17 August, 2025 05:59 PM IST | Rajasthan | Aashutosh Desai
લલિતા નેહરા
રાજસ્થાનના ટચૂકડા ગામમાં ખેતીકામ કરતી લલિતા નેહરા નામની ૨૭ વર્ષની યુવતી થોડા દિવસ પહેલાં યોજાયેલી ‘મિસિસ રાજસ્થાન’ સૌંદર્યસ્પર્ધામાં ફર્સ્ટ રનર-અપ બની છે. એક નાનકડા ગામમાં ખેતીકામ કરતી એકદમ દેશી વિચારધારા ધરાવતી આ મહિલાની એક બ્યુટી પેજન્ટમાં ગ્લૅમરસ ગાઉન પહેરીને ચમકવા સુધીની જર્ની જબરદસ્ત પ્રેરણાદાયી છે
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને પૂર્ણ રીતે નહીં જાણતા અનેક લોકો દ્વારા વર્ષોથી એવા આક્ષેપો થતા રહ્યા છે કે ભારત અને ભારતીય સમાજે હંમેશાં સ્ત્રીઓને દબાવવાનો, કચડવાનો પ્રયત્ન કર્યો છે તથા સ્ત્રીની સ્વતંત્રતા, સ્વાધીનતા કે સશક્તીકરણ જેવું વાસ્તવમાં ભારતમાં કશું છે જ નહીં. જોકે ભારતની ગૌરવપ્રદ મહિલાઓ સમયે-સમયે આવા બુદ્ધિજીવી ચિબાવલાઓના ગાલે સણસણતો તમાચો મારી દેતી હોય છે - ક્યારેક સૈન્યના બાહોશ ઑફિસર તરીકે, ક્યારેક ઉચ્ચ દરજ્જાની અભિનેત્રી તરીકે ખ્યાતિ મેળવીને, ક્યારેક પુરુષોને પણ ઇન્ફીરિયરિટી કૉમ્પ્લેક્સ આવી જાય એવી મજબૂત બ્લૅક-બેલ્ટ કરાટેવીર તરીકે તો ક્યારેક રસોડાની રાણી તરીકે કે કૉર્પોરેટમાં ઉચ્ચ પદવીઓ શોભાવીને.
આવું જ એક દૃષ્ટાંત રાજસ્થાનની એક મહિલાએ પૂરું પાડ્યું છે નામ છે લલિતા નેહરા. આમ જોવા જઈએ તો તે એક આમ ગૃહિણી અને સાથે ખેડૂત પણ છે. ના... ના, આમ જોવા જઈએ તો તે એક મૉડલ છે. ખેતીકામમાં પણ તેણે સ્ટીરિયોટાઇપ મહિલાની ઇમેજને પડકાર આપ્યો છે. ૨૭ વર્ષની લલિતા ખેતરમાં કામ કરતી હોય કે ઘરમાં, તેની ચાલમાં એક અજબ કૉન્ફિડન્સ ઝળકે છે. ટ્રૅક્ટર હાંકતી આ મહિલા ટ્રેડિશનલ રાજસ્થાની અને દેશી વ્યક્તિત્વ ધરાવે છે. ખેતરમાં પાક ખેડતી હોય ત્યારે કે ઇવન ખેતીકામમાં કેવી ટેક્નૉલૉજી વાપરવાથી ફાયદો થાય એની વાતો પણ તે સરસ રીતે કરી જાણે છે અને સાંજ પડ્યે કોઈ શહેરી ઇવેન્ટમાં ગ્લૅમરના અમીછાંટણાં કરવાનાં હોય તો એમાં પણ લલિતા નેહરાનો જોટો જડે એમ નથી. રાજસ્થાનને ગૌરવાન્વિત કરતી ૨૭ વર્ષની આ વહુ તાજેતરમાં ફૅશનની દુનિયામાં મિસિસ રાજસ્થાનનો ફર્સ્ટ રનરઅપ તરીકેનો ખિતાબ પણ જીતી ચૂકી છે. પોતાની સિદ્ધિ અને જીવન દ્વારા અનેકોનેક મહિલાઓ માટે પ્રેરણા સ્વરૂપ બનનારી લલિતા નેહરા આખરે કોણ છે? ચાલો તેમને મળીએ અને ઓળખીએ. સ્પર્ધા હતી ‘મિસિસ રાજસ્થાન ૨૦૨૫’ અને ફૅશનવિશ્વની રાજસ્થાનની આ આઠમી સીઝન હતી જેમાં મિસિસ રાજસ્થાન તરીકેનો ખિતાબ મેળવ્યો નિધિ શર્માએ અને પ્રથમ રનરઅપ તરીકે વિજેતા રહી હતી લલિતા નેહરા.
ફૅશનવિશ્વનો વિચાર
લલિતા એક એવી છોકરી રહી છે જેણે આ પહેલાં ક્યારેય કોઈ ફૅશન-શોમાં કે ફૅશન-કૉમ્પિટિશન્સમાં ભાગ સુધ્ધાં નહોતો લીધો. સ્કૂલમાં ભણતી હતી ત્યારે તો વિચાર પણ નહોતો કર્યો કે આવી કોઈક સ્પર્ધામાં તે ક્યારેય ભાગ લેશે. હા, એટલું જરૂર હતું કે લલિતા ફૅશનવિશ્વની આ સ્પર્ધાને ઘણા લાંબા સમયથી ફૉલો કરી રહી હતી. સોશ્યલ મીડિયા દ્વારા સતત એ વિશે અપડેટેડ રહીને બધી જાણકારીઓ તો મેળવી, પણ ક્યારેક પોતે એમાં પાર્ટિસિપન્ટ તરીકે ભાગ લેશે એવો વિચાર તો તોય હજી જન્મ્યો જ નહોતો.
લલિતા સ્વરૂપવાન તો છે, પણ એનો અર્થ એ નથી કે બધું સરળતાથી થઈ જતું હોય છે. લલિતાને ત્રણ વર્ષ પહેલાં રૂમેટૉઇડ આર્થ્રાઇટિસની બીમારી હતી. આ એક એવી બીમારી છે જેને કારણે શરીરના અલગ-અલગ ભાગોમાં (ખાસ કરીને જૉઇન્ટ્સની જગ્યાએ) સોજા આવી જાય છે. આ એક પ્રકારે ઑટોઇમ્યુન બીમારી છે. મતલબ કે શરીરની રક્ષાપ્રણાલી માટે કામ કરતા સેલ્સ શરીરને બીમાર કરતા કીટાણુઓની જગ્યાએ સ્વસ્થ કીટાણુઓ પર જ હુમલો કરતા હોય છે જેને કારણે આખા શરીરમાં અત્યંત દુખાવો થાય છે. લલિતાને આ બીમારી એ રીતે અસર કરવા માંડી હતી કે ૨૭ વર્ષની આ છોકરી ૮૦ વર્ષની કોઈ મહિલામાં અશક્તિ હોય એટલી પોતાની જાતને નિર્બળ મહેસૂસ કરતી. જોકે આ બીમારીના ઇલાજ દરમ્યાન જ્યારે તે હૉસ્પિટલમાં ઍડ્મિટ થતી ત્યારે પણ મિસિસ રાજસ્થાન સ્પર્ધાના વિડિયો અને અપડેટ્સ જોતી રહેતી. આ હૉસ્પિટલ તેના જીવન માટે ટર્નિંગ પૉઇન્ટ બની. હૉસ્પિટલના બેડ પર ટાઇમપાસ કરવા માટે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોતી લલિતાને રાજસ્થાનમાં થતી સૌંદર્યસ્પર્ધા સ્પર્ધા ક્યાં થાય છે, કેમ થાય છે, કોણ કરે છે, ક્યારે એનાં ઑડિશન્સ થાય છે એ બધું જ ફૉલો કરવા લાગી. તેના મનમાં આ સ્પર્ધામાં જઈને ચમકવાનો વિચાર પેદા થયો અને એ લક્ષ્ય માટે તેણે સાજા થવા માટે કમર કસી. અને જ્યારે તે સાજી થઈ ત્યારે ન માત્ર હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને ઘરે આવી, પણ મનમાં એક નવું સપનું લઈને આવેલી.
પરિવારને કહેવું કઈ રીતે?
આકરી સારવારમાંથી બહાર આવ્યા પછી તેણે મિસિસ રાજસ્થાન સ્પર્ધામાં પોતાની કાબેલિયત અજમાવવાનું નક્કી કર્યું. જોકે આ વાત પરિવારમાં કઈ રીતે કહેવી? બધા હસશે તો? લલિતા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘પતિ સિવાય શરૂઆતમાં કોઈનેય આ વિશે જણાવ્યું નહોતું. વિચારેલું કે જો મારામાં કાબેલિયત હશે તો ઠીક, નહીંતર પહેલા-બીજા રાઉન્ડમાં જ આઉટ થઈ જઈશ તો કોઈને કહેવાનીયે જરૂર નહીં પડે. પણ જો નસીબે સાથ આપ્યો અને આગળ જવાયું તો પરિવારને પછી જાણ કરીશું.’
એક અકેલી લડકી ચલ પડી અપની મંઝિલ કી ઔર! લલિતાએ પરિવારમાં જાણ કર્યા વિના જ સ્પર્ધામાં ભાગ લેવાનું વિચાર્યું અને ફૉર્મ ભરી દીધું. એક પછી એક પડાવ પાસ થતા ગયા અને પરિવારમાં કહેવું પડશે એવા વિચારની ઘડી નજીક આવતી ગઈ. આખરે સૌંદર્ય, આત્મવિશ્વાસ અને કાબેલિયત તેને એ પડાવ સુધી લઈ ગઈ જ્યારે હવે પછી મિસિસ રાજસ્થાન કોણ એનો ફેંસલો થવાનો હતો, અર્થાત્ ફાઇનલ રાઉન્ડ. આખરે લલિતાએ પરિવારમાં જાણ કરી કે તે મિસિસ રાજસ્થાનની સ્પર્ધામાં ફાઇનલિસ્ટ તરીકે પાર્ટિસિપેટ કરવા જઈ રહી છે. આનંદાશ્ચર્ય સાથે પરિવાર લલિતાની પ્રતિભા જોવા ભેગો થયો અને તેમની વહુ અકલ્પનીય પરિણામ સાથે સ્ટેજની નીચે ઊતરી. મિસિસ રાજસ્થાન જેવી ખ્યાતનામ સ્પર્ધાની ફર્સ્ટ રનરઅપ બની લલિતા નેહરા!
ઉજવણીની ઘડી
રાજસ્થાનનું એક ગામડું અને એમાંય સસરા અને પતિને ખેતીમાં મદદ કરતી લલિતા આ રીતે ફૅશન-શો જીતીને ગામમાં પ્રવેશ કરશે એવું તો ક્યારેય કોઈએ ક્યાં સપનામાં પણ વિચાર્યું હોય. આખા ગામની મહિલાઓએ મંગળ ગીતો ગાવા માંડ્યાં, બૅન્ડવાજાંના તાલબદ્ધ ધ્વનિએ આખા ગામમાં ઉજવણીનો માહોલ સરજ્યો અને ચોતરફ લલિતાનાં વખાણમાં ઉપમાઓ આપવા માંડી.
કદી હાઈ હીલ્સ પણ નહોતી પહેરી
સ્પર્ધાનાં ૭ દિવસનાં શેડ્યુલ, અનેક લેવલ્સ અને અનેક પ્રકારની પરીક્ષાઓ અને ટાસ્કમાંથી પસાર થવાનું હોય. પહેલા જ દિવસે લલિતાને પગમાં હાઈ હીલ્સ પહેરીને ફૅશન-વૉક કરવાનો હતો. સામાન્ય રીતે કોઈ છોકરીને હીલ્સ પહેરીને તમે ચાલવા કહો તો તેને ખાસ કોઈ મુશ્કેલી નડતી નથી, કારણ કે પ્રૅક્ટિસ હોય છે; પરંતુ તે જ છોકરીને તમે કહો કે હવે તેણે એ જ હીલ્સ સાથે રૅમ્પ-વૉક કરવાનો છે તો ભલભલાના કૉન્ફિડન્સની બૅન્ડ વાગી જતી હોય છે. લલિતા તો એક ખેડૂતની રફ ઍન્ડ ટફ છોકરી અને ખેતરની રાણી. એવી સવાઈ ખેડૂત કે પોતે ખેતરમાં ટ્રૅક્ટર પણ ચલાવી જાણે છે. તેના માટે હીલ્સ પહેરીને આમ ફૅશન-વૉક કરવો એ જ મોટી કસોટી સમાન હતું. જોકે સાત દિવસની ટ્રેઇનિંગ બાદ તે ફૅશન જગતની પર્સનાલિટીની ખાસિયતો પણ શીખી ગઈ.
રૂપ તો હતું જ, આશા અને ઇચ્છાઓ પણ આકાર લઈ રહી હતી. ગેરહાજરી હતી તો માત્ર આત્મવિશ્વાસની. એ કામ મેન્ટર યોગેશ અને નિમિષાએ કર્યું. તેમણે લલિતાને એક મૉડલ તરીકે ટ્રેઇન કરવા માટે જરૂરી એવાં બધાં જ પગલાંઓ એક પછી એક લેવા માંડ્યાં અને ૭ દિવસની અંદર-અંદર તો ધૂળનાં ઢેફાં અને ગાયોના ઘાસચારા સાથે કામ કરતી એક ખેડૂત મૉડલ બની ચૂકી હતી.
અંગત ચુનૌતીઓને હરાવી
ફૅશનવિશ્વમાં પોતાના રૂપ અને આત્મવિશ્વાસનો ડંકો વગાડતાં પ્રવેશી ચૂકેલી લલિતા કહે છે કે જો ક્યારેક કોઈ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો એ મોકો તેણે જવા દેવો નથી. પોતાની મમ્મીને પ્રેરણાસ્રોત ગણતી લલિતા કહે છે કે દરેકને સન્માન આપવું અને પોતાના મૂળને પ્રેમ કરવો એ જ સાચી સુંદરતા છે.