આ છે ઘર-ઘરની અંજલિભાભીઓ

19 January, 2021 12:34 PM IST  |  Mumbai | Bhakti D Desai

આ છે ઘર-ઘરની અંજલિભાભીઓ

પ્રતીકાત્મક તસવીર

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનાં પત્ની જેવાં ખૂબ જ હેલ્થ કૉન્શિયસ હોમ-મિનિસ્ટર ઘરમાં હોય તો આખો પરિવાર હેલ્ધી થઈ જાય. જોકે આખો દિવસ કારેલાનો જૂસ પીવડાવતી સ્ત્રી કદી પરિવારને સંતુષ્ટ તો ન જ રાખી શકે. આજે એવી ગૃહિણીઓને મળીએ જેમણે ટેસ્ટી ખાવાનું પીરસવાની સાથે-સાથે પોતાના જાગરૂક અભિગમથી પરિવારજનોને હેલ્ધી ફૂડ ખાતા કરી દીધા છે

ગુજરાતીઓ વિશ્વભરમાં તેમના ખાવાપીવાના શોખ માટે પ્રખ્યાત છે, પણ હવે એક બદલાવ આવી રહ્યો છે. તળેલું, ફરસાણ અને સ્વાસ્થ્યને નુકસાન થતું હોય તોય જીભના સ્વાદને માન દેનાર ગુજરાતીઓમાં ક્યાંક હેલ્થ ફૂડ ખાવાની આદત કેળવાઈ રહી છે. અહીં એક મહત્ત્વની વાત એ છે કે આ પરિવર્તન ત્યારે જ થાય છે જ્યારે રસોડાની ઇન્ચાર્જ સ્ત્રીઓ પોતાના અને પરિવારના સ્વાસ્થ્યને લઈને સતર્ક હોય. આ વાંચતાંની સાથે જ તમારી નજર સમક્ષ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની અંજલિભાભી આવી ગઈ હશે, પણ અંજલિભાભી જેટલો કડક અભિગમ ધરાવવાથી તો કદાચ પરિવારના સભ્યોના જીવનમાંથી સ્વાદ પણ છીનવાઈ જાય અને તેઓ હેલ્થ ફૂડને પ્રેમ કરવાની જગ્યાએ નફરત કરવા લાગે, જે તારક મહેતા તેમના મિત્રો સાથેના સંવાદથી જતાવતા રહે છે. તેથી જ આજે એવી અમુક મહિલાઓ સાથે વાતચીત કરીએ જેઓ પરિવારના સ્વાસ્થ્ય માટે હેલ્થ ફૂડ બનાવે છે, ઘરનું ખાવાના આગ્રહી છે; પણ આ સાથે ભોજનમાં સ્વાદ જળવાઈ રહે એનું પણ બખૂબી ધ્યાન રાખે છે.

જે ખાવું હોય એ ઘરમાં જ બનાવી આપું એટલે બહારના જન્ક ફૂડનો તો સવાલ જ ન આવે: પલ્લવી ઠકકર

ગોરેગામમાં રહેતાં પલ્લવી ઠક્કર અને તેમનો પરિવાર આરોગ્ય માટે ઉત્તમ આહારનાં આગ્રહી છે. તેમણે તેમની દિનચર્યામાં આરોગ્યને લાભ આપનાર કઈ સારી આદતો કેળવી છે એ વિશે તે કહે છે,  ‘અમે દરરોજ આખો પરિવાર સવારે શાકભાજીનો જૂસ લઈએ છીએ. હમણાં ગાજરની ઋતુ છે તો ગાજર અને બીટનો જૂસ લઈએ છીએ. નિયમિત સૅલડ ખાઈએ છીએ. બને ત્યાં સુધી જે પણ ખાવાનું મન થાય એ ઘરમાં બનાવીને આપું અને બહાર ખાવાનું પહેલેથી જ ટાળીએ જ છીએ. આ સિવાય જ્યારથી કોવિડની સમસ્યા આવી ત્યારથી દરરોજ સવારે બાફ લઈએ છીએ. સવારે નિયમિત યોગ પણ કરીએ. હમણાં શિયાળાને હિસાબે હું ગાજરનો હલવો, ખજૂર પાક વગેરે બનાવું છું. વિટામિન સી માટે આખી ઋતુ આમળાનું સેવન કરીએ. આંબા-હળદર લઈએ છીએ. સાચું કહું તો મારાં મમ્મીના ઘરે પણ જીવનમાં નિયમિતતાનું ખૂબ ધ્યાન અમે રાખતાં અને મને સદ્ભાગ્યે આવી જ વિચારધારા ધરાવનાર સાસરું મળ્યું. સવારે નવ વાગ્યે નાસ્તો, બપોરે એક પહેલાં જમવાનું, રાત્રે વહેલા જમીને એક કલાક ચાવાનું  અને આ બધું ઘડિયાળને ટકોરે થાય. આ જ આદતોને કારણે શરીર સ્વસ્થ રહી શકે છે, જે સાચું ધન છે.’ 

મેં ધીરે-ધીરે આખા પરિવારની આદતો બદલી છે, પણ ક્યારેય તેમને અરુચિ થાય એવું ભોજન નથી બનાવ્યું: ઊર્મિ દેસાઈ

મીરા રોડમાં રહેતાં ઊર્મિ દેસાઈ અહીં પોતાના જીવનમાં બદલાવ લાવવાનાં કારણો આપતાં કહે છે, ‘હું લગ્ન પહેલાં અમદાવાદમાં રહેતી હતી અને લગ્ન પછી મુંબઈમાં આવી. ત્યાર બાદ મારું રૂટીન અને બધું જ બદલાઈ ગયું. ક્યાંક અનિયમિતતા અને તમામ બદલાવથી મારું વજન પણ વધી ગયું હતું. સાથે જ એક સૌરાષ્ટ્રનો પરિવાર હોવાથી તેલ-ઘીનો ઉપયોગ વધારે થતો. હું ડૉક્ટર પાસે ગઈ અને જાણ્યું તો ફક્ત જીવનની અનેક અનિયમિતતા અને સ્વાસ્થ્યને માફક ન આવે એવા ભોજનને કારણે આ બધી સમસ્યાઓ મને થતી હતી. મેં ધીરે-ધીરે આખા પરિવારની આદતો બદલી. અલબત્ત, તેમને અરુચિ થાય એવું ભોજન ક્યારેય નથી બનાવ્યું અને તેમને જે પણ ખાવું હોય એમાં તેલ-ઘીનું પ્રમાણ ઓછું કરી એ જ વાનગીને સ્વાસ્થ્યને હાનિ ન થાય એવી રીતે બનાવવાની શરૂઆત કરી. અહીં દૂધ અને છાશ જેવા વિરુદ્ધ આહારનું એકસાથે સેવન પણ થતું હતું, જે બંધ કરાવ્યું. સમયસર ખાવાનું શરૂ કર્યું. સવારે પલાળેલી બદામ અને અખરોટ જેવા સૂકા મેવા ખાવા, મખાણાનો નાસ્તો કરવો, મારે માટે વજન ઉતારવા રાત્રે સૅલડ્સ અને સૂપ આ તમામ કાળજી હું લેવા લાગી. આ સિવાય આખા પરિવારના ભોજનમાં પોષક તત્ત્વો જળવાઈ રહે અને સમતોલ આહાર મળી રહે એવું ખાવાનું બનાવું છું. હવે ખૂબ જ સતર્ક થઈ ગઈ છું. છેલ્લાં બે વર્ષમાં મેં અનુભવ્યું કે આખા પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને હવે તેમને પણ આ બધું જ ભાવે છે. હું ચાલવા જવાનો પણ આગ્રહ રાખું છું અને તેથી જ મારું વજન થોડા જ મહિનાઓમાં આશરે ૧૫ કિલ્લો ઓછું થઈ ગયું, એ પણ એવી રીતે કે હું ભૂખી પણ ન રહું અને યોગ્ય આહાર પણ લઉં. અમે બધા ખુશ છીએ આ બદલાવથી.’

બાળકોને ભાવે કે ન ભાવે પણ ઠંડીમાં કાટલું, અડદિયા પાક ખાવાની આદત પાડી દીધી છે: તૃપ્તિ મર્ચન્ટ

બોરીવલીમાં રહેતાં તૃપ્તિ મર્ચન્ટ તેમના પરિવારના સભ્યોના આરોગ્યની સંભાળ આહારના માધ્યમથી લે છે. તેઓ કહે છે, ‘હું ભોજનમાં બે વાતનું ખાસ ધ્યાન રાખું છું; એક તો જમવામાં દરેક રંગનો સમાવેશ કરવો, જેનાથી આહારમાંથી દરેક પોષક તત્ત્વ મળી રહે છે અને શરીરમાં કમી નથી સર્જાતી. મને નાનપણથી જ ભોજનમાં રંગબેરંગી પદાર્થો હોય એ ખૂબ ગમતું. બીજી એક મહત્ત્વની બાબત છે ઋતુ પ્રમાણેનો આહાર. જ્યારે જે ઋતુ હોય ત્યારે એ ખાદ્ય પદાર્થના સેવનનો હું આગ્રહ રાખું છું, જેનાથી માંદગી નથી આવતી. અમારે ત્યાં જમવામાં ત્રણ શાક હોય અને એમાં એક લીલી ભાજી તો ફરજિયાત અમે બનાવીએ જ છીએ. છોકરાઓને ભાવે કે ન ભાવે, પણ ઠંડીમાં કાટલું, અડદિયા પાક ખાવાની ફરજ હું તેમને પાડું જ છું. મારી દીકરી ડાયટ માટેના ક્લાસ કરે છે, જેના મુજબ આરોગ્ય માટે ઉત્તમ આહાર એકસાથે નહીં પણ થોડા પ્રમાણમાં અને દિવસમાં છ વખત લેવાનો હોય છે. આમાંથી પણ મને નવી હેલ્થ-ફૂડની રેસિપી મળે છે અને જાણવાની પણ મજા આવે છે. સાથે જ બાળકોને જો નવી આઇટમ્સ જોઈએ તો તેને ઘરમાં જ બનાવી સ્વાદિષ્ટ વસ્તુઓ હું પીરસું છું. ફળો અને સૂકા મેવા પણ નિયમિત લઈએ છીએ અને સવારે બધાંએ જ ગરમ પાણી પીવાની આદત કરી છે. આમ સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને જળવાઈ રહે છે.’

બહાર જમવાનો વારો ભાગ્યે જ આવે, ઘરમાં જ બહારની ચીજો હેલ્ધી ટ્વીક સાથે બનાવી દઉં છું: રચના શાહ

ફણસવાડીમાં રહેતાં રચના શાહ ઘણી જહેમત ઉઠાવીને ઘરમાં કસૂરી મેથી, સૉસ વગેરે બનાવીને રાખે છે. તેઓ આ વિશે કહે છે, ‘મારા પતિને ડાયાબિટીઝ છે તેથી હું નાસ્તા પણ ઘરે જ બનાવું છું અને બહારથી સૂકો નાસ્તો પણ લાવવાની જરૂર અમારે પડતી નથી. શાકમાં નાખવાના મસાલા, ગરમ મસાલો, સૅન્ડવિચ મસાલો, ચાટ મસાલો આ બધું જ હું મારી રેસિપીથી ઘરે જ બનાવીને તૈયાર કરું છું. મારો સૅન્ડવિચનો મસાલો ઘરમાં બધાને બહુ ભાવે છે. મેથીની સુકવણી કરી એને સાચવું છું અને કસૂરી મેથી પણ ઘરે તૈયાર કરી લઉં છું. બે દિવસ પહેલાં જ હું ૧૪ ઝૂડી મેથી લાવી અને મારા પતિએ એને ધોઈને સાફ કરી ને મેં મારી ટેક્નિકથી એને અવનમાં અમુક સેકન્ડ રાખી ગરમ કરીને કસૂરી મેથી બનાવી દીધી. પંચાવન વર્ષ પછી મીઠાનું પ્રમાણ પણ જમવામાં ઓછું કરવાનું ધ્યાન મેં રાખ્યું છે, જેથી સ્વાસ્થ્યની કોઈ સમસ્યા ન ઉદ્ભવે. બહાર જમવાનો વારો  અમારે ભાગ્યે જ આવે. હું ઘરનું જ જમવાની આગ્રહી છું. તેલ વિશે પણ જેમ નવી માહિતી આવે એ પ્રમાણે વાંચીને હું બદલાવ લાવું છું. મારા દીકરા માટે પૂરી, વડા, સમોસા ઘરમાં જ બનાવું અને અવનમાં એને બેક કરીને ઑઇલલેસનો પ્રયોગ પણ મેં કર્યો છે. નાસ્તામાં ઉપમા, ઓટ્સના ચિલા, પીત્ઝાના રોટલાનો ઘરે જ લોટ બાંધીને હેલ્ધી પીત્ઝા બનાવું છું. મને હેલ્થ-ફૂડ અને બહાર મળતી ખાદ્ય વસ્તુઓ ઘરમાં જ બનાવવી ખૂબ ગમે છે. આનાથી આપણું શરીર રોગથી દૂર રહી શકે છે.’

columnists bhakti desai