપ એ જ લઈશું, મંથન મળે તો મંથન

વિસ્મય ને જ્ઞાન વચ્ચે બેઠો છું લઈ ફકીરી

પથરા પણ ચાલશે ને વંદન મળે તો વંદન

પ્રત્યેક વખતે ડૉક્ટરને જશ મળે એવું થતું નથી. જીવલેણ કિસ્સામાં જીવ બચાવવાની તે બનતી કોશિશ કરે છે છતાં અંતિમ પાનું કુદરત પાસે હોય છે. શરીરની બારાખડી બનાવવાનું કામ કુદરત કરે છે. ડૉક્ટરનું કામ બગડેલી બારાખડી સુધારવાનું છે. પોતાની ગંભીર માંદગીમાંથી હિંમતભેર બહાર આવનાર ડૉ. દીના શાહની અનુભૂતિ દરદીની આંખે સમજવા જેવી છે...

હું ટકોરાઓ દઈ પાછી ફરી

દ્વાર પર એના જઈ પાછી ફરી

જિંદગી અફસોસ ના કર આ રીતે

જે મળી એ ક્ષણ દઈ પાછી ફરી

હૉસ્પિટલની દુનિયા જુદી જ હોય છે. જેવો રોગ હોય એવો ભોગ આપવો પડે. પૈસેટેક તો ખરો જ, પણ કેટલાય કિસ્સામાં એકલી રહેતી વ્યક્તિ માટે બધું પાર પડવું મુશ્કેલ બને. પ્રવેશની પ્રક્રિયાથી લઈને રોજબરોજની દેખરેખમાં કોઈ અંગત સ્વજન કે મિત્રની હાજરી જરૂરી હોય છે. આવા સમયે એકલતા શારી નાખે. સંતાનો અન્ય શહેરમાં કે પરદેશ રહેતાં હોય ત્યારે ખરી ખોટ વર્તાય. ઇચ્છે તો પણ પહોંચી ન શકે. અથાક પ્રયાસો પછી પણ દરદીની હાલતમાં સુધારો ન થતો હોય ત્યારે કપરા ને અકારા નિર્ણય લેવાની ઘડી આવે. ડૉ. મુકુલ ચોક્સી આવી કરુણતા જોઈ શકે છે...

પિંજરના એક ભાગનું પક્ષીકરણ થયું 

છાતીના કલબલાટ વિશે શું કહું બીજું?

ભીંતેશ્વરાય નમ: કહી હાથ જોડ્યા બાદ

સાષ્ટાંગવત્ દશામાં પલંગસ્થ થઈ જવું

‘બેડ પર જ છે’ એવું કોઈ કહે એટલે ધ્રાસકો પડે. રોજિંદી ક્રિયાઓ પહાડ જેવી લાગે. વૃદ્ધાવસ્થામાં આનો ભાર એટલો બધો લાગે કે બેવડ વળેલી વેદના ચોવડ થઈ જાય. આશાને આંબવા બારીમાંથી બહાર નીકળેલી આંખો વિષાદ આંજીને પાછી ફરે. ડૉક્ટરની દૃષ્ટિએ  જોઈએ તો તેમના વ્યસ્ત જીવનમાંથી હૉસ્પિટલની બારીથી બહાર પડતી નજર તેમને એક બ્રેક આપે છે. ડૉ. દિલીપ મોદી કદાચ પોતાના ક્લિનિકમાંથી શું જુએ છે એની વાત આ પંક્તિઓમાં દેખાય છે...

નીકળ્યો છું માત કરવા રિક્તતાને

હું ઉગામું શસ્ત્ર મારી બારીએથી

વૃક્ષ, ઘર, રસ્તા, નદી, નભ, માણસો

સ્પર્શું  છું હું શ્હેર મારી બારીએથી

શહેરની હવા ફરજની આગળ જઈને ગરજ સાધવા માટે પંકાયેલી છે. કોઈ પણ ક્ષેત્ર હોય, હુંસાતુંસી ને હાયવોય રહેવાનાં જ. ફાર્મા કંપનીઓ ઍથિક્સની વિરુદ્ધ જઈને નફો રળવા કોઈ પણ સ્તરે જઈ શકે છે. શાસકને સાધવાથી લઈને ડૉક્ટરને લલચાવી દવાઓ વેચે છે. આને કારણે દવાઓ મોંઘી થાય છે. આ જોઈને દરદીઓનો જ નહીં, સેવાભાવી ડૉક્ટરનો પણ જીવ બળતો હોય છે. ડૉ. નટુભાઈ પંડ્યા આ નારાજગીને નવા વળાંક તરફ લઈ જાય છે...

માણસ ભેગા ભળવાવાળા માણસ ક્યાં છે

પોતાને ઓળખવાવાળા માણસ ક્યાં છે

ભલે પધાર્યા એમ લખેલાં તોરણ લટકે

ભલે પધારો કહેવાવાળા માણસ ક્યાં છે

કોરોનાના કપરા કાળમાં ડૉક્ટર્સ રાત-દિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. કેટલાયે દિવસો સુધી ઘરે ગયા નથી હોતા. ખરેખર આ બધાને સેંકડો સલામ અને વંદન પાઠવીએ તો પણ ટૂંકાં પડે. કોરોનાના મહત્તમ દરદીઓને સાજા કરનાર હૉસ્પિટલના ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફને તમે આનંદમાં ડાન્સ કરતા ટીવી પર જોયા હશે. દેશમાં સ્થિતિ વકરી રહી છે. મરક-મરક કરતો મરણનો આંકડો અટ્ટહાસ્ય કરતો થઈ ગયો છે. સમસ્યા એવી પેચીદી છે કે રોગને કાબૂમાં રાખવા જઈએ તો અર્થતંત્ર અળપાય અને અર્થતંત્રને સાચવવા જઈએ તો રોગ વકરે. બન્ને કાંઠે તહેનાત સમસ્યાઓ વચ્ચે મુશ્કેલી નામની નદી વહી રહી છે. ડૉ. લલિત ત્રિવેદીના શેર સાથે વાસ્તવિકતાની વેદના ઝીલવી અને જીરવવી પડશે. 

ઉતાર પોઠ ને સાંઢણી ઝુકાવ, વણજારા

હવે તો બસ કે આ છેલ્લો પડાવ, વણજારા

કયા પડાવનો પીડે અભાવ, વણજારા

હજી તો કેટલાં બાકી તળાવ વણજારા

ક્યા બાત હૈ

ક્યાંક હું મીરા તણા તંબૂરનો એક તાર છું

ક્યાંક હું પીંછાં સમો શિર પર મુગટનો ભાર છું

 

ક્યાંક  સાતે  લગામે સારથી અસવાર છું

ક્યાંક હું ગાંડિવથી નીકળ્યો અચૂક વાર છું

 

ક્યાંક  હું  ભક્તિસભર ચાદર વણે એ શાળ છું

ક્યાંક હું આકાશથી ડોકે પડેલો હાર છું

 

ક્યાંક  હું પુરુષોત્તમે વિજયી કર્યો સંહાર છું

ક્યાંક હું સ્તંભે જડેલો પ્રેમનો અવતાર છું

 

ક્યાંક હું દામોદરે વાગી રહી કરતાલ છું  

ક્યાંક હું પકડી કલમ, શાયર મનોજે યાર છું

- ડૉ. જગદીપ નાણાવટી 

columnists