ન્યુ યર આ રીતે પણ સેલિબ્રેટ થઈ શકે

31 December, 2025 12:44 PM IST  |  Mumbai | Heena Patel

આજે આપણે અમુક એવા લોકો સાથે મળીએ જેમના માટે પાર્ટી એટલે ઘરે જ ગેટ-ટુગેધર

પ્રતીકાત્મક તસવીર

ન્યુ યર મનાવવા માટે મોટા ભાગે બધા ઘરની બહાર નીકળતા હોય છે. મરીન લાઇન્સ, ગેટવે ઑફ ઇન્ડિયા જેવી જગ્યાએ ફાયર વર્ક્સ જોવા માટે લોકોની એટલી ભીડ જમા થતી હોય છે કે પગ રાખવાની જગ્યા ન મળે. પાર્ટી કરવાના શોખીનોથી બાંદરા, જુહુની ક્લબ્સ ઊભરાતી હોય છે. કોઈ પણ રેસ્ટોરાંમાં જાઓ તો ત્યાં પણ તમને લાંબું વેઇટિંગ જોવા મ‍ળશે. તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને ભીડ, ઉતાવળ, કોલાહલ જોવા મળશે. એને ટાળવા માટે ઘણા લોકો ઘરમાં જ ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે શાંતિથી ન્યુ યર મનાવવાનું પસંદ કરે છે. ઘરે આપણે આપણી રીતે સ્નેહીજનો સાથે આનંદ-ઉત્સાહથી કોઈ પણ જાતની ઉતાવળ વગર નવા વર્ષની શરૂઆત કરી શકીએ છીએ. આજે આપણે અમુક એવા લોકો સાથે મળીએ જેમના માટે પાર્ટી એટલે ઘરે જ ગેટ-ટુગેધર.

બાળકો-વડીલો બધાંને સાથે રાખી ઘરમાં પાર્ટી કરીએ : સંદીપ વોરા, ઘાટકોપર

ઘાટકોપરમાં રહેતા સંદીપ વોરાનું ૨૫૫૦ સ્ક્વેર ફીટનું વિશાળ ઘર તેમના મિત્રો અને ફૅમિલી માટે ન્યુ યર સેલિબ્રેશનનું ઠેકાણું બની જાય છે. એ દરિમયાન ઘરમાં કેવો માહોલ હોય છે એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમારા ઘરે ૨૦-૨૫ લોકો જમા થાય. મેનુ અમે બે દિવસ પહેલાં જ નક્કી કરી લઈએ. ઘણી વાર અમે ઘરે જ અમારા કુક પાસેથી પાંઉભાજી, મિસળ જેવું કંઈક બનાવડાવી લઈએ. અમારા ઘરે કુકની ત્રીજી પેઢી આવે છે એટલો જૂનો અમારો તેમની સાથે સંબંધ છે. બહારથી મગાવવાનું નક્કી થયું હોય તો જૉલી જિમખાના, અચીજા કે ફૂડ ટાઉનમાંથી ઑર્ડર કરી લઈએ. બધા ભેગા મળીને કાર્ડ ગેમ્સ, બોર્ડ ગેમ્સ, ફન ગેમ્સ રમીએ. અમારી મિત્રતા ૨૫-૩૦ વર્ષ જૂની છે એટલે અમારે તો ભેગા થવાનો મોકો જ જોઈતો હોય. અમે બધા એક મેસેજની દૂરી પર જ છીએ. બસ, ગ્રુપમાં જાણ કરી દઈએ એટલે બધા ભેગા થઈ જાય. અમારે ત્યાં એવું પણ ન હોય કે લેડીઝ બધી એકસાથે અને જેન્ટ્સ બધા એકસાથે રમે. બન્ને એકસાથે જ એન્જૉય કરતા હોય. બહાર તમે ગેટ-ટુગેધર રાખો તો વેઇટર માથા પર ઊભા હોય. તેમને ટેબલ જલદી ખાલી કરાવવાની ઉતાવળ હોય. બહાર લાંબું વેઇટિંગ હોય. ઘરમાં જ તમે ગેટ-ટુગેધર રાખો તો તમારે મન ફાવે ત્યારે આવો, જ્યારે જવું હોય ત્યારે જાઓ. મજા કરો. કોઈ પૂછવાવાળું ન હોય. વડીલો પણ આપણી સાથે એન્જૉય કરી શકે. મારા પપ્પા, સસરા હતા તો એ લોકો પણ અમારી સાથે મજા કરતા. નહીંતર ઘણી વાર ઉંમરના હિસાબે તે આપણી સાથે બહાર ન આવી શકે. તેમને ઘરે એકલા રહેવું પડે. એવું પણ થાય કે તેમની તબિયત ખરાબ થઈ હોય તો આપણે પાર્ટી છોડીને ઘરે ભાગવું પડે.’

પહેલાં મંદિરે જઈએ અને પછી ફ્રેન્ડ્સના ઘરે નાઇટઆઉટ કરીએ : કાજલ ઠક્કર, મુલુંડ

નવા વર્ષની શરૂઆત અમે ભગવાનના આશીર્વાદથી શરૂ કરીએ અને એ પછી એક ફ્રેન્ડના ઘરે અમે બધા ભેગા થઈને અને ત્યાં નાઇટ આઉટ કરીએ એમ જણાવતાં મુલુંડમાં રહેતાં કાજલ ઠક્કર કહે છે, ‘થર્ટી ફર્સ્ટની નાઇટના અમે ૧૧ વાગ્યાની આસપાસ અમારે ત્યાં આવેલા બાલરાજેશ્વર મંદિરમાં આશીર્વાદ લેવા માટે પહોંચી જઈએ. મંદિરમાં જ અમે કેક-કટિંગ કરીને ન્યુ યરની ઉજવણી કરીએ. એ પછી કોઈ એક ફ્રેન્ડના ઘરે અમે બધા ભેગા મળીએ. ઉનો, હાઉસી, લૂડો, કૅરમ જેવી ગેમ્સ રમીએ. મ્યુઝિક ઑન કરીને ડાન્સ કરીએ. પેટ ભરીને વાતો કરીએ. આમ પણ અમે બધા વર્કિંગ છીએ. કોઈની પાસે એટલો ટાઇમ ન હોય હળવામળવાનો. ન્યુ યરના બહાને અમને બધાને એકબીજા સાથે સમય પસાર કરવા મ‍ળે. અમે બહારથી ફૂડ ઑર્ડર કરીએ. થોડું-થોડું બધા પોતાના ઘરેથી પણ કોઈ ને કોઈ નવી ડિશ બનાવીને લઈ આવે. અમે બધા એકબીજા માટે ગિફ્ટ પણ લાવીએ. જેને જે જોઈતું હોય એ ચિઠ્ઠીમાં લખી દે. જેની ચિઠ્ઠીમાં જે ગિફ્ટ આવી હોય એ લઈ આવવાનું. એટલે એ બહાને બધાને જે જોઈતી હોય એ ગિફ્ટ મળી જાય.’

બિલ્ડિંગની ટેરેસ પર જ બહાર જેવી પાર્ટી કરીએ : કિંજલ શાહ, અંધેરી

બહારથી પણ વધુ મજા બિલ્ડિંગની ટેરેસ પર પાર્ટી કરીને અંધેરીમાં રહેતાં કિંજલ શાહ તેમની સોસાયટીના અન્ય પરિવારો સાથે મળીને કરે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આમ તો સોસાયટીમાં ૬૦ જેટલા ફ્લૅટ્સ છે પણ ઘણાના પોતાના અલગ પ્લાન્સ હોય, ઘણા લોકો વેકેશન પર ગયા હોય. એમ છતાં અમે આઠ ફૅમિલી છીએ, જેઓ સાથે મળીને ટેરેસ પર ન્યુ યર સેલિબ્રેટ કરીએ. અમે સરસ ટેરેસ પર લાઇટ્સ લગાવીએ. DJ રાખીએ. ફોટોગ્રાફરને બોલાવીએ. કેટરરને પણ બોલાવીએ. સ્ટાર્ટર હોય, મેઇન કોર્સ હોય, સૉફ્ટ ડ્રિન્ક્સ હોય. એવો માહોલ હોય કે બાળકોથી લઈને યંગસ્ટર્સ અને વડીલો બધા એન્જૉય કરી શકે. છેલ્લાં પાંચ વર્ષથી અમે આ રીતે જ ન્યુ યર સેલિબ્રેટ કરીએ છીએ. ટેરેસ પર જ પાર્ટી હોય એટલે બાળકો કે વડીલો થાકી ગયા હોય અને તેમને રેસ્ટ કરવો હોય તો પણ નીચે ઘરે જઈ શકે. અમે અગાઉ બહાર જઈને પાર્ટી કરતા પણ એમાં પછી પેરન્ટ્સ, બાળકો ઘરે એકલાં રહી જાય. એના કરતાં બધાને સાથે રાખીને ઉજવણી કરવાની એક અલગ મજા છે. તેમને પણ મજા આવે અને અમને પણ આ રીતે પાર્ટી કરવાનું ફાવી ગયું છે.’

ઘરે જ ડ્રિન્ક, ફૂડ, મ્યુઝિક સાથે ન્યુ યર સેલિબ્રેશન થાય : જિમી ઠક્કર

દર વર્ષે કોઈ એક ફ્રેન્ડના ઘરે અમે હાઉસ પાર્ટી રાખીએ એમ જણાવતાં ચર્ની રોડમાં રહેતા જિમી ઠક્કર કહે છે, ‘અમે આઠથી દસ ફૅમિલી હોઈએ. અમે બધા બાળપણના મિત્રો છીએ અને હવે તો બધાનાં ઘરે સંતાનો છે. બધા મ્યુઝિક પર ડાન્સ કરે. બાર વાગ્યે એટલે એકબીજાને ન્યુ યર વિશ કરીએ. બધા સાથે મળીને ગેમ્સ રમીએ. ખાવાપીવાની ફુલ વ્યવસ્થા હોય. મારી પોતાની દુકાનમાંથી હું ડ્રાય સ્નૅક્સ અને મીઠાઈની વ્યવસ્થા કરી નાખું. ઘરે લાઇવ બાર્બીક્યુ કાઉન્ટર હોય તો પનીર ટિક્કા, વેજ સીખ કબાબ, જેને જે ખાવું હોય એ ખાઈ શકે. એ સિવાય જેને જે ખાવાની ઇચ્છા હોય એ રેસ્ટોરાંમાંથી જ પાર્સલ મગાવી લઈએ. સૉફ્ટ ડ્રિન્ક પણ હોય. જે પીવાવાળા હોય તેમના માટે ડ્રિન્ક્સ પણ હોય. હાઉસ પાર્ટીનો ફાયદો એ કે તમે તમારી મરજી મુજબ એન્જૉય કરી શકો, ફૂડ ખાઈ શકો. ઘરમાં સોફા, બેડ પર ગમે ત્યાં બેસવું હોય રિલૅક્સ થઈને બેસી શકો. રેડી થવાની પણ એટલી ચિંતા ન હોય. તમે તમારા કમ્ફર્ટેબલ આઉટફિટમાં રહી શકો. ઘરમાં બધા સેફ સ્પેસમાં કમ્ફર્ટેબલી એન્જૉય કરી શકે.’

happy new year new year gujaratis of mumbai columnists gujarati mid day exclusive