મળો વંદે ભારત મિશનના ગુજરાતી પાઇલટને

03 June, 2020 10:31 AM IST  |  Mumbai | Shailesh Nayak

મળો વંદે ભારત મિશનના ગુજરાતી પાઇલટને

વંદે ભારતના પાઇલટ

‘વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવાની મને તક મળી એનો મને ગર્વ છે. મને મળેલી તકને ન્યાય આપી શક્યો એનો આનંદ છે.’
આ કપરા કાળમાં વિદેશમાં અટવાઈ ગયેલા ભારતીય નાગરિકોને પાછા સ્વદેશ લાવવા માટે ભારત સરકારે ‘વંદે ભારત’ મિશન શરૂ કર્યું એમાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસની પ્રથમ ફ્લાઇટ દુબઈથી મૅન્ગલોર સુધી સહીસલામત લાવનારા ગુજરાતી પાઇલટ પ્રત્યુષ વ્યાસના આ શબ્દો છે. તેઓ દુબઈથી ૪૫ પ્રેગ્નન્ટ લેડીઝ, ૬૦ જેટલા સિનિયર સિટિઝન્સ સહિત ૧૮૦ જેટલા મુસાફરોને સ્વદેશ પહોંચાડવામાં નિમિત્ત બન્યા હતા અને એનો સંતોષ તેમની સાથેની વાતચીતમાં પણ છલકાતો હતો.


લૉકડાઉનને કારણે ભારતમાંથી બહાર જવાનું તો બંધ થઈ જ ગયું હતું, પણ બહારના દેશોમાંથી ભારતીયો પણ અંદર આવી શકતા નહોતા. દેશ-વિદેશમાં અવરજવર પર પ્રતિબંધ મુકાઈ જતાં ભારતના કંઈકેટલાય નાગરિકો વિદેશમાં અટવાઈ ગયા હતા. રોજેરોજ આપણે સમાચારમાં જોતા હતા કે પારકા દેશમાં ફસાયેલા ભારતીયોની ચિંતા હવે ચરમસીમા વટાવી રહી છે. એવામાં ભારત સરકારે ‘વંદે ભારત’ મિશન અમલમાં મૂક્યું. સૌથી પહેલાં દુબઈ જઈને ત્યાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ બૅન્ગલોરથી દુબઈ મોકલવાનું નક્કી થયું. આ ફ્લાઇટના કૅપ્ટન હતા પ્રત્યુષ વ્યાસ.
જેમનો ઉછેર મુંબઈના બાંદરા અને ત્યાર બાદ કાંદિવલીમાં થયો છે અને છેલ્લાં ૧૨ વર્ષથી ઍર ઇન્ડિયા સાથે સંકળાયેલા અને હાલમાં ફ્લાઇટના કૅપ્ટન તરીકે કાર્યરત પ્રત્યુષ વ્યાસને જ્યારે ખબર પડી કે તેમણે પહેલી ફ્લાઇટ લઈને વંદે ભારત મિશનમાં જવાનું છે ત્યારે તરત જ તેઓ તૈયાર થઈ ગયા. તેઓ કહે છે કે ‘હું માર્ચ એન્ડિંગમાં સૌથી છેલ્લી ફ્લાઇટ લઈને દુબઈથી મૅન્ગલોર આવ્યો હતો. ત્યાર બાદ દેશની સીમા સીલ થઈ ગઈ. અમે દરરોજ ફૉરેન ફ્લાઇટ્સ ઉડાડતા હોઈએ અને ઍરપોર્ટમાં રોજની અવરજવર હોય એટલે અમને પણ શરૂઆતમાં હોમ-ક્વૉરન્ટીન થવું પડ્યું. આ દિવસો દરમ્યાન કોરોનાને લઈને અમે પણ અમારા પ્રોફેશન પ્રમાણે અપડેટ લેતા હતા. કોઈ પણ સમયે હું ઉડાન ભરવા માટે ૯૦ ટકા પ્રિપેર હતો. એવા સમયમાં ‘વંદે ભારત’ મિશનની વાત આવી. હું તૈયાર હતો. ઉપરવાળાએ મને તક આપી કે દેશ માટે હું કંઈક કરી શકું એ જ મોટી વાત હતી. તરત જ હું પ્રિપરેશનમાં લાગી ગયો. આમ તો કૅપ્ટન તરીકે વર્ષોનો અનુભવ છે, પણ આ કટોકટીના સમયનો અનુભવ અમને નહોતો. અમારા માટે મુસાફરોનું સ્વાસ્થ્ય અને સેફટી એ ફર્સ્ટ પ્રાયોરિટી હતી. ત્રણ દિવસ પહેલાં જ અમારા છ ક્રૂ-મેમ્બર્સની કોવિડ-૧૯ ટેસ્ટ થઈ. એ પછી ડૉક્ટરો પાસેથી પીપીઈ કિટ પહેરવાની ટ્રેઇનિંગ લીધી. મુસાફરો સેફ રહે એ માટે શું-શું કરવું એની ગાઇડલાઇન તૈયાર કરી. આમ સાવ અલગ જ પ્રકારની ચૅલેન્જ અમારી સામે હતી. ખાલી ફ્લાઇટ લઈને દુબઈ જવાનું અને ત્યાંથી પાછા ફરવાનું હતું અને આ વખતે સેફ્ટીના માપદંડો જુદા હતા. મને ખબર હતી કે આ મિશનની આ ફર્સ્ટ ફ્લાઇટ હતી જેમાં અંદાજે ૪૫થી ૫૦ જેટલી પ્રેગ્નન્ટ લેડીઝ, ૬૦ જેટલા સિનિયર સિટિઝન્સ, ચાર બાળકો સહિત ૧૮૦ જેટલા મુસાફરોને દુબઈથી પાછા લાવવાની જવાબદારી હતી. ઍરક્રાફ્ટના સૅનિટાઇઝેશન સહિત અનેક એક્સ્ટ્રા પ્રિકોશન્સનું પ્લાનિંગ કરવાનું હતું.’
પ્રત્યુષ વ્યાસ સહિત કુલ ૬ જણની ટીમ દુબઈ ગઈ અને પાછી આવી એ સફરની વાત કરતાં તેઓ કહે છે, ‘દુબઈથી અમે ૧૨ મેએ ૧૮૦ ભારતીયોને લઈને ઇન્ડિયા આવવા નીકળ્યા હતા અને રાતે ૧૦.૦૫ વાગ્યે મૅન્ગલોર લૅન્ડ થયા હતા. દુબઈથી મૅન્ગલોર આવતાં ૪ કલાક જેટલો સમય થાય છે. એ દરમ્યાન ફ્લાઇટમાં બધું જ લિટરલી ભેંકાર લાગે એટલું શાંત હતું. મારી સાથે કૉકપિટમાં એક કો-પાઇલટ હતા. એ ઉપરાંત ફ્લાઇટમાં ૪ કૅબિન ક્રૂ મેમ્બર હતા. જનરલી કૅબિનમાં વાતચીત થાય, પરંતુ એ દિવસે બધું ક્વાઇટ. કૉકપિટમાં પણ એકદમ સન્નાટો. અરે ત્યાં સુધી કે મુસાફરોની પણ કોઈ ફરિયાદ નહોતી. સામાન્ય દિવસોમાં મુસાફરો ઍરહૉસ્ટેસને બેલ મારી-મારીને નાની-મોટી વાતે બોલાવે, પણ એ દિવસે ફ્લાઇટમાં પણ પિન ડ્રૉપ સાયલન્સ હતું. મુસાફરો સૂચનાઓનું પાલન કરતા હતા અને કો-ઑપરેટ કરતા હતા. અમે યુનિફૉર્મ પર પીપીઈ કિટ પહેરી હતી એટલે અમારા માટે મુશ્કેલજનક પરિસ્થિતિ હતી. બીજી તરફ નવાઈ એ હતી કે ચાર કલાકની મુસાફરી દરમ્યાન ઍર ટ્રાફિક જરાય હતો જ નહીં. આવો અનુભવ પાઇલટ તરીકે મને પણ પહેલી જ વાર થયેલો.’

પત્નીએ સલાહ આપેલી કે સેવા કરજો, પણ સાથે સાવચેતી પણ રાખજો
વંદે ભારત મિશન અંતર્ગત જ્યારે ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવા માટે પ્રત્યુષ વ્યાસને દુબઈ જવાનું થયું ત્યારે ફૅમિલીના રીઍક્શન વિશે પ્રત્યુષ કહે છે, ‘મારે જ્યારે દુબઈ જવાની વાત આવી ત્યારે ફૅમિલી થોડી ચિંતામાં મુકાયેલી. જોકે ચિંતા વચ્ચે પણ મારી વાઇફ જેમિનીનો મને સાથ હતો. તેણે મને કહેલું કે આ દેશસેવાનો મોકો છે. સેવા કરવાની, પણ સાથે સાવચેતી પણ રાખવાની.’

મુંબઈમાં સંઘર્ષભર્યા જીવન વચ્ચે પાઇલટ બન્યા પ્રત્યુષ વ્યાસ
અંદાજે ૭૫૦૦ કલાકનો ફ્લાઇંગ-એક્સ્પીરિયન્સ ધરાવતા પ્રત્યુષ વ્યાસ આસાનીથી પાઇલટ નથી બની ગયા. એ પહેલાં તેમણે મુંબઈમાં ઘણો સંઘર્ષ વેઠ્યો છે. પાઇલટનો અભ્યાસ કર્યા પછી પણ નોકરી નહીં મળતાં તેમણે અન્ય જગ્યાએ નોકરી કરી છે, સેલ્સમૅન તરીકે ઘેર-ઘેર ફરીને પ્રોડક્ટ વેચવાનું કામ પણ કર્યું છે.
મૂળ બારડોલીના અને ૨૮ વર્ષ મુંબઈમાં રહેલા પ્રત્યુષ વ્યાસ તેમની પાઇલટ બનવાની જર્ની વિશે કહે છે, ‘પહેલાં અમે બાંદરામાં રહેતા હતા અને ત્યાર બાદ કાંદિવલી-વેસ્ટમાં. અત્યારે કામને કારણે હાલ હું મૅન્ગલોર રહું છું. મુંબઈમાં સ્કૂલ–કૉલેજમાં અભ્યાસ પૂરો કર્યા બાદ ફલાઇંગની ટ્રેઇનિંગ માટે ઇન્દોરમાં આવેલી મધ્ય પ્રદેશ ફ્લાઇંગ ક્લબમાં ૧૯૯૫માં જોડાયો હતો. ફ્લાઇંગ શીખીને હું દિલ્હી ગયો હતો. પાઇલટની નોકરી ન મળી એટલે મુંબઈ પાછો આવ્યો હતો. મુંબઈમાં એક ચૉકલેટ કંપનીમાં સેલ્સમૅન તરીકે કામ કર્યું. અંધેરી, સાંતાક્રુઝ, પાર્લામાં દુકાને-દુકાને જઈને ઑર્ડર લેતો હતો. હવે જ્યારે દેશ-વિદેશમાં ફરું છું અને ચૉકલેટ ખાઉં છું ત્યારે એ દિવસો યાદ આવે છે. જ્યારે એના ઑર્ડર લેવા માટે ફરતો હતો. જિંદગીના બહુ બધા એક્સ્પીરિયન્સ કર્યા છે.’

વતનવાપસી બાદસર્જાયાં ભાવુક દૃશ્યો
મુસાફરોએ જ્યારે સ્વદેશમાં પોતાની માતૃભૂમિ પર પગ મૂક્યો ત્યારે બધાને હાશકારો થયો. તાળીઓના ગડગડાટ થયા, કેટલાય મુસાફરોની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં. પ્રત્યુષ કહે છે, ‘આ બધું જોઈને મને અને આખી ટીમને આત્મસંતોષ થયો કે અમે અમારા દેશવાસીઓને સલામત રીતે સ્વદેશ પાછા લાવ્યા. મને આ તક મળી અને તેને હું ન્યાય આપી શક્યો એ માટે સંતોષ અનુભવાતો હતો. લૅન્ડ કર્યા પછી મુસાફરોએ તાળીઓ પાડી, ઘણા હર્ષ સાથે રડતા હતા કે થૅન્ક ગૉડ અમને લઈ આવ્યા. અરે યાર ઘરે પહોંચી ગયા. ઘણા મુસાફરોના ગળે ડૂમો ભરાઈ ગયો હતો એ ઍરપોર્ટ પર છૂટો કર્યો હતો. એ બધા મુસાફરો ખુશ થઈ ગયા હતા કે હવે આવી ગયા, ઘરે જઈશું એવી લાગણી વ્યક્ત કરી હતી. જોકે એ પછી પણ બધાનું મેડિકલ ચેકઅપ થાય એ જરૂરી હતું. બીજી તરફ અમે હૉસ્પિટલમાં ગયા, હેલ્થ-ચેકિંગ થયું અને અમારે એ પછી સાત દિવસ ક્વૉરન્ટીન થવાનું આવ્યું. એ પછી ફરીથી કામે લાગી ગયા છીએ.’
કપરા સંજોગો વચ્ચે કોરોના વૉરિયર્સની હિંમતને, તેના જુસ્સાને દાદ દેવી પડે એવી કામગીરી તેમણે પાર પાડી છે. ગઈ કાલે તેઓ અબુ ધાબીથી બીજી ફ્લાઇટમાં બીજા ભારતીયોને કેરળમાં કન્નુર લઈ આવ્યા હતા.

shailesh nayak columnists