આ કપલની પ્યાર કી ઝપ્પી ‍બાળકને કરી દે છે હૅપ્પી

11 October, 2020 08:07 PM IST  |  Mumbai | Rupali Shah

આ કપલની પ્યાર કી ઝપ્પી ‍બાળકને કરી દે છે હૅપ્પી

પ્રેરણાદાયી કપલઃ સંગીતા અને રાજેશ ગાલા તેમના ફૉસ્ટર ચાઇલ્ડ સાથે. અનાથાશ્રમમાંથી ફૉસ્ટરિંગ માટે આવેલા બાળકને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે એ માટે એની આઇડેન્ટિટી રિવિલ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે છે

અજાણ્યાં બાળકોની કડકડતી એકલતામાં આત્મીય સ્વજન બની હૂંફનું તાપણું આપતું યુગલ સંગીતા અને રાજેશ ગાલા છેલ્લાં પાંચ વર્ષથી બેબી ફૉસ્ટરિંગ કરે છે. શું છે આ બેબી ફૉસ્ટરિંગ? બાળકોની આ સ્પેશ્યલ કૅર કેવી રીતે લેવામાં આવે છે અને એમાં કયા-કયા પડકાર ઝીલવા પડે છે? આવો જાણીએ...

કોઈક કારણસર અમુક બાળકો માતા-પિતાની છત્રછાયા નથી મેળવી શકતાં. આવાં બાળકો અનાથાશ્રમ કે સંસ્થામાં આવે છે અને અમુક પરિવાર દ્વારા દત્તક લેવાય છે. સંસ્થામાં આવ્યા પછી અને બાળક દત્તક લેવાય એ વચ્ચેનો સમય ઘણો નાજુક હોય છે. ખાસ કરીને એક દિવસની ઉંમરથી એક વર્ષ સુધીની કુમળી વયનાં બાળકોને દેખભાળની વિશેષ જરૂર હોય છે.

મુંબઈના ખંભાલા હિલ વિસ્તારમાં રહેતું સંગીતા અને રાજેશ ગાલા નામનું દંપતી આવી જ જવાબદારીભર્યું કામ માત્ર સેવાભાવે કરી રહ્યું છે. સંગીતાબહેન ૫૭ વર્ષનાં અને રાજેશભાઈ ૬૨ વર્ષનાં છે. તેમનાં ખુદનાં ત્રણ સંતાનો છે. આ કપલ નાના-નાનીની પદવી પણ મેળવી ચૂક્યું છે. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી બાળક ફૉસ્ટર કરે છે. સંગીતાબહેન કહે છે, ‘કાયદાની દૃષ્ટિએ જોઈએ તો દરેક બાળક પ્રેમ અને માવજતનું અધિકારી છે. આપણે ત્યાં ફૉસ્ટરિંગ વિશે લોકો બહુ જાણતા નથી. પરિવારવિહોણાં બાળકોને કોઈ પ્રેમાળ પરિવાર અડૉપ્ટ ન કરી લે ત્યાં સુધી એ બાળકોની સ્પેશ્યલ કૅર કરવાની અમે કોશિશ કરીએ છીએ.’

ફૉસ્ટરિંગ વિશે વધુ ફોકસ પાડતાં તેઓ આગળ કહે છે, ‘અનાથાશ્રમ કે ઇન્સ્ટિટ્યુશનમાં ૪૦-૫૦ છોકરાઓ વચ્ચે સાવ નાનકડા બાળકને ઉછેરવાને બદલે જ્યાં સુધી તેમને અડૉપ્ટ કરનારું ફૅમિલી ન મળે ત્યાં સુધી ખાસ સારી ફૅમિલી વચ્ચે આ બાળકોનો ઉછેર થાય એવી વ્યવસ્થા. એક ફૅમિલી એન્વાયર્નમેન્ટમાં મોટું થવાને લીધે એ બાળક જ્યારે દત્તક લેવાય છે ત્યારે ટ્રાન્ઝિશન પિરિયડમાં થયેલી ઉત્તમ માવજતને લીધે તેની આગળની પ્રોસેસ સ્મુધ થાય છે.’

કચ્છી વીસા ઓસવાળ સમાજનાં સંગીતાબહેન સંતોષી, અત્યંત પ્રેમાળ અને લાગણીસભર વ્યક્તિ છે. બાળપણથી જ તેઓ કોઈની હેલ્પ કરવા તત્પર રહેતાં. પેરન્ટ્સે આપેલી વ્યવસ્થિત લાઇફ-સ્ટાઇલ અને સારા એજ્યુકેશન પછી તેમનાં લગ્ન રાજેશભાઈ સાથે થયાં અને તેઓ યુએસએ ગયા. કોઈ પણ સપનું સાકાર કરવા તમને કોઈના સપોર્ટની જરૂર પડે છે એવું કહેતાં સંગીતાબેન કહે છે, ‘રાજેશ તરફથી મને હંમેશાં ભરપૂર સપોર્ટ મળ્યો છે. લગ્ન પછી અમને પોતાનાં ત્રણ બાળકો હોવા સાથે એક બાળક અડૉપ્ટ કરવાની પણ ઇચ્છા હતી. અમે યુએસએમાં સેટલ થઈ ગયાં હતાં, પણ મુંબઈમાં વસતા અમારા પરિવાર સાથે બાળકોનું અટેચમેન્ટ બની રહે અને તેઓ આપણું કલ્ચર જાણે એવી ઇચ્છાને લીધે દર વર્ષે એક વાર અમે ઇન્ડિયા આવતાં. એક વખત અમારી મુંબઈની એક ટ્રિપ દરમ્યાન મારા પપ્પા તેમ જ સસરાજી બન્ને માંદા પડ્યા. અહીં અમારાં બીજાં ભાઈ-બહેન હતાં છતાં વડીલોની તકલીફ વખતે આપણે તેમના પડખે ઊભા રહીએ એવા વિચારે મેં અને રાજેશે કાયમ માટે મુંબઈ પાછા આવી જવાનો તાત્કાલિક નિર્ણય લઈ લીધો. મુંબઈ આવીને રાજેશ તેમના નવા બિઝનેસમાં અને હું બાળકોના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ. મારા સસરા અને ત્યાર પછી સાસુની માંદગી, બાળકોના ઉછેરમાં ધીમે-ધીમે દાયકો વીતી ગયો અને મારું અને રાજેશનું બાળક દત્તક લેવાનું સપનું પાછળ ઠેલાતું ગયું.’

ઘર-પરિવારની બધી જવાબદારીઓ સાથે બાળક અડૉપ્ટ ન કરી શકું તો કંઈ નહીં, પણ બૅક ઑફ ધ માઇન્ડમાં બાળક ફૉસ્ટરિંગ માટેની ઇચ્છા તેમના મનમાં સળવળતી રહેતી. તેઓ કહે છે, ‘વિદેશમાં બાળક ફૉસ્ટરિંગ કૉમન વાત છે, પણ આપણે ત્યાં એ વિશે ખાસ કોઈને ખબર નહોતી. હું તપાસ કરતી, પણ કશું નક્કર હાથમાં નહોતું આવતું. એક વાર એક આર્ટિકલમાં મને વાંચવા મળ્યું કે કોલાબા વિસ્તારમાં એક જગ્યાએ ફૉસ્ટરિંગ સેન્ટર ચાલે છે. એ વખતે હું ઘણા એનજીઓ સાથે સંકળાયેલી હતી. એ વખતે એક સ્લમ સેક્ટરના સાયન્સ ફેરમાં કફ પરેડ વિસ્તારમાં હેલ્પ કરવા જવાનું થયું અને અચાનક જ મને ફૉસ્ટરિંગ સેન્ટર વિશે તપાસ કરવાનો ઈશ્વરીય સંકેત મળ્યો. આટલા મોટા કોલાબા વિસ્તારમાં હું પેલું ફૉસ્ટરિંગ સેન્ટર શોધતી રહી. છેવટે કલાકની રઝળપાટના અંતે મને મારું ડેસ્ટિનેશન મળી ગયું.’

રાજેશભાઈએ પણ તેમને આ સારા કામ માટે સાથ આપ્યો અને પાંચ વર્ષ પહેલાં તેમની આ જર્ની શરૂ થઈ. બીજા દિવસે જ સંગીતાબહેને ફૉસ્ટરિંગ માટે કોલાબાના ‘ફૅમિલી સર્વિસિસ સેન્ટર’માં તેમનું નામ રજિસ્ટર કરાવી દીધું. સેન્ટરમાંથી બેબી અવેલેબલ હશે ત્યારે તમને જણાવીશું એવું કહેવામાં આવ્યું. તેઓ ખૂબ ઉત્સાહથી કહે છે, ‘લગભગ એક મહિના પછી મને ફોન આવ્યો કે બે મહિનાની બેબી-ગર્લ છે વુડ યુ લાઇક ટુ ફૉસ્ટર? મારી ખુશીનો પાર ન રહ્યો. ઈશ્વરે મારી વાત સાંભળી. આજે એ વાતને સાડાચાર-પાંચ વર્ષ થઈ ગયાં છે અને આજે અત્યારે હું પંદરમું બેબી ફૉસ્ટર કરું છું. ફૉસ્ટરિંગ માટે મોટા ભાગે એક વર્ષની અંદરનાં જ બાળકો હોય છે. હાલમાં મારે ત્યાં જે બેબી-ગર્લ છે એ માત્ર દોઢ જ દિવસની હતી અને મારે ત્યાં આવી હતી. આજે ૪૦ દિવસની થઈ ગઈ છે,’

જોકે ફૉસ્ટરિંગમાં ઘણા પડકાર આવે છે. એક બાળક આવે ત્યારે એક માએ ઘણા ત્યાગ કરવાના હોય છે એવું કહેવાય છે, પણ સંગીતાબહેનને પોતાનામાં ખૂબ વિશ્વાસ છે. તેઓ કોઈ પણ કામ કરે તો ૧૦૦ ટકા નહીં, ૧૧૦ ટકા આપીને જ કરે છે. ફૉસ્ટર બેબીને તેઓ શૉપિંગ મૉલમાં કે કોઈ પણ ફંક્શનમાં બધે જ સાથે લઈ જાય છે. ફૉસ્ટરિંગમાં ટ્રસ્ટ પણ ખૂબ જરૂરી છે. રાતે ૩થી ૪ વાર ઊઠીને રડતા બાળકને સાચવવું કે તેને ખવડાવવું, માલિશ કરવું, નવડાવવું જેવાં કોઈ પણ કામ તેમને અઘરાં કે પળોજણવાળાં નથી લાગતાં. તેઓ કહે છે, ‘માતાથી અને માતાના દૂધથી દૂર એ બાળકોને આપણે વહાલ કરીએ, હગ કરીએ, કિસ કરીએ અને કાળજી લઈએ તો જ તેનો ગ્રોથ થવાનો છે. જો ઘરે રહીને પણ તેને આયા પાસે જ મોટું કરવાનું હોય તો તે ત્યાં અનાથાશ્રમમાં જ શું ખોટું હતું? ફૉસ્ટર કરું ત્યારે 24X7 હું તેમને માટે અવેલેબલ હોઉં છું.’

સંગીતાબહેને સેન્ટર પર પણ કહી રાખ્યું છે કે દિવસ-રાતની ઇમર્જન્સી વખતે આ ઘર ૨૪ કલાક ખુલ્લું છે. તેઓ કહે છે, ‘ક્યારેક ઑલરેડી મારી પાસે બેબી હોય અને બીજું બેબી પણ સંભાળવાનું આવે. એવું મેં ત્રણ વાર કર્યું છે. એને

ગ્રુપ-ફૉસ્ટરિંગ કહેવાય.’

 તાજેતરમાં આવેલી ન્યુ બોર્ન બેબીની સાથે જ તેમણે ૯ મહિનાનું બેબી પણ ફૉસ્ટર કર્યું હતું, જે હાલમાં જ અડૉપ્ટ થયું.

એક બેબી વિશેના પડકારજનક કિસ્સા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સાંજે મને સેન્ટર પરથી ફોન આવ્યો કે એક બેબી આવ્યું છે, પણ તેને ખૂબ વાગ્યું છે એટલે ડૉક્ટર પાસે તેની સારવાર કરાવ્યા પછી તમને એક દિવસ માટે સોંપીશું. રાતે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ એ બાળક મારે ત્યાં આવ્યું. આશરે નવેક મહિનાના એ છોકરાના શરીર પર ખૂબ જખમ હતા. તે  રડતો પણ ખૂબ હતો. સાવ અજાણ્યું લાગતું હતું તેને. પણ સવાર સુધીમાં તે મારી સાથે થોડો હળ્યો હતો. સવારે સેન્ટરવાળા લેવા આવ્યા ત્યારે મેં રિક્વેસ્ટ કરી કે તેના જખમ સારા ન થાય ત્યાં સુધી હું તેને મારી પાસે રાખવા માગું છું. એ વખતે પણ રાજેશ અને મારા દીકરાએ મને ખૂબ સપોર્ટ કર્યો. ત્યાર પછી એ છોકરાની બૉમ્બે હોસ્પૉટલમાં સર્જરી કરાવી. અફકોર્સ સેન્ટરની મદદથી જ. પણ એ મારે ઘરે હતો એટલે એની કાળજી મારે જ રાખવાની હતી. દોઢ મહિના પછી જે છોકરો આવ્યો ત્યારે સ્માઇલ સુધ્ધાં નહોતો કરી શકતો તે અહીંથી ગયો ત્યારે એકદમ હૅપી હતો અને હસતો-રમતો ગયો.’

હમણાં પેન્ડેમિક વખતની એક બેબી વિશેની વાત કરતાં તેઓ કહે છે, ‘૩૬ દિવસનું એક બાળક આવ્યું હતું, રાત પડેને ખૂબ જ રડે. તેને પેટમાં દુખતું. ખૂબ દવા કરી. ચારેક મહિના ટફ ગયા, પણ પછી સારું થઈ ગયું. લૉકડાઉનને કારણે તેનું અડૉપ્શન થોડું પાછળ ઠેલાયું. એ મારી પાસે આઠેક મહિના રહ્યું અને હમણાં જ દત્તક લેવાયું.’

એક બાળક સાથે લાગણીના તાર બંધાઈ જતા હોય છે તો પછી તેનાથી છૂટા પડીએ ત્યારે શું? પહેલવહેલા ફૉસ્ટરિંગ પછી એ બાળકથી છૂટા પડવાની વેદના વિશે વાત કરતાં સંગીતાબહેન કહે છે, ‘પંદર દિવસ સુધી હું બાલદી ભરાય એટલું રડી છું. મેં ધાર્યું જ નહોતું કે આ આટલું તકલીફદાયી હશે. આટલાં દુખ અને પીડા થશે. ધીમે-ધીમે મેં મારી જાતને સમજાવી કે મારી લાગણીઓ મહત્ત્વની છે કે એ બાળકના જીવનનો બદલાવ અને વિકાસ? બસ એ દિવસ પછી મને ગમે એટલું દુઃખ થાય પણ એટલો સંતોષ તો ચોક્કસ રહે છે કે એ બાળક એક સુંદર પરિવારમાં જઈ રહ્યું છે. ઈશ્વરે મને આ કામ સોંપ્યું છે અને મારે એના ઑર્ડર જ ફૉલો કરવાના છે.’

સંગીતાબહેનની ફૅમિલી, ફ્રેન્ડ્સ તેમ જ ઓળખીતા લોકો તેમની પાસે ફૉસ્ટરિંગ માટે આવેલાં બાળકોને ખૂબ નસીબદાર માને છે, પણ સંગીતાબહેન કહે છે, ‘અમને એમ લાગે છે કે અમે ખૂબ લકી છીએ. નાનકડું બાળક આવતાં જ ઘરમાં પૉઝિટિવિટી વધી જાય છે. આમ રાજેશ ઑફિસથી દરરોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં આવતા હોય છે, પણ બેબી ઘરમાં હોય ત્યારે તો માર્કેટ પતે કે ત્રણ-સાડાત્રણ વાગ્યે ગાડીમાં બેસી જાય. આવીને બાળકની સાથે રમે અને તેમનું ધ્યાન પણ રાખે જેથી હું બીજાં કામ પતાવી શકું. રાજેશ અને મારો દીકરો ઑફિસથી પાછા આવે ત્યારે રીતસરના બેબીને પહેલાં હું હાથમાં લઈશ અને રમાડીશ એવી ચડસાચડસી પણ થાય. પરિવારનું દરેક જણ બાળકમાં ઇન્વૉલ્વ થઈ જાય છે. સાચું કહું તો અમે જેટલું આપીએ છીએ એના કરતાં અનેકગણું વધુ મેળવીએ છીએ.’ 

સંગીતાબહેન અને રાજેશભાઈની મોટી દીકરી તેમ જ દીકરો યુએસ છે. દૂર રહેવા છતાં તેઓનો પણ આ કામ માટે ફુલ સપોર્ટ મળે છે. ફૉસ્ટર બેબી જવાનું હોય ત્યારે તેમના ગ્રૅન્ડ ચિલ્ડ્રન્સ

વિડિયો-કૉલમાં સૌથી પહેલો સવાલ એ કરે છે કે ગ્રેની હવે ફરી પાછું બેબી ક્યારે આવશે? તેમનાં ત્રણેય સંતાનો પેરન્ટ્સને સહકાર તો આપે જ છે, સાથે તેમને માટે ગર્વ પણ અનુભવે છે.

આ દંપતીએ ૨૩૫ પ્લસ ફૅમિલીને બાળકના અડૉપ્શન ફૉર્મ ફીલ કરવામાં હેલ્પ કરી છે. એ ઉપરાંત તેઓ સેન્ટર માટે પણ ડોનેશન ભેગું કરે છે. ઑલ ઓવર મુંબઈના લોકો પાસેથી તેઓ બાળકોની સારી વસ્તુઓ પણ કલેક્ટ કરાવી પોતાના ઘરમાં સ્ટોર કરી રાખે છે અને  નવા બેબીની જરૂરિયાત પ્રમાણે સેન્ટરમાં મોકલી આપે છે. ફેસબુક પર તેમનું હેલ્પ માટેનું એક પેજ પણ છે. સંગીતાબહેન પોતાના સસરાનું ટ્રસ્ટ પણ સંભાળે છે. તેઓ કવીઓ સમાજનાં ઘણા એનજીઓ સાથે પણ સંકળાયેલા હતા. સ્લમ, એચઆઇવી, મેન્ટલી ચૅલેન્જ્ડ ચિલ્ડ્રન માટેની મદદ ઉપરાંત તેઓ સાતારાની 3 મેન્ટલી ચૅલેન્જ્ડ અને અનાથાલયો માટે પણ તેમના ટ્રસ્ટ દ્વારા કાર્યરત છે. વર્ષમાં બે વાર તેઓ બન્ને સ્થળે પર્સનલી વિઝિટ પણ કરે છે.

સેવાના કામને જોરશોરથી ગાવાની બિલકુલ જરૂર નથી એવું તેઓ બન્ને માને છે, પણ ફૉસ્ટરિંગ વિશે લોકોએ જાણવાની જરૂર છે એટલે ફેસબુક, સોશ્યલ મીડિયા, મૅગેઝિન દ્વારા સંગીતાબહેન આ વિશેની જાગરૂકતા ફેલાવવાની કોશિશ કરે છે. તેઓ કહે છે, ‘આજે જો દરેક ફૅમિલી તેમના જીવનકાળ દરમ્યાન ફક્ત એક જ વાર પૂરતું એક બાળકને પણ ફૉસ્ટર કરે તો કોઈ પણ બાળકને અનાથાલયમાં જવાની જરૂર જ ન પડે અને મારું આ ડ્રીમ છે. મારા ડ્રીમને પૂરું કરવું હોય તો મારે આ વિશે જાગરૂકતા ફેલાવવી જરૂરી પણ છે.’

columnists