લગ્નજીવન એટલે ગૃહસ્થાશ્રમને આધ્યાત્મિક કક્ષાએ પહોંચાડવા માટેનો ઉત્તમ દામ્પત્ય યોગ

04 March, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દામ્પત્ય યોગ. કેવો સુંદર શબ્દ લગ્નજીવન માટે આપણી સંસ્કૃતિએ પ્રયોજ્યો છે. યોગ એટલે જોડાવું, મિલન. લગ્ન જેવા સાંસારિક રિવાજને પણ યોગસાધના જેવી ઉચ્ચ કક્ષાએ મૂકી દીધો છે.

પ્રતીકાત્મક તસવીર

દામ્પત્ય યોગ. કેવો સુંદર શબ્દ લગ્નજીવન માટે આપણી સંસ્કૃતિએ પ્રયોજ્યો છે. યોગ એટલે જોડાવું, મિલન. લગ્ન જેવા સાંસારિક રિવાજને પણ યોગસાધના જેવી ઉચ્ચ કક્ષાએ મૂકી દીધો છે. બે આત્માના મિલનને એક તીર્થની કક્ષાએ મૂકી દીધું છે. જાણે ગંગાજમનાનો સંગમ. આ સંગમના પાવન વારિમાં પતિપત્ની સજોડે ગૃહસ્થસ્નાન કરી પવિત્ર થાય છે. લગનજીવનની આવી ભાવના સમજનાર યુગલો નાનાi ઘરોમાં અને ઓછી લૌકિક આવકમાંય અલૌકિક આનંદ માણી શકે છે. શાંતિ અને સંતુષ્ટિ, પ્રસન્નતા અને પ્રફુલ્લતાનાં કુસુમો સતત પલ્લવિત થતાં રહે છે. જ્યારે સમન્વય અને સમર્પણની ભાવના પરસ્પર હોય ત્યારે સાથીનાં રૂપ, રંગ, ગુણ કે કુળ વગેરે ગૌણ બની જાય છે. સાચા સ્નેહના પ્રભાવમાં બીજો બધો અભાવ વર્તાતો નથી અને એકબીજાના મધુર સંગાથે જીવન સરળતાથી વહી જાય છે.

સંસ્કૃતમાં ‘દંપતી’ શબ્દ પતિ અને પત્ની એમ બે વ્યક્તિઓ માટે વપરાતો હોવા છતાં એક જ શબ્દ ગણાય છે. પતિ-પત્ની દીપ અને જ્યોતિ જેવાં સાથે જ જોડાયેલાં છે. દામ્પત્ય યોગમાં મંત્રો બોલી દીક્ષા ગ્રહણ કરવામાત્રથી જ આવી એકતા આવતી નથી, પરસ્પર સંબંધમાં પ્રેમ અને પ્રસન્નતા દાખવીને એ એકતા પ્રાપ્ત કરવાની હોય છે. સ્નેહની જ્યોતિ સદાય પ્રજ્વલિત રાખવી એ જ દામ્પત્યની સાધના છે. પતિ અને પત્ની એકબીજાને સહાયક થાય ત્યારે તેમના સહજીવનનું માધુર્ય બન્નેના કુટુંબને અને સમાજ સમસ્તને સંવાદિતાથી ભરી દે છે.

બે ભિન્ન પરિવારો, ભિન્ન વાતાવરણમાં જન્મેલાં અને ઊછરેલાં બે ભિન્ન નર અને નારી ભિન્ન પ્રકૃતિનાં હોવા છતાં પરસ્પર સમર્પણના સૂત્રે એકબીજાને જોડી રાખે છે. પ્રકૃતિ અને પુરુષ વચ્ચે ભેદ રહેતો નથી. દ્વૈતમાંથી અદ્વૈતનો આવિષ્કાર થાય છે. જીવ શિવ સાથે જાણે એકાકાર થઈ જાય છે. એટલે જ આપણાં શાસ્ત્રો કહે છે કે યજ્ઞ માટે બન્નેની આવશ્યકતા છે. અયોધ્યામાં પાછા ફર્યા પછી રાજા રામને પણ સીતાની મૂર્તિ બનાવી યજ્ઞ પૂર્ણ કરવો પડ્યો હતો. જીવન પણ એક યજ્ઞ છે. અગ્નિની વેદીની આસપાસ ફેરા ફરતું દંપતી દરેક સંજોગમાં એકબીજાને સાથ આપવાનું વચન આપે છે. બન્ને સહધર્મચારી બની જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થો બન્નેએ સાથે જ સિદ્ધ કરવાના છે. પ્રેમપંથ અગ્નિની સાક્ષીએ શરૂ કર્યો છે. અગ્નિની પાવક જ્વાળા સોના જેવા બન્નેને વધુ ઉજ્જવળ અને સુગંધિત બનાવે છે. લગ્નજીવન ફક્ત બે શરીરનું મિલન નથી પણ ગૃહસ્થાશ્રમને આધ્યાત્મિક કક્ષાએ પહોંચાડવા માટેનો ઉત્તમ દામ્પત્ય યોગ છે.

।। कुर्यात् सदा मंगलम् ।।

-યોગેશ શાહ

yoga relationships hinduism culture news Sociology columnists gujarati mid-day mumbai