સ્ત્રી ધારે તો ઉંબરા અને ઉંમર બન્નેનાં બંધનો તોડી શકે

13 March, 2026 11:32 AM IST  |  Mumbai | Heena Patel

દીકરીઓને પોતાની કૉલેજ બતાવવા લઈ ગયેલી મમ્મીને જ્યારે અનાયાસ પોતાના જીવનની દિશા મળી ગઈ

મમ્મી સરોજબહેન સાથે ડિમ્પલ ઠક્કર.

૨૦ વર્ષની ઉંમરે લગ્ન અને જવાબદારીઓ વચ્ચે ડિમ્પલ ઠક્કરનો અભ્યાસ છૂટી ગયો હતો, પણ સપનાંઓ ક્યારેય મર્યાં નહોતાં. ગ્રૅજ્યુએશન બાદ ૧૬ વર્ષના લાંબા ગૅપ પછી ડિમ્પલબહેને ફરી પુસ્તકો હાથમાં લીધાં. તેમણે પહેલાં MCom, પછી MBA અને ત્યાર બાદ BEdનો અભ્યાસ કર્યો. આજે તેઓ ઠાકુર કૉલેજમાં પ્રોફેસર છે

સાધારણ રીતે સમાજ એવું માને છે કે લગ્ન અને જવાબદારીઓ સ્ત્રીના કરીઅરનો અંત છે, પણ બોરીવલીમાં રહેતાં ૪૬ વર્ષનાં ડિમ્પલ ઠક્કર આ માન્યતાને પાયામાંથી હચમચાવી રહ્યાં છે. ૨૦ વર્ષની નાની ઉંમરે ગ્રૅજ્યુએશન પૂરું થતાંની સાથે જ જેમનાં લગ્ન થઈ ગયાં અને જેમના જીવનમાં ભણતર પર ૧૬ વર્ષનો લાંબો વિરામ લાગી ગયો, આજે એ જ ડિમ્પલબહેન ઠાકુર કૉલેજમાં પ્રોફેસર તરીકે સેંકડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડી રહ્યાં છે. તેમની સફર એ સાબિત કરે છે કે સ્ત્રીશક્તિ જો ધારે તો સમયના વહેણને પણ બદલી શકે છે. ૧૬ વર્ષના ગૅપ પછી ફરીથી પુસ્તકો હાથમાં પકડવાં, પહેલાં MCom કરવું, ત્યાર બાદ MBA અને પછી BEdની ડિગ્રી મેળવવી અને હવે PhD કરીને ડૉક્ટરેટની પદવી મેળવવા તરફ કદમ વધારવાં એ કોઈ ચમત્કાર નથી પણ અદમ્ય ઇચ્છાશક્તિ અને સ્ત્રી સશક્તીકરણનું જીવંત ઉદાહરણ છે.

વહેલાં લગ્ન

નાની ઉંમરે લગ્ન થવા પાછળ કયા સંજોગો હતા એ વિશે વાત કરતાં ડિમ્પલબહેન કહે છે, ‘અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં. અમારો પરિવાર અને બન્ને કાકાનો પરિવાર બધા જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા. બધાં જ કઝિન ભાઈ-બહેનોમાં હું જ મોટી હતી. એ જમાનો પણ એવો હતો કે દીકરીનું ભણતર પૂરું થાય એટલે તરત યોગ્ય જીવનસાથી શોધીને પરણાવીને દેવામાં આવે. દીકરીઓની કારકિર્દી બાબતે એટલું કોઈ વિચારતું નહીં. મેં પણ જેવો BComનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં ૨૦ વર્ષની ઉંમરે મારાં લગ્ન રાજેશ સાથે થઈ ગયાં. મારા હસબન્ડ રાજેશનો પોતાનો ગાર્મેન્ટનો બિઝનેસ છે.’

પારિવારિક જવાબદારીઓ

લગ્ન પછી આવેલી પારિવારિક જવાબદારીઓ વિશે વાત કરતાં ડિમ્પલબહેન કહે છે, ‘લગ્નનાં બે વર્ષ બાદ મારી મોટી દીકરી આશ્વીનો જન્મ થયો અને એના દોઢ વર્ષ પછી નાની દીકરી શ્રેયલનો જન્મ થયો. ઘરકામ, સાસુ-સસરાની સેવા અને દીકરીઓના ઉછેરમાં સમય પસાર થઈ રહ્યો હતો. દરમિયાન મનમાં પોતાની એક ઓળખ બનાવવાની એક તીવ્ર ઇચ્છા હતી. શું કરવું કંઈ ખબર નહોતી પડી રહી. એવું કોઈ કામ કરવું હતું જેનાથી ઘર પણ સચવાય અને મારું કામ પણ ચાલુ રહે. એટલે મેં પછી બ્રાઇડલ મેકઅપનો કોર્સ કર્યો. એ શીખીને હું ઑર્ડર આવે ત્યારે બ્રાઇડ્સને રેડી કરવા માટે જતી. આ કામ મેં ૧૬ વર્ષ કર્યું. એ સમયે મને બ્યુટિશ્યન રાની રેડ્ડીનો ખૂબ સપોર્ટ મળ્યો. તેમનું પોતાનું બ્યુટી-પાર્લર હતું અને તેઓ બ્રાઇડલ મેકઅપ પણ કરતાં. અમે બન્ને સાથે ઑર્ડર પર જતાં. મારા જીવનના ઉતારચડાવમાં તે મારી સાથે હતાં.’

ફરી ભણતરની શરઆત


MComની ડિગ્રી મેળવી એ વખતની તસવીર. 

આગળ જઈને MCom કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે ડિમ્પલબહેન કહે છે, ‘૨૦૧૫માં અમે મુલુંડથી બોરીવલીમાં શિફ્ટ થયાં. મારો જન્મ-ઉછેર બોરીવલીનો જ છે. મેં બોરીવલીની માતુશ્રી પુષ્પાબહેન વિનુભાઈ વળિયા (MPVV) કૉલેજમાંથી જ મારું ગ્રૅજ્યુએશન કરેલું હતું. એક દિવસ હું મારી બન્ને દીકરીઓને મારી કૉલેજ દેખાડવા માટે લઈ ગયેલી. સાંજનો સમય હશે. એ વખતે મને મારા ઇકૉનૉમિક્સના પ્રોફેસર મળી ગયા જે પ્રિન્સિપાલ બની ગયેલા. તેમણે મને તેમની ઑફિસમાં બેસાડી. વાતો-વાતોમાં તેમણે મને કહ્યું કે તારે તો આગળ ભણવું હતુંને? એનું શું થયું? મેં તેમને કહ્યું કે એવા સંજોગો નહોતા કે આગળ ભણી શકું. એ વખતે તેમણે મને કહ્યું કે હવે ભણવાનું શરૂ કરી દે, આપણી કૉલેજમાંથી MCom કરી શકાય છે. એ સમયે તો મેં કંઈ જવાબ ન આપ્યો. જોકે મારી બન્ને દીકરીઓએ મને ખૂબ સપોર્ટ કર્યો કે મમ્મી, તું ફરીથી સ્ટડી સ્ટાર્ટ કર. મારા હસબન્ડનો પણ મને સપોર્ટ મળ્યો. એટલે એ રીતે મેં ફરી ભણવાનું શરૂ કર્યું.’

પરિવારનો સપોર્ટ


પતિ રાજેશભાઈ અને બે દીકરીઓ આશ્વી અને શ્રેયલ સાથે ડિમ્પલબહેન.

આટલાં વર્ષના ગૅપ પછી ભણવાનું કઈ રીતે મૅનેજ કર્યું એ વિશે વાત કરતાં ડિમ્પલબહેન કહે છે, ‘મારા ક્લાસ સાંજે પાંચથી સાત હતા. એટલે ઘરના કામ સાથે ભણવાનું મૅનેજ થઈ જતું. એક્ઝામ હોય ત્યારે હું રસોઈ કરતાં-કરતાં મારા હસબન્ડને બાજુમાં બેસાડીને તેમને પ્રશ્નો પૂછવાનું કહેતી જેથી રસોડામાં કામની સાથે મારી ઓરલ પ્રેપરેશન પણ થઈ જાય. કૉલેજના પ્રોફેસર પણ ખૂબ સરસ રીતે સમજાવતા અને મને મોટિવેટ કરતા રહેતા. મારી બન્ને દીકરીઓ પણ મને સપોર્ટ કરતી. એ વખતે એવું થયેલું કે મારી નાની દીકરી દસમા ધોરણમાં, મોટી દીકરી બારમા ધોરણમાં અને હું MCom કરતી હતી. મેં ભણવાનું શરૂ કર્યું ત્યારે અમુક એવા લોકો પણ હતા જે એમ કહેતા કે આ ઉંમરે ભણીને તું શું ઉકાળી લેવાની છે? જોકે હું ડીમોટિવેટ ન થઈ. મેં ડિસ્ટિંક્શન સાથે ૨૦૧૭માં MCom પૂર્ણ કર્યું. મારી મમ્મી સરોજબહેનને પણ મારા પર વિશ્વાસ હતો કે હું બધું ફોડી લઈશ. મારા જીવનમાં આવેલી સ્ત્રીઓ એટલે કે મારી મમ્મી અને મારી બન્ને દીકરીઓ મારો આધારસ્તંભ છે.’

પ્રોફેસર બન્યાં

આગળ જતાં તેઓ પ્રોફેસર કઈ રીતે બન્યાં એ વિશે વાત કરતાં ડિમ્પલબહેન કહે છે, ‘મેં જેવું MCom પૂર્ણ કર્યું એટલે મને એ જ કૉલેજમાં પ્રોફેસરની જૉબ મળી ગઈ. મેં અહીં ત્રણ વર્ષ કામ કર્યું. અહીં પ્રોફેસરની જૉબ સાથે-સાથે મેં માર્કેટિંગમાં MBAની સ્ટડી પણ ચાલુ કરી. એટલે હું સવારે સાતથી બપોરે એક વાગ્યા સુધી સ્ટુડન્ટ્સને ભણાવતી. એ પછી ઘરે આવતી. ઘરનું જે પણ કામ હોય એ પતાવી દેતી. સાંજે ફરી પાંચથી આઠ કૉલેજમાં MBAની સ્ટડી કરવા માટે જતી. એ રીતે મેં ૨૦૧૯માં મારું MBA પણ પૂરું કર્યું.’


ઠાકુર કૉલેજના સ્ટુડન્ટ્સ સાથે પ્રોફેસર ડિમ્પલ ઠક્કર.

વર્ક-લાઇફ બૅલૅન્સ રાખ્યું

MBA કર્યા પછી કૉર્પોરેટમાં ન જતાં પ્રોફેસર તરીકે જ ભણાવવાનું શા માટે ચાલુ રાખ્યું? એનો જવાબ આપતાં ડિમ્પલબહેન કહે છે, ‘કૉર્પોરેટ જૉબમાં કામનું ભારણ, ટાર્ગેટનું પ્રેશર અને કામના લાંબા કલાકો હોય, જ્યારે પ્રોફેસરની જૉબ સાથે મારું વર્ક-લાઇફ બૅલૅન્સ સારું થઈ જતું હતું. મારાં સાસુ ૮૫ વર્ષનાં છે. તેમનું પણ ધ્યાન રાખવું પડે. કૉર્પોરેટ જૉબમાં પછી મારાથી ઘરનું ધ્યાન ન રાખી શકાય. MBA બાદ મેં ૨૦૨૦માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ મોડથી BEdનો અભ્યાસ પણ કર્યો. MCom અને MBAની ડિગ્રી હોય તો હું ફક્ત ડિગ્રી કૉલેજમાં જ ભણાવી શકું, પણ જુનિયર કૉલેજમાં ભણાવવા માટે BEdની ડિગ્રી આવશ્યક છે.’

PhD કરવાની ઇચ્છા

ઠાકુર કૉલેજમાં પ્રોફેસર કઈ રીતે બન્યાં એની વાત કરતાં ડિમ્પલબહેન કહે છે, ‘મેં MBAનો અભ્યાસ પૂરો કર્યો એ પછી મેં મલાડની દાલમિયા કૉલેજમાં બે વર્ષ કામ કર્યું. એ પછી બાંદરાની MMK કૉલેજમાં એક વર્ષ કામ કર્યું. હવે છેલ્લાં બે વર્ષથી હું ઠાકુર કૉલેજમાં છું. હવે હું મૅનેજમેન્ટમાં PhD કરવાનું વિચારી રહી છું. આજની ગળાકાપ સ્પાર્ધામાં માત્ર એક ડિગ્રી પૂરતી નથી. તમારી પાસે જેટલી વિશેષ લાયકાત હોય એટલી જ તમારી સ્વીકાર્યતા અને પકડ મજબૂત બને છે.’

ગરબા રમે, ક્રિકેટ રમે; હવે સ્વિમિંગ શીખવું છે

ફિટનેસ અને શોખ વિશે વાત કરતાં ડિમ્પલબહેન કહે છે, ‘હું કામની સાથે મારા બીજા શોખ છે એ પણ પૂરા કરું છું. મને ગરબા રમવાનો બહુ શોખ છે. દર વર્ષે ફાલ્ગુની પાઠકના ગરબામાં હું નવેનવ દિવસ રમવા જાઉં. હું મારી ફિટનેસનું પણ બહુ ધ્યાન રાખું. ક્રિકેટ રમું, યોગ કરું, ઝુમ્બા કરું, વૉક પર જાઉં. સ્વિમિંગ શીખવાની ઇચ્છા છે. તમે હેલ્ધી હશો તો જ તમે તમારાં સપનાંઓ પાછળ દોડી શકશો. બાકી મેં મારી જર્નીમાં આઠ વર્ષનો મેનોપૉઝનો એવો પણ સમયગાળો જોયો છે જેમાં અતિશય બ્લીડિંગને કારણે મારી હાલત ખરાબ થઈ જતી. એમ છતાં મેં ક્યારેય એમ નથી વિચાર્યું કે મારે આ નથી કરવું.’ 

columnists thakur college gujarati mid day Education lifestyle news life and style